નેશનલ

વક્ફ સંશોધન બિલને JPCએ આપી મંજૂરીઃ વિપક્ષને ફટકો, 14 ફેરફારો સ્વીકાર્યા

નવી દિલ્હી: વકફ સંશોધન બિલને સંદર્ભે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની આજે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી, જેમાં JPCએ વકફ સંશોધન બિલને મંજૂરી આપી દીધી છે. તેમાં 14 ફેરફારો કરવામાં આવ્યા છે. ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના જગદંબિકા પાલના અધ્યક્ષસ્થાને નીમવામાં આવેલી સંયુક્ત સંસદીય સમિતિની સમક્ષ કુલ 44 સુધારા રજૂ કરવામાં આવ્યા હતા. જેમાંથી ઘણા સુધારાઓ વિપક્ષ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.

6 મહિના સુધી વિગતવાર ચર્ચા
મીડિયા સાથે વાત કરતા JPCનાં અધ્યક્ષ જગદંબિકા પાલે કહ્યું હતું કે 44 સુધારાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. 6 મહિના સુધી વિગતવાર ચર્ચા કર્યા બાદ અમે બધા સભ્યો પાસેથી સુધારા માંગ્યા હતા. આ અમારી છેલ્લી બેઠક હતી, તેથી સમિતિ દ્વારા બહુમતીથી 14 સુધારાનો સ્વીકાર કરવામાં આવ્યો છે.

Also read: Waqf Board Bill: આજે સંસદમાં વક્ફ બોર્ડ સંશોધન બિલ રજૂ થશે, આ મોટા ફેરફારો થશે

વિપક્ષના સુધારાઓને મંજૂરી નહીં
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સંયુક્ત સંસદીય સમિતિની સમક્ષ વિપક્ષે પણ સુધારા સૂચવ્યા હતા. અમે તે દરેક સુધારા રજૂ કર્યા અને તેના પર મતદાન થયું, પરંતુ વિપક્ષના સાંસદો દ્વારા સૂચવેલા સુધારાઓના પક્ષમાં 10 અને વિરુદ્ધમાં 16 મત પડ્યા હતા. આથી તેનો સ્વીકાર કરવામાં આવ્યો નહોતો.

બજેટ સત્રમાં રજૂ થશે બિલ
હવે આગામી બજેટ સત્ર દરમિયાન વક્ફ (સુધારા) બિલ પર JPC સંસદમાં પોતાનો અહેવાલ રજૂ કરશે. સંસદના શિયાળુ સત્ર દરમિયાન સમિતિનો કાર્યકાળ વધારવામાં આવ્યો હતો. વકફ મિલકતોનું નિયમન કરવા માટે બનાવાયેલ વકફ અધિનિયમ, 1995ની ગેરવહીવટ, ભ્રષ્ટાચાર અને અતિક્રમણ જેવા મુદ્દાઓ માટે ટીકા કરવામાં આવતી રહી છે.

અગાઉની બેઠકમાં પણ હોબાળો થયો હતો
24 જાન્યુઆરીએ દિલ્હીમાં યોજાયેલી JPC બેઠક દરમિયાન પણ ભારે હોબાળો થયો હતો. વિપક્ષી સભ્યોએ દાવો કર્યો હતો કે તેમને ડ્રાફ્ટમાં સૂચિત ફેરફારોની તપાસ કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો ન હતો. વળી તેમણે આરોપ કર્યો હતો કે ભાજપ દિલ્હીની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વક્ફ સુધારા બિલ પરનો અહેવાલ સંસદમાં વહેલા રજૂ કરવાનો આગ્રહ રાખી રહી છે. આ બેઠક દરમિયાન થયેલા હોબાળા બાદ 10 વિપક્ષી સાંસદોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button