આમચી મુંબઈ

દેશના ઘણા ભાગોમાં ભાજપની રાજકીય તાકાત ઘટી રહી છે

એનસીપી ચીફનું મહત્વનું નિવેદન

મુંબઇઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વડા શરદ પવારે રવિવારે જણાવ્યું હતું કે દેશના ઘણા ભાગોમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની રાજકીય શક્તિ ઘટી રહી છે અને “સત્તાનો સંપૂર્ણ દુરુપયોગ” તેમની ફોર્મ્યુલા છે. એનસીપીના અધિકારીઓની બેઠકને સંબોધતા પવારે એમ પણ કહ્યું હતું કે જે લોકો ભાજપ સાથે ગઠબંધન કરવા માંગે છે તે (પક્ષો અને નેતાઓ)ને લોકો સમર્થન નથી આપી રહ્યા.

તેમણે કહ્યું હતું કે, “આ દેશની જનતા તેમની સાથે નથી જેઓ ભાજપ સાથે ગઠબંધન કરવા માંગે છે. અખિલ ભારતીય સ્તર પર આ વાતાવરણ છે. જો તમે દેશનો નકશો બહાર કાઢો અને જુઓ તો દક્ષિણ ભારતના એક પણ રાજ્યમાં ભાજપ સત્તામાં નથી.”


ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાને દાવો કર્યો હતો કે, “ભાજપ રાજસ્થાન, પંજાબ, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં સત્તામાં નથી. ઉત્તર પ્રદેશ અને કેટલાક અન્ય રાજ્યોને બાદ કરતાં દેશના અન્ય ભાગોમાં ભાજપની રાજકીય તાકાત ઘટી રહી છે. પવારે એમ પણ કહ્યું હતું કે ચૂંટણી પછી રાજકીય ચિત્ર સ્પષ્ટ થશે.


“ભાજપ સત્તાના દુરુપયોગને કારણે સત્તા ગુમાવી રહી છે. પાર્ટી દ્વારા લેવામાં આવેલા નિર્ણયો સામાન્ય માણસને સશક્ત કરતા નથી,એમ જણાવતા તેમણે કહ્યું હતું કે તેમણે એવી પાર્ટીનો વિરોધ કરવાનું નક્કી કર્યું છે જે પોતાના ફાયદા માટે સત્તાનો ઘોર દુરુપયોગ કરી રહી છે.

ઇન્ડિયા સાથે ગઠબંધન વિશે તેમણે કહ્યું હતું કે અમે સમાન વિચારધારા ધરાવીએ છીએ. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની પાર્ટી (આપ) ત્રણ વખત જીતી ગઈ હતી. હવે કેજરીવાલને હેરાન કરવામાં આવી રહ્યા છે. તેમના ઘરની તપાસ કરવામાં આવી હતી. આવા કારણોને લીધે જ સમાન વિચારધારા ધરાવતા પક્ષોએ ભાજપને મોટો પડકાર આપવાનું નક્કી કર્યું છે.


શરદ પવારે મુંબઈ પોલીસ માટે કોન્ટ્રાક્ટ પર ત્રણ હજાર સુરક્ષા કર્મચારીઓની નિમણૂક કરવાના રાજ્યના ગૃહ વિભાગના પગલાની પણ ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે દેશમાં કોઈએ ગૃહ વિભાગ માટે કોન્ટ્રાક્ટના ધોરણે લોકોની નિમણૂક કરવાનો પ્રયાસ કર્યો નથી, પણ ભાજપ આવો પ્રયાસ કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button