કોસ્ટલ રોડના નવા પુલના લોકાર્પણ પછીના દિવસે ૩૭,૨૨૨ વાહનોએ કર્યો તેનો ઉપયોગ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ કોસ્ટલ રોડ પ્રોેજેક્ટ અને વરલી-બાન્દ્રા સી લિંકને જોડનારા ઉત્તર તરફના પુલને રવિવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સોમવારથી કોસ્ટલ રોડ સવારના સાત વાગ્યાથી રાતના ૧૨ વાગ્યા સુધી વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેનાથી બાન્દ્રા અને મરીન ડ્રાઈવ વચ્ચે મુસાફરીનો બંને તરફના સમયની બચત થશે. સોમવારે પહેલા દિવસે જ બંને દિશામાં કુલ ૩૭,૨૨૨ વાહનોએ પ્રવાસ કર્યો હતો.
આ પણ વાંચો : છત્રપતિ સંભાજીનગરમાં એસટી ભાડા વધારા સામે શિવસેના (યુબીટી)નું વિરોધ પ્રદર્શન
કોસ્ટલ રોડ પ્રોજેક્ટ (દક્ષિણ) નરિમન પોઈન્ટથી ઉત્તર તરફ જતા સમયે વરલી-બાન્દ્રા સી લિંકને જોડનારા પુલનું લોકાર્પણ મુખ્ય પ્રધાનના હસ્તે રવિવારે કરવામાં આવ્યું હતું. એ સાથે જ વરલી, પ્રભાદેવી, લોઅર પરેલ, લોટ્સ જંકશન પાસે રહેલા ત્રણ ઈન્ટરલોક રોડનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
કોસ્ટલ રોડ પ્રોજેક્ટના ઉત્તર તરફના પૂલ અને અન્ય ત્રણ ઈન્ટરલોકનું લોકાર્પણ કરવામાં આવ્યા બાદ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે કોસ્ટલ રોડનું ૯૪ ટકા કામ પૂરું થઈ ગયું છે અને હવે ફક્ત એક ઈન્ટરલોકને જોડવાનું કામ બાકી રહ્યું છે. ફેબ્રુઆરી અંત સુધીમાં તે પણ ખુલ્લો મૂકી દેવામાં આવશે.
આ પણ વાંચો : Viral Video: ડોંબિવલીમાં ચમત્કાર, ફ્લેટના ત્રીજે માળથી પડેલા બાળકનો જીવ યુવકે બચાવ્યો
૧૦ મહિનામાં ૫૦ લાખ વાહનો પસાર થયા
મુંબઈના દક્ષિણ છેડા નરિમન પોઈન્ટથી ઉત્તર મુંબઈના દહિસર છેડા સુધી પહોંચવા માટે મુંબઈ કોસ્ટલ રોડ બાંધવામાં આવી રહ્યો છે. પહેલા તબક્કામાં પ્રિન્સેસ સ્ટ્રીટ ફ્લાયઓવરથી વરલી-બાન્દ્રા સી લિંક વરલી છેડા સુધીનો ૧૦.૫૮ કિલોમીટરનો કોસ્ટલ રોડ છે. મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ પર ૧૨ માર્ચ, ૨૦૨૪થી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ના અંત સુધીામં ૫૦ લાખ વાહનોએ અવરજવર કરી છે. રોજના સરેરાર ૧૮થી ૨૦ હજાર વાહનોનો આ રોડનો ઉપયોગ કરે છે, જેમાં સોમવારે સવારના સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં દક્ષિણ દિશામાં ૨૧,૬૩૯ વાહનો અને ઉત્તર તરફની દિશામાં ૧૫,૫૮૩ વાહનોએ કોસ્ટલ રોડનો ઉપયોગ કર્યો હતો.