થાણેના હાયપર સિટી મૉલમાં આગ, અગ્નિશમન દળની ગાડીઓ ઘટનાસ્થળે મોજૂદ

થાણેઃ મહારાષ્ટ્રના થાણેમાં ઘોડબંદર રોડ પર કાસારવડવલી નજીક આવેલા હાઇપર સિટી મૉલમાં આજે સવારે અચાનક આગ ફાટી નીકળી હોવાના સમાચાર જાણવા મળ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ આ મોલમાં બીજા માળે આવેલા PUMA શુઝના ફેક્ટરી આઉટલેટમાં આજે સવારે સાત વાગે અચાનક આગ લાગી હતી અને ધીમે ધીમે બાજુના સ્ટોર્સમાં પ્રસરવા માંડી હતી. આગ લાગવાને કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા. જોકે, વહેલી સવારનો સમય હોવાથી મૉલમાં લોકોની હાજરી નહિવત હોવાથી જાનહાનિ થવાના કોઇને ઇજા થઇ હોવાના સમાચાર જાણવા મળ્યા નથી.
આ પણ વાંચો…સેન્ચુરી મિલની જમીનના કબજા સંબંધેે સુધરાઈ કાનૂની અભિપ્રાયની રાહ જોઈ રહી છે…
આગ લાગવાની જાણ થતા જ અગ્નિશમન દળને બોલાવવામાં આવ્યું છે. હાલમાં અગ્નિશમન દળની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે મોજૂદ છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગનો સ્ટાફ અને પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે મોજૂદ છે.આગ લાગવાનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી, પણ એમ કહેવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી હોઇ શકે છે. વધુ તપાસ ચાલી રહી છે.