Howrah Train Accident: ક્યારે રોકાશે ટ્રેન અકસ્માત, બંગાળમાં બે ટ્રેનની ટક્કર…

હાવડાઃ ભારતીય રેલવેમાં ટ્રેન અકસ્માતોનું પ્રમાણ વધતું રહ્યું છે ત્યારે આજે પશ્ચિમ બંગાળમાં બે ટ્રેનની ટક્કરના અહેવાલ મળ્યા છે. આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ટ્રેનસેવા પર અસર થઈ હતી અકસ્માત પછી રેલવે પ્રશાસને તપાસ હાથ ધરવાનો આદેશ આપ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. જોકે, વધતા અકસ્માતોને કારણે રેલવે પ્રશાસન પર પ્રવાસીઓની સુરક્ષા અને રેલવે સંપત્તિને થનારા નુકસાન અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે.
પશ્ચિમ બંગાળમાં આજે એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. હાવડા જિલ્લાના પદ્મપુકુર રેલવે યાર્ડની નજીક બે ખાલી ટ્રેન ટકરાઈ હતી. તિરુપતિ-શાલીમાર એક્સપ્રેસના બે કોચ અને એક પાર્સલ વાન પાટા પરથી ઉતરી હતી. જોકે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આ અકસ્માતને કારણે અનકે ટ્રેનના રુટને બદલવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: જળગાંવ ટ્રેન દુર્ઘટનાઃ ટ્રેક પર માતાને શોધતા દીકરાના આક્રંદે લોકોને વ્યથિત કર્યાં, જુઓ તસવીરો
આ અકસ્માત અંગે દક્ષિણ પૂર્વ રેલવેના અધિકારીએ કહ્યું હતું કે ટ્રેનના ખાલી કોચ પદ્મપુકુરથી શાલીમાર યાર્ડ તરફ જઈ રહ્યા હતા ત્યારે પાર્સલ વાનના કોચને ટક્કર મારી હતી, જેનાથી કોચ ડિરેલ થયા હતા. બે ટ્રેનની ટક્કરને કારણે રેલવે પ્રશાસને તપાસનો આદેશ આપ્યો છે. ટ્રેન ડિરેલ થવાને કારણે રુટના રેલવે ટ્રેકને નુકસાન થયું હતું, પરિણામે રુટની ટ્રેનોને રદ્દ કરવાની સાથે ટાઈમિંગમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
રેલવે ટ્રેક પરથી ઉતરેલા કોચને હટાવી લેવામાં આવ્યા હતા. રેલવેએ અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે. સિગ્નલ સિસ્ટમમાં ખરાબી કે મેન્યુઅલ ફોલ્ટ હોવા અંગે તપાસ હાથ ધરવામાં આવી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. ગયા અઠવાડિયા દરમિયાન લખનઊ-મુંબઈ પુષ્પક એક્સપ્રેસમાં આગની અફવાને કારણે 13 પ્રવાસીના મોત થયા હતા, જ્યારે 40થી વધુ પ્રવાસીને ઈજા પહોંચી હતી. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું હતું કે ચાવાળાએ ટ્રેનમાં આગ લાગ્યાની અફવા ફેલાવી હતી. રાજ્ય સરકારે મૃતકના પરિવાર માટે પાંચ લાખ રુપિયાના વળતર અને ઈજાગ્રસ્ત લોકોને મફતમાં સારવાર કરવાની જાહેરાત કરી હતી. ભારતીય રેલવેમાં વધતા અકસ્માત અંગે પ્રવાસીઓની સુરક્ષા મુદ્દે ગંભીર સવાલો ઊભા થયા છે.