પ્રોસ્ટેટની પળોજણ
આરોગ્ય પ્લસ -સંકલન: સ્મૃતિ શાહ-મહેતા
માનવ શરીરનું એક મહત્ત્વનું અંગ કિડની છે. આપણા શરીરની આમ તો એ એક જડબેસલાક ફિલ્ટર સિસ્ટમ છે. લોહીમાં રહેલી અશુદ્ધિ અને ઝેરી તત્ત્વો એ પેશાબ દ્વારા શરીરની બહાર કાઢે છે, પણ કિડનીમાં કોઈ પણ કારણસર કંઈ પણ ગરબડ થાય તો અનેક શારીરિક સમસ્યા ઊભી થઈ શકે. આમાંની પુરુષોને પજવતી એક સમસ્યા છે પ્રોસ્ટેટની.. પ્રોસ્ટેટ તે અખરોટ આકારની મૂ્ત્રાશય (Urinary Blader) નીચે આવેલી એક ગ્રંથી છે. જેમ જેમ પુરુષની ઉંમર વધતી જાય તેમ પ્રોસ્ટેટની સાઈઝ વધતી જાય. જ્યારે એ વધુપડતી વધે ત્યારે એને પ્રોસ્ટેટનો સોજો કહે છે (Enlarged Prostate).
પ્રોસ્ટેટનાં લક્ષણ:
પેશાબ કરવામાં તકલીફ પડવી. ખાસ કરીને રાત્રે વાંરવાર પેશાબ કરવા જવું પડે. પેશાબ કરતી વખતે શરૂઆતમાં તકલીફ થવી. પેશાબ બળ કરવાથી જ ઊતરે તેમ જ કટકે કટકે અટકીને આવે. સંપૂર્ણ મૂત્રાશય ખાલી ન થવું તથા પેશાબનાં ટીપાં વારંવાર પડવાં. કોઈક વાર તાવ આવી જવો.પેશાબ કરી આવ્યા બાદ પણ પેશાબ જવાની ઇચ્છા રહે.
પ્રોસ્ટેટ થવાનાં કારણ:
પચાસ વર્ષથી વધુ ઉંમરના પુરુષોમાં પ્રોસ્ટેટનો સોજો થવાની સંભાવના વધારે હોય છે. ડાયાબિટીસ, હૃદયરોગ અને જાડાપણાને લીધે આ રોગ થવાની સંભાવના વધી જાય છે. આ રોગ વારસાગત પણ થઈ શકે છે. બેઠાડું જીવનશૈલીને કારણે પણ આ સમસ્યા થઈ શકે..
પ્રોસ્ટેટના ઉપચાર:
સવાર-બપોર-સાંજ અને રાત્રે એક ચમચી ગોખરુનું ચૂર્ણ ફાકીને પાણી પીવું. આ ઉપચારથી સરેરાશ 15 દિવસમાં રાહત થઈ શકે છે. રોજ કોઈ પણ રીતે ટામેટાનું સેવન કરવું. ટમેટાની અંદર લાયકોપીન Lycopin) હોવાથી તે પ્રોસ્ટેટનો સોજો ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી થાય છે. રોજ એક મૂઠી તરબૂતનાં બી ખૂબ જ ચાવીને જમવા અથવા તે બીનો પાઉડર મધ સાથે લેવો મકાઈના રેસાને પાણીમાં ગરમ કરીને ગાળીને સવાર-સાંજ પીવું.
સાવધાની:
પ્રોસ્ટેટનાં લક્ષણો જો વધુ પ્રમાણમાં જણાય કે તેની સાથે તાવ આવે, તો તરત જ ચિકિત્સક પાસે જઈ યોગ્ય સારવાર લેવી મૂત્ર સંબંધી રોગની તમામ સાવધાની પાળવી. મૂત્ર જવાનો સંકેત ન આવે, તોપણ મૂત્ર જવાની ટેવ પાડો. કેમ કે, પ્રોસ્ટેટના દર્દીઓને ઘણી વાર મૂત્ર જવાનો સંકેત પણ આવતો નથી. પ્રોસ્ટેટના દર્દીઓએ ઠંડા વાતાવરણમાં ન રહેવું. એક જગ્યાએ વધારે ન બેસવું, કેમ કે તેનાથી પ્રોસ્ટેટ પર વધુ દબાણ આવે છે.
કમળાનો પ્રકોપ:
આયુર્વેદની દૃષ્ટિએ કમળો એ પિત્તદોષની વિકૃતિ છે. સામાન્ય રીતે લિવર જ બિલિરૂબિન (એક પ્રકારનું પિત્ત) ને લોહીમાંથી મળ કે પેશાબ દ્વારે બહાર કાઢી નાખે છે, પરંતુ કમળા દરમિયાન બિલિરૂબિન લોહીની અંદર જ રહે છે, તેથી ચામડીનો રંગ પીળાશવાળો થઇ જાય છે.
કમળાનાં શું લક્ષણ હોય છે ?:
આંખો તથા શરીરના ચામડીનો રંગ પીળાશ પડતો થવો, જમ્યા પછી ઊલટી-ઉબકા થવા, પેટમાં દુ:ખાવો થવો, પેશાબ ઘાટો પીળો થવો અને ઝાડો આછા સફેદ રંગનો થવો, અશક્તિ-કમજોરી રહેવી, તાવ આવવો, શરીર તૂટવું તથા શરીર પર ખંજવાળ આવવી.
કમળો થવાનાં કારણ:
* હિપેટાઇટીસ A-B-C-D- અથવા E વાઇરસના ચેપથી એ થાય છે.
* દારૂના વ્યસનથી, યકૃત પર સોજો આવવાથી.
* પિત્તાશયની પથરી થવાથી અથવા પિત્તવર્ધક આહાર-વિહારથી.
કમળામાં આહાર :
* શરૂઆતમાં હલકો ખોરાક લેવો. તેમાં પણ શક્ય હોય તેટલાં પ્રવાહી ખોરાક વધુ લેવાં. જેથી આંતરડાને આરામ મળે.
* મેંદાની વાનગીઓ, ગળ્યા તથા તેલ-ઘી યુક્ત પદાર્થોનો સદંતર ત્યાગ રાખવો.
* ફ્રૂટજયૂસ (ગાજર, બીટ વગેરે), મગનું ઓસામણ, સૂપ, નાળિયેરનું પાણી વગેરે લઇ શકાય. વધુ પ્રમાણમાં લીલા શાકભાજી અને તાંદળજાની ભાજી આહારમાં લેવી. જેથી લોહી શુદ્ધ થાય.
* રોજ સવારે થોડું મીઠું અને મરી નાખીને 1 કપ ટમેટાનો જયૂસ પીવો.
* શેકેલા દાળિયા રોજ ગોળ સાથે કે એકલા જમવા.
* દહીં અને છાશ લઇ શકાય, પરંતુ દૂધનો બને ત્યાં સુધી ત્યાગ રાખવો.
* તાવમાંથી રાહત થયા બાદ ધીરે-ધીરે દહીં-ભાત જેવો હળવો ખોરાક લેવાનું શરૂ કરવું.
કમળાના ઉપચાર :
સૂર્યોદય પહેલાં પાકેલાં 2 કેળાં 2 ચમચી મધ સાથે લેવાથી કમળામાં ખૂબ જ રાહત થાય છે, શેરડીને ઝાકળમાં રાખી સવારે તેને ચૂસીને ખાવી, રોજ સવારે લીંબુની ચીર ઉપર ખાવાનો સોડા નાખીને ચૂસવી, આદુનો રસ ને ગોળ ભેગા કરીને ખાવા, મધ સાથે ગાજરનો રસ પીવો, સૂંઠ અને ગોળ ભેગા કરીને ખાવાથી કમળામાં રાહત થાય છે, 100થી 200 ગ્રામ દહીંમાં 2થી 4 ગ્રામ પાપડખાર મેળવીને વહેલી સવારે નરણે કોઠે લેવાથી 3 દિવસમાં કમળામાં રાહત થાય છે, અડધો કપ તાંદળજાની ભાજીના રસમાં 1 ચમચી સાકર નાખીને સવાર-સાંજ પીવો, 50 ગ્રામ દહીંમાં 5 ગ્રામ હળદરનું ચૂર્ણ મેળવીને ખાવું. સવારમાં નરણે કોઠે 2 ચમચી મધ તથા લીમડાના પાનનો રસ પીવો, દોઢ ગ્રામ સાજીખારની ભૂકકી, 10 ગ્રામ ગોળમાં મેળવીને રોજ સવાર – સાંજ ખાવી, 5-7 પીપળાના પાનને વાટીને રસ કાઢીને તેમાં 1ગ્લાસ પાણી અને સાકર ઉમેરી સવાર-સાંજ પીવું. સાવધાનીદર્દીએ ખાસ સંપૂર્ણ આરામ કરવો. ભૂલેય કોઇ પણ શારીરિક કે માનસિક શ્રમ કરવો નહીં. થોડો ઘણો શ્રમ કરવાથી પણ દવાની કાંઇ અસર થતી નથી.