આમચી મુંબઈ

પેટમાં 7.51 કરોડનું ડ્રગ્સ ભરેલી કૅપ્સ્યૂલ્સ છુપાવીને લાવનાર વિદેશી નાગરિક પકડાયો

એરપોર્ટ પર સોનું-વિદેશી ચલણ સાથે બે પ્રવાસીની પણ ધરપકડ

મુંબઈ: પેટમાં 7.51 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ભરેલી કૅપ્સ્યૂલ્સ છુપાવીને લાવનારા તાન્ઝાનિયનને કસ્ટમ્સ વિભાગે મુંબઈ એરપોર્ટ પર પકડી પાડ્યો હતો. પ્રવાસીના પેટમાંથી 55 જેટલી કૅપ્સ્યૂલ્સ કઢાવતાં અધિકારીઓને પાંચ દિવસ લાગ્યા હતા. બીજી તરફ મુંબઈ એરપોર્ટ પર સોનું અન વિદેશી ચલણ સાથે અન્ય બે પ્રવાસીની પણ ધરપકડ કરવામાં આવી હતી.

કસ્ટમ્સ વિભાગના ઍર ઇન્ટેલિજન્સ યુનિટે (એઆઇયુ) ડ્રગ્સની તસ્કરી બદલ ધરપકડ કરેલા તાન્ઝાનિયનની ઓળખ લુખુનમી ફહાદી સઇ મુનાવાકી (47) તરીકે થઇ હતી. લુખુનમી મુનાવાકી 19 જાન્યુઆરીએ દર ઇસ સલામથી ફ્લાઇટમાં બેઠો હતો અને બીજે દિવસે તે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવી પહોંચ્યો હતો. એઆઇયુના અધિકારીઓએ તેને શંકાને આધારે આંતર્યો હતો.

આ પણ વાંચો: થાણેમાં રૂ. 66.18 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે નાઇજીરિયન પકડાયો…

લુખુનમીના સામાનની તલાશી લેવામાં આવતાં કશું જ મળી આવ્યું નહોતું. બાદમાં તેણે શરીરમાં કશું છુપાવ્યું છે કે કેમ એવું પુછાતાં તે ડ્રગ્સ ભરેલી કૅપ્સ્યૂલ્સ ગળીને લાવ્યો હોવાનું અને પેટમાં અસ્વસ્થતા મહેસૂસ થઇ રહી હોવાનું તેણે જણાવ્યું હતું. આથી તેને એરપોર્ટ પર એઆઇયુ રૂમના ટોઇલેટમાં લઇ જવાયો હતો, જ્યાં ઝાડા વાટે 17 લેમિનેટ કરેલી કૅપ્સ્યૂલ્સ કાઢવામાં આવી હતી, જેમાં કોકેઇન મળી આવ્યું હતું.

લુખુનમીએ તેના પેટમાં વધુ કૅપ્સ્યૂલ્સ હોવાનું જણાવ્યા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં 24 જાન્યુઆરીએ બીજી 38 કૅપ્સ્યૂલ્સ પેટમાંથી કઢાઇ હતી. કૅપ્સ્યૂલ્સ પેટમાં ફાટી ન જાય એ માટે તેને લેમિનેટ કરવામાં આવી હતી. આમ તેના પેટમાંથી કુલ 55 કૅપ્સ્યૂલ્સ કઢાઇ હતી અને તેમાંથી કોકેઇન મળી આવ્યું હતું.

આ પણ વાંચો: મુંબઈ એરપોર્ટ પર લાખો રુપિયાના ફાર્મા ડ્રગ્સ સાથે નકલી બ્રાન્ડની 2.44 લાખ સિગારેટ્સ જપ્ત

દરમિયાન એરપોર્ટ કમિશનરેટ, મુંબઈ, ઝોન-3ના અધિકારીઓએ શનિવારે મળસકે ત્રણ કેસમાં સોનું અને વિદેશી ચલણ પકડી પાડ્યું હતું. બાકુ અને જેદ્દાહથી આવેલા બે પ્રવાસીની તલાશી લેવાતાં તેમણે શરીરમાં એ જૂતામાં મીણમાં છુપાવેલું ગોલ્ડ ડસ્ટ અને સોનાની લગડી મળી આવી હતી, જેની કિંમત 86.68 લાખ હતી. બીજી તરફ મુંબઈથી દુબઇ જઇ રહેલા પ્રવાસીની બેગમાંથી વિદેશી ચલણ મળી આવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button