માથા પર પથ્થર ફટકારી પત્નીની હત્યા કરી ફરાર થયેલો પતિ 14 વર્ષે યુપીમાં પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નાલાસોપારામાં માથા પર પથ્થર ફટકારી પત્નીની ક્રૂર હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયેલા પતિને મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસે 14 વર્ષે ઉત્તર પ્રદેશમાં પકડી પાડ્યો હતો.
ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ જવાદ જબ્બાર સૈયદ તરીકે થઈ હતી. સૈયદને લખનઊની કોર્ટમાં હાજર કરાયો હતો. કોર્ટમાંથી 28 જાન્યુઆરી સુધીના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર તેને નાલાસોપારા લાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: વલસાડમાં સગીરે પ્રેમિકાના ચાર મહિનાના બાળકની હત્યા કરીઃ આરોપીએ કોર્ટમાં શું કહ્યું જાણો?
પોલીસ ફરિયાદ અનુસાર નાલાસોપારા પૂર્વમાં સંતોષ ભુવન વિસ્તારના તુલસી નગર ખાતેની દ્વારકા ચાલમાં રહેતી રિહાના (35)ની 23 મે, 2011ની મધરાતે હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ રિહાનાનો પતિ સૈયદ ફરાર થઈ ગયો હતો. આ પ્રકરણે રિહાનાના મોટા પુત્ર મોહમ્મદ હરુલ અન્વર ખાને નોંધાવેલી ફરિયાદને આધારે નાલાસોપારા પોલીસે ગુનો નોંધી આરોપી સૈયદની શોધ હાથ ધરી હતી. જોકે છેલ્લાં 14 વર્ષથી તે પોલીસને હાથ લાગ્યો નહોતો.
વણઉકેલાયેલા ગંભીર ગુનાઓની તપાસનો આદેશ તાજેતરમાં વરિષ્ઠ અધિકારી દ્વારા અપાયો હતો. આદેશને પગલે સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચના ઇન્ચાર્જ અવિરાજ કુરાડેએ રિહાનાની હત્યાના કેસની તપાસ હાથ ધરી હતી. કુરાડેની ટીમ એક મહિનાથી આરોપીની ભાળ મેળવી રહી હતી. દરમિયાન આરોપી તેના વતન ઉત્તર પ્રદેશના લખનઊમાં ઉન્નાવ ખાતે ઓળખ બદલીને રહેતો હોવાની માહિતી પોલીસને મળી હતી.
આ પણ વાંચો: પરેલમાં કોન્સ્ટેબલના દીકરાએ આત્મહત્યા કરી
ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉન્નાવમાં આરોપી વિરુદ્ધના પુરાવા એકઠા કરી તેની ઓળખની ખાતરી કરી હતી. બાદમાં લખનઊ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)ની મદદથી આરોપીને તાબામાં લીધો હતો.
પોલીસના જણાવ્યા મુજબ રિહાના તેના પહેલા પતિથી થયેલા બે પુત્ર અને એક પુત્રી સાથે બીજા પતિ સૈયદ સાથે સંતોષ ભુવન ખાતે રહેતી હતી. રિહાનાનો મોટો પુત્ર હરુલ નાલાસોપારાના ગાલા નગર ખાતે ઝરીના કારખાનામાં કામ કરતો હતો અને મિત્રો સાથે ત્યાં જ રહેતો હતો. જોકે સમયાંતરે તે માતા અને ભાઈ-બહેનને મળવા આવતો, જેનો સૈયદને ગુસ્સો હતો. આ મુદ્દે દંપતી વચ્ચે વારંવાર ઝઘડા પણ થતા હતા. 22 મે, 2011ના રોજ હરુલ રિહાનાને મળવા આવ્યો હતો. આ મુદ્દે દંપતી વચ્ચે ફરી ઝઘડો થયો હતો. 23 મેની રાતે રિહાના ભરઊંઘમાં હતી ત્યારે આરોપીએ મોટો પથ્થર માથા પર ફટકારી તેની હત્યા કરી હતી.