નેશનલ

મનમોહક મહાકુંભ: અંતરિક્ષમાંથી મહાકુંભની અદ્ભુત તસવીરો ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશને મોકલી

પ્રયાગરાજ: હાલમાં ચાલી રહેલા સૌથી મોટા ધાર્મિક આયોજન મહાકુંભ મેળાને માત્ર જમીન પરથી જ નહીં પરંતુ અંતરીક્ષમાંથી પણ તસવીરમાં કેદ કરવામાં આવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય અવકાશ કેન્દ્ર (ISS)એ રવિવારે મોડી રાતના અવકાશમાંથી મહાકુંભની અદ્ભુત તસવીરો કેદ કરી છે. આ તસવીરોમાં મહાકુંભ મેળાનો અદ્ભુત નજારો જોવા મળ્યો. ગંગાના સંગમ પર વિશ્વનો સૌથી મોટો માનવ મેળાવડો પ્રકાશથી ઝળહળી રહ્યો છે.

ગંગાના સંગમનું એક અનોખુ દૃશ્ય
મહાકુંભનો અંતરિક્ષની તસવીરો ISSના અવકાશયાત્રી ડોન પેટિટ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરવામાં આવ્યા છે. તસવીરોમાં મહાકુંભ મેળાની ભવ્ય રોશનીના ઝગમગાટ અને વિશાળ માનવ મહેરામણે ગંગાના સંગમને એક અનોખા દૃશ્યમાં પરિવર્તિત કરી દીધું છે. અવકાશમાંથી લેવામાં આવેલી આ તસવીરો પૃથ્વી પરના આ ધાર્મિક પ્રસંગની ભવ્યતા દર્શાવે છે.

Also read: અમિત શાહ આ તારીખે કરશે મહાકુંભમાં સ્નાન, ગુજરાતીઓને કુંભદર્શનની કરી અપીલ

શું કહ્યું ડોન પેટિટે?
અંતરીક્ષમાંથી કેપ્ચર કરવામાં આવેલી આ તસવીરો સમગ્ર વિશ્વનું ધ્યાન મહાકુંભ તરફ ખેંચનારી છે. ડોન પેટિટે તસવીરો શેર કરતા લખ્યું હતું કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પરથી લેવામાં આવેલી તસવીરોમાં 2025ના મહાકુંભ મેળાનો અદ્ભુત નજારો જોવા મળે છે. ગંગાનદીના કિનારે વિશ્વનો સૌથી મોટો માનવ મેળાવડો પ્રકાશથી ઝળહળી રહ્યો છે.

મહાકુંભ વિશ્વનું સૌથી મોટું ધાર્મિક પર્વ
અત્રે ઉલ્લેખનીય છે કે મહાકુંભ એ વિશ્વનું સૌથી મોટું ધાર્મિક પર્વ છે, જ્યાં લાખો શ્રદ્ધાળુઓ ગંગા નદીમાં ડૂબકી લગાવીને આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત કરે છે. મીડિયાના અહેવાલ મુજબ અત્યાર સુધીમાં 13 કરોડથી વધુ શ્રદ્ધાળુએ સંગમમાં સ્નાન કરીને આ સુખદ અને ધાર્મિક અનુભૂતિનો અનુભવ કરી ચૂક્યા છે. જેની પ્રયાગરાજથી આવી રહેલી તસવીરો જોઈ આખી દુનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ છે. મહાકુંભ મેળાને ફક્ત જમીન પરથી જ નહીં પણ અવકાશમાંથી પણ કેપ્ચર કરવામાં આવી રહ્યો છે. અહીં એ જણાવવાનું કે આ અગાઉ મહાકુંભ ઈસરો (ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન)એ તસવીરો અને વીડિયો મોકલ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button