ઉત્તરાખંડમાં આજે ભૂકંપના કારણે ફરી ધરા ધ્રૂજી ઉઠી. રાજ્યના પિથોરાગઢમાં સોમવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે ત્યાંના સ્થાનિકોમાં ડર વ્યાપી ગયો હતો.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી. જો કે હજુ સુધી કોઈપણ પ્રકારના નુકસાનના સમાચાર નથી. છેલ્લા કેટલાક દિવસોમાં આ વિસ્તારમાં ઘણી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે, જે એક ચિંતાનો વિષય પણ છે.
નેશનલ સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર પિથોરાગઢમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર પિથોરાગઢથી 48 કિમીના અંતરે ઉત્તર-પૂર્વમાં 5 કિમી જમીનની નીચે હતું. ભૂકંપના આંચકા અનુભવ્યા બાદ લોકો ગભરાઈ ગયા અને પોતાના ઘરની બહાર આવી ગયા, ત્યારબાદ આજુબાજુમાં ભારે અફરાતફરી મચી ગઈ.
An earthquake of magnitude 4 strikes 48km NE of Pithoragarh, Uttarakhand: National Center for Seismology
— ANI (@ANI) October 16, 2023
અગાઉ 5 ઓક્ટોબરે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તરકાશીમાં સવારે ચાર વાગ્યાની આસપાસ ધરા ધ્રૂજી હતી. તે સમયે 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જો કે તે સમયે લોકો ઊંઘમાં હતા એટલે વધારે ખબર ન પડી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં આ વિસ્તારમાં ઘણી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેણે વૈજ્ઞાનિકોને ચિંતામાં મૂકી દીધા છે.
નોંધનીય છે કે રવિવારે સાંજે પણ દિલ્હી NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમાં ભૂકંપનું કેન્દ્ર ફરીદાબાદમાં જમીનથી લગભગ દસ કિમી નીચે હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.1 માપવામાં આવી હતી. આ વિસ્તારમાં અનેક બહુમાળી ઈમારતો આવેલી છે, તેથી જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે લોકો ખૂબ જ ડરી ગયા હતા.