બાગપતઃ ઉત્તર પ્રદેશના બાગપતમાં મોટી દુર્ઘટના સર્જાઈ હોવાની માહિતી મળી છે. બાગપતમાં જૈન સમુદાયના નિર્વાણ મહોત્સવ દરમિયાન એક મોટો અકસ્માત થયો હતો. અહીં આદિનાથ નિર્વાણ લડ્ડુ મહોત્સવ દરમિયાન લાકડાનું સ્ટેજ તૂટી પડતા પાંચ ભક્તોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલાઓને હાલમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જેમાંથી ત્રણની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. હાલમાં બચાવ અને રાહત કાર્ય ચાલી રહ્યું છે.
Also read : દિલ્હીમાં મોટી દુર્ઘટના; ચાર માળની ઇમારત ધરાશાયી; કાટમાળ નીચે ઘણા લોકો ફસાયાની આશંકા
મળતી માહિતી મુજબ આ ભયાનક દુર્ઘટના બરૌત શહેરના ગાંધી રોડ વિસ્તારમાં આવેલા મનસ્તંભ કોમ્પ્લેક્સમાં થઈ હતી. અહીં પ્રતિમાનો અભિષેક કરવાનો હોવાથી લોકોની ભારે ભીડ એકઠી થઈ હતી. સ્ટેજ પર પણ લોકોની ભારે ભીડ હતી.
એવામાં અંદાજે 65 ફૂટ ઉંચા પ્લેટફોર્મની સીડીઓ અચાનક તૂટી ગઈ હતી, જેના કારણે ભક્તો એકબીજા પર પડવા લાગ્યા હતા. ચારેબાજુ અફરાતફરી મચી ગઈ હતી અને ઘાયલ શ્રદ્ધાળુઓએ મદદ માટે બુમો પાડવાનો શરૂ કર્યું હતું. આ અકસ્માતમાં મહિલાઓ પુરુષોને બાળકો એમ બધા જ ઘાયલ થયા છે.
અકસ્માત બાદ ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવા માટે એમ્બ્યુલન્સ મેળવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, જેને કારણે ઈજાગ્રસ્તોને ઈ રીક્ષા મારફતે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. દુર્ઘટના બાદ સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
મૃતકોની ઓળખ તરસ પાલ જૈન (75) અમિત (40), ઉષા (65) અને અરુણ તરીકે થઈ છે. હાલમાં ઘણા શ્રદ્ધાળુઓ ઘાયલ છે, તેથી મૃત્યુ આંક વધવાની શક્યતા વહીવટી તંત્રએ વ્યક્ત કરી છે.
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આ ઘટનાની નોંધ લીધી છે અને તેમણે અધિકારીઓને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવા અને રાહત કાર્ય ઝડપી બનાવવાની સૂચના આપી છે તેમજ ઘાયલોની યોગ્ય સારવાર માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. તેમણે ઘાયલોના જલ્દી સાજા થવાની પણ કામના કરી હતી.
Also read : સાપ કરડવાની સમસ્યા દેશભરમાં છે, કંઇક કરોઃ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કરી ટકોર
આ માત્ર અકસ્માત હતો કે બેદરકારીને કારણે થયેલો અકસ્માત તેની તપાસ શરૂ કરવામાં આવી છે.