સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ-આપ વચ્ચે ગઠબંધન મુદ્દે અનેક તર્કવિતર્ક
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગતા જ રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી છે. રાજ્યની 66 નગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ગઠબંધનની રાજનિતીએ ફરી એક વખત જોર પકડ્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થશે કે કેમ તે અંગે અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતા જ કોંગ્રેસ એક્શન મોડમાં આવી છે. કોંગ્રેસે પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં NCP અજિત પવાર જૂથ સ્થાનિક સ્વરાજની ચૂંટણી એકલા હાથે લડશે, 11 સભ્યોની બનાવી કમિટી
આગામી ચૂંટણી તેમજ સંગઠન બાબતે ચર્ચા
અમદાવાદ સ્થિત રાજીવ ગાંધી ભવન ખાતે પોલિટિકલ અફેર્સ કમિટીની અગત્યની બેઠકમાં ગુજરાત કૉંગ્રેસના પ્રભારી મુકુલ વાસનીક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા તથા સહપ્રભારીઓ તેમજ સિનિયર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી ચૂંટણી તેમજ સંગઠન બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
શક્તિસિંહ ગોહિલનું ગઠબંધન અંગે નિવેદન
આ દરમિયાન શક્તિસિંહ ગોહિલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગઠબંધન અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, કોઇ પણ પાર્ટીનો ગઠબંધન અંગે પ્રસ્તાવ આવ્યો નથી. સ્થાનિક સંગઠનની માંગ મુજબ ગઠબંધન અંગે ચર્ચા કરીશું. રાજ્ય સ્તરે કોઇપણ પાર્ટી સાથે ગઠબંધન અંગે ચર્ચા થઇ નથી. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે કહ્યું હતું કે, ચૂંટણી અંગે પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં ચર્ચા કરીશું. અત્રે ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની વાત કરી હતી.
ગઠબંધનના નિર્ણયમાં સ્થાનિક નેતાઓની ભૂમિકા
કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકે સ્વરાજની ચૂંટણીમાં ગઠબંધન અંગે જણાવ્યું હતું કે, ઘણા સમયથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ પોતાના સિમ્બોલ પર ચૂંટણી લડશે. જો કે સાથી પક્ષો સાથે ગઠબંધનનો નિર્ણય સ્થાનિક નેતાઓ કરશે. ગઠબંધન અંગેના નિર્ણયમાં સ્થાનિક નેતાઓની ભૂમિકા મહત્ત્વની રહેશે.
ઇસુદાન ગઢવીના નિવેદન પર ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. લલિત વસોયાએ કહ્યું હતું કે, પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ ગઠબંધન નક્કી કરશે. જો કે તેમણે કોંગ્રેસે ગઠબંધન વગર એકલા હાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.
16 ફેબ્રુઆરીએ મતદાન
ગુજરાતમાં 66 નગરપાલિકાની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન થશે, જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ પરિણામ જાહેર થશે. 66 નગરપાલિકાની 2178 બેઠક પર યોજાનારી ચૂંટણી માટે 27 જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે. તેમજ ઉમેદવારો 1 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે.