એનસીપી સુપ્રીમો શરદ પવારની તબિયત લથડી અને રાજકીય અટકળો ફરી ગરમાઈ…
મુંબઈઃ એનસીપી (એસપી)ના સુપ્રીમો શરદ પવારની તબિયત લથડી હોવાના સમાચાર છે. 84 વર્ષીય શરદ પવારની તબિયત સારી ન હોવાથી તેમના આગામી ચાર દિવસના તમામ રાજકીય અને સામાજીક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ગુરુવારે પુણે ખાતેની વસંતદાદા સુગર ઈન્સ્ટિટયૂટ ખાતે એક કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી. અહીં તેમને ભાષણ દરમિયાન ખૂબ જ ઉધરસ આવતી હતી અને તેમને બોલવામાં તકલીફ પડતી હતી. સતત ઉધરસને લીધે તેમને તકલીફ થતી હોવાથી તેમના ચાર દિવસના જાહેર કાર્યક્રમો રદ થયા હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી છે.
આ પણ વાંચો : સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં એકથી વધુ વ્યક્તિની સંડોવણીની પોલીસને શંકા
શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે દિલ્હીમાં
શરદ પવારની તબિયત અસ્વસ્થ હોવાને લીધે તેમના કાર્યક્રમો રદ થયા હોવાની ખબરો વચ્ચે રાજકારણ ગરમાઈ રહ્યું છે. તેમની તબિયતને લીધે કાર્યક્રમો રદ થયા છે કે પછી રાજ્યની રાજકારણમાં ફરી કોઈ ઉથલપાથળ થવાની છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. પુણેના કાર્યક્રમો દરમિયાન શરદ પવાર અને મહાયુતીના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર વચ્ચે બે વર્ષ બાદ બંધ બારણે ચર્ચા થઈ હતી. જોકે જાહેર કાર્યક્રમમાં અજિત પવારે કાકાથી અંતર રાખ્યું હતું.
અગાઉ પણ શરદ પવારનો પક્ષ એનડીએમાં સામેલ થતો હોવાની અટકળો સતત થતી રહે છે. માત્ર પવાર જ નહીં, મહાવિકાસ અઘાડીનો બીજો પક્ષ શિવસેના (યુબીટી) પણ દિલ્હીની ભાજપની નેતાગીરીનાં સંપર્કમાં હોવાની માહિતી મળી છે.
મહારાષ્ટ્રમાં ઠાકરે અને શરદ પવાર જૂથના વિધાનસભ્યો અનુક્રમે એકનાથ શિંદે અને અજિત પવારના સંપર્કમાં હોવાની અને ગમે ત્યારે મહાયુતીમાં સામેલ થવાની તૈયારીમાં છે, તેવા નિવેદનો શિંદેજૂથના નેતાઓ કર રહ્યા છે.
31મી જાન્યુઆરીથી કેન્દ્રનું બજેટ સત્ર શરૂ થશે ત્યારે તે દરમિયાન જ મહારાષ્ટ્ર અને દેશના રાજકારણમાં ફરી ખળભળાટ આવવાના એંધાણ હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
આ પણ વાંચો : હવે ટમેટા ખેડૂતોને રડાવે છેઃ મબલખ આવકને લીધે ભાવ તળિયે…
કેન્દ્રમાં નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ પોતાના અંગત સ્વાર્થ માટે કેન્દ્ર સરકારના સમર્થનમાં છે, બિહારની ચૂંટણી પહેલા કંઈપણ થઈ શકે તેમ છે ત્યારે કેન્દ્ર સરકારમાં આ બન્ને પક્ષ જોડાઈ તો મોદી સરકારને કોઈ મુશ્કેલી ન આવે, તેવું ગણિત હાલમાં તો બેસાડવામાં આવ્યું છે. હવે આગળ શું થાય તે સમય જ બતાવશે.