મરાઠી મુદ્દા પર મનસે ફરી આક્રમક, કાર્યકર્તા ડિઝની હોટસ્ટારની ઓફિસમાં ઘૂસી ગયા, ધમાલ કરી

મુંબઈ: મરાઠીના મુદ્દા પર મનસે ફરી એક વખત આક્રમક બનતી જોવા મળી રહી છે. ડિઝની હોટસ્ટાર એપ પર મરાઠીમાં ક્રિકેટની કોમેન્ટ્રી ઉપલબ્ધ ન હોવાના મુદ્દા પર મનસેના કાર્યકરો કંપનીના કાર્યાલય પર ધસી ગયા હતા અને ધમાલ કરી હતી. મનસેના ચિત્રપટ સેનાના પ્રમુખ અમેય ખોપકર અને સંતોષ ધુરીએ વરલી સ્થિત હોટસ્ટારની ઓફિસમાં જઈને વિરોધ નોંધાવ્યો હતો અને આ સમયે કાર્યકરોએ જોરદાર સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
કંપનીના વરિષ્ઠ અધિકારીઓ મુલાકાત ન લેતા હોવાથી વાતાવરણ છેલ્લા કેટલાક સમયથી તંગ હતું, પરંતુ પોલીસ દળોની હાજરીને કારણે પરિસ્થિતિ કાબુમાંથી બહાર ન ગઈ. પોલીસે સમયસર પરિસ્થિતિ કાબુમાં લીધી હતી. અમેય ખોપકરે કંપનીના અધિકારીઓને એક મેમોરેન્ડમ સુપરત કર્યું, જેમાં તેમને એપ પર શક્ય તેટલી વહેલી તકે મરાઠી કોમેન્ટ્રી ઉપલબ્ધ કરાવવાનો આગ્રહ કર્યો હતો.
Also read: શો-શરાબા ઃ ડિજિટલ સ્ટાર્સ બન્યા મૅનસ્ટ્રીમ સ્ટાર્સ!
‘મહારાષ્ટ્રમાં રહેતા અને અહીં વ્યવસાય કરતા, ડિઝની હોટસ્ટારની એપ પર ક્રિકેટ કોમેન્ટ્રી બધી ભાષાઓમાં ઉપલબ્ધ છે – હિન્દી, ગુજરાતી, મલયાલમ, તેલુગુ, ભોજપુરી. પરંતુ તે મરાઠીમાં ઉપલબ્ધ નથી. આ બિલકુલ ચાલશે નહીં. જો આટલું નથી સમજાતું તો પછી તેને ભલે ધમકી ગણો, પરંતુ મરાઠીમાં કોમેન્ટ્રી તાત્કાલિક ઉપલબ્ધ થવી જોઈએ. નહીંતર, યાદ રાખો કે ડિઝની હોટસ્ટાર ઓફિસનો કાચ ખૂબ મોંઘો છે,’ એમ આ સમયે અમેય ખોપકરે જણાવ્યું હતું. જ્યારે મનસેના અધિકારીઓ હોટસ્ટારના અધિકારીઓને મળવા ગયા, ત્યારે લાંબા સમય સુધી કોઈ તેમને મળવા તૈયાર ન હતું, જેના કારણે ઓફિસમાં તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું. અધિકારીઓએ આક્રમક વલણ અપનાવ્યું હતું. ધમકીભરી ચેતવણી આપ્યા પછી, કંપનીના અધિકારીઓએ કાર્યકરોની મુલાકાત લીધી હતી.