અમદાવાદ: દરવર્ષે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય સર્વોચ્ચ સન્માનની જાહેરાત કરવામાં આવે છે. આજે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સર્વોચ્ચ સન્માન પદ્મ પુરસ્કાર વિજેતાના નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કળા, ઉદ્યોગ, સાહિત્ય સહિતના ક્ષેત્રમાં જોડાયેલા ગુજરાતી મહાનુભાવોને એવોર્ડ આપવાની ઘોષણા કરવામાં આવી છે.
કુમુદિની લાખિયાને પદ્મ વિભૂષણ
ગુજરાતના પણ કથક નૃત્યનાં વિખ્યાત નૃત્યાંગના, કલાગુરુ તથા ‘કદંબ’ નૃત્યસંસ્થાનાં સંસ્થાપક-નિયામક કુમુદિની લાખિયાને પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવશે. 17 મે 1930, મુંબઈમાં જન્મેલા કુમુદિની લાખિયા માત્ર નવ વર્ષની વયે કથક નૃત્યશૈલીની તાલીમ લેવાની શરૂઆત કરી હતી.તેમણે જયપુર અને લખનૌ ઘરાણામાં નૃત્યની પદ્ધતિસરની તાલીમ લીધી હતી. ત્યારબાદ રામ ગોપાલ અને શંભુ મહારાજ જેવા નૃત્ય વિશારદો પાસેથી કથ્થક શૈલીનો અભ્યાસ કર્યો હતો. આરંભ તેમણે યુરોપ-અમેરિકામાં કથ્થક નૃત્યના કાર્યક્રમો યોજીને ભારતીય શાસ્ત્રીય નૃત્યોનો બહોળો પ્રચાર કર્યો હતો.
પંકજ પટેલને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે પદ્મ ભૂષણ
અબજોપતિ બિઝનેસમેન અને ભારતની પાંચમા ક્રમની સૌથી મોટી ફાર્મા કંપની કેડિલા હેલ્થકેરનાં ચેરમેન પંકજ પટેલને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે પદ્મ ભૂષણ એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
પંકજ ઉધાસને કળા ક્ષેત્રે પદ્મશ્રી
સુપ્રસિધ્ધ ગઝલકાર અને ગાયક પંકજ ઉધાસને કળા ક્ષેત્રે પદ્મ ભૂષણ એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેમનો જન્મ 17મે 1951ના રોજ રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે થયો હતો, તેમનું વતન ગોંડલ તાલુકાનું ચરખડી ગામમાં થયો હતો. પંકજ ઉધાસ ત્રણ ભાઈઓમાં સૌથી નાના હતા. તેમના મોટા બે ભાઈના નામ મનહર ઉધાસ અને નિર્મલ ઉધાસ, તેઓ પણ ગાયક કલાકાર છે, પરંતુ સૌથી પહેલા ગાયકી પંકજ ઉધાસે શરૂ કરી હતી.
ચંદ્રકાન્ત શેઠને મરણોપરાંત પદ્મશ્રી
રામ મંદિરના વાસ્તુકાર ચંદ્રાકાંત સોમપુરાને પદ્મશ્રી
રામ મંદિરના નિર્માણ કાર્યમાં મહત્ત્વનો ફાળો આપનારા ચંદ્રાકાંત સોમપુરાને સ્થાપત્ય કળાના ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે. ચંદ્રાકાંત સોમપુરાએ રામ મંદિર ઉપરાંત સોમનાથ મંદિર, અક્ષરધામ સહિતના મહત્વના મંદિરોના નિર્માણમાં તેમનો અમૂલ્ય ફાળો રહ્યો છે. ચંદ્રકાંત સોમપુરાના દાદા પ્રભાશંકર ઓગડભાઈ નાગરી શૈલીના મંદિરોના અગ્રણી વસ્તુકારોમાનાં એક હતા, જેમણે આધુનિક સોમનાથ મંદિરની રચના અને નિર્માણ કર્યું હતું.
રતન પરિમૂને પદ્મશ્રી
રતન પરિમૂ કાશ્મીરના એક ભારતીય કલા ઇતિહાસકાર છે, જેમણે કલા શિક્ષક, શિક્ષણશાસ્ત્રી, કલાકાર અને અમદાવાદના લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમના ભૂતપૂર્વ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. રતન પરિમૂ બરોડા ગ્રુપના સ્થાપક સભ્યોમાંના એક હતા.
તુષાર શુક્લને પદ્મશ્રી
ગુજરાતી સાહિત્યકાર તુષાર શુક્લને પદ્મશ્રી એનાયત કરવામાં આવશે. દરિયાના મોજા કંઈ રેતીને પૂછે, તને ભીંજાવું ગમશે કે કેમ, આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે !! આ કવિતાઓથી લગભગ ભાગ્યે જ કોઇ અજનયા હશે. આકાશવાણીથી લઈને ગુજરાતી સાહિત્ય, બૉલીવુડ ગીતોમાં કામ કરનારા તુષાર શુક્લને સાહિત્યના ક્ષેત્રે પદ્મ પુરસ્કાર આપવામાં આવશે.
ટાંગલીયા વણાટના સંવર્ધન માટે લવજીભાઈ પરમારને પદ્મશ્રી
સુરેન્દ્રનગરના કુશળ વણકર પરમાર લવજીભાઈ નાગજીભાઈને ટાંગલીયા વણાટની પ્રાચીન હસ્તકળાને જીવંત રાખવા માટે મળેલા પદ્મશ્રી એનાયત કરવામાં આવશે. ડાંગસિયા સમુદાય સાથે સંકળાયેલી આ ટાંગલિયા કળાને યુનેસ્કો દ્વારા વર્ષ 2009માં ભૌગોલિક સૂચકાંક (GI) ટેગ આપવામાં આવ્યો હતો. રાજ્યની આંગળીના વેઢે ગણી શકાય તેવી હાથવણાટ કળાઓમાં સુરેન્દ્રનગરની ટાંગલિયા વણાટ કળા આગવું સ્થાન ધરાવે છે.
સુરેશ સોનીને પદ્મશ્રી
સુરેશ સોની સાબરકાંઠા જિલ્લા વતની છે. જેઓ હિંમતનગરથી શામળાજી રસ્તા પર એક સંસ્થા અને આમ એક આખુ ગામ ચલાવે છે. સુરેશ સોની અને ઈંદિરા સોની મનોદિવ્યાંગો, પ્રજ્ઞાચક્ષુઓ, એચઆઇવીવાળા અને અનાથ લોકોની જરૂરિયાતોને સમર્પિત છે. તેમણે પોતાનું આખું જીવન આવા જરૂરિયાતમંદોને સમર્પિત કરી દીધું છે.