ભાજપ ફરી એક વાર ઉદ્ધવ ઠાકરેને નિશાન બનાવ્યા
જનાબ ઉદ્ધવ ઠાકરે વિશિષ્ટ સમાજના મતો માટે તમે તુષ્ટીકરણનો ભેખ ધારણ કર્યો
મુંબઈ: છેલ્લાં પાંચ વર્ષમાં ભાજપ અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે) વચ્ચેના સંબંધો એટલા બધા વણસ્યા છે કે બંને પક્ષ મહેણાંટોણાં મારવાની એક પણ તક ગુમાવતા નથી. હાલમાં જ મુંબઈમાં બોમ્બસ્ફોટ કરનારી વ્યક્તિ સાથે મળીને પ્રચાર કર્યો એ મહારાષ્ટ્રની જનતા ક્યારે પણ ભૂલશે નહીં. ખરેખર તો ભાજપે ઉદ્ધવ ઠાકરેએ કરેલા આરોપનો જવાબ આપ્યો છે.
સોશિયલ મીડિયા પર સામનાના લોગોવાળો ફોટો વાયરલ થઇ રહ્યો છે. આ ફોટોમાં ઉદ્ધવ ઠાકરેએ 1993ની હિંસા બાબતે કોઇની પણ માફી માગી ન હોવાનું સ્પષ્ટ કર્યું છે. આ ફોટમાં ઉદ્ધવ ઠાકરેએ એવું પણ કહ્યું છે કે 1993ની હિંસા માટે મેં માફી છે, એવી ખોટી વાત ફેલાવવામાં આવી રહી છે. માફી ઉદ્ધવ ઠાકરેએ નહીં, અટલ બિહારી વાજપેયીએ માગી હતી. બાબરી વોઝ એ ટેરિબલ મિસ્ટેક એવું ઉદ્ધવ ઠાકરે નહીં, એલ.કે. અડવાણી બોલ્યા હતા.
નવાઝ શરીફના જન્મદિવસે કેક ઉદ્ધવ ઠાકરેએ નહીં, તમારા નરેન્દ્ર મોદીએ ખાધી હતી. નાનપણથી અમે મુસલમાન કુટુંબના પડોશી રહ્યા છે, ઈદના દિવસે તેઓ અમારા ઘરે જમવા આવતા અને અમે સાથે જમતા, એવું ઉદ્ધવ ઠાકરે નહીં, નરેન્દ્ર મોદી બોલ્યા હતા. મોહન ભાગવત મસ્જિદમાં ગયા હતા, ઉદ્ધવ ઠાકરે નહીં.
આ પણ વાંચો: શિંદેસેનાના નેતા બાદ હવે ભાજપના પ્રધાને પણ કર્યો ઈશારોઃ સૈફના હુમલાનું રહસ્ય ઘેરાઈ રહ્યું છે
ઉદ્ધવ ઠાકરેની આવી પોસ્ટ બાદ ભાજપે પણ ઉદ્ધવ ઠાકરેને સણસણતો જવાબ આપ્યો છે. ઉદ્ધવ ઠાકરેના વિધાનને શેર કરીને ભાજપે એવો ટોણો માર્યો છે કે
જનાબ ઉદ્ધવ ઠાકરે વિશિષ્ટ સમાજના મતો માટે તમે તુષ્ટીકરણનો જે ભેખ ધારણ કર્યો છે, એ મહારાષ્ટ્રની જનતા હજી ભૂલી નથી. વકફ બોર્ડના સમર્થનમાં તમે કોંગ્રેસથી પણ એક ડગલું આગળ નીકળી ગયા. રામ મંદિરનો વિરોધ હતો એટલે જ તમે પ્રાણપ્રતિષ્ઠામાં અયોધ્યા ગયા નહીં. મતો માટે મુંબઈમાં બોમ્બસ્ફોટ કરનારી વ્યક્તિ સાથે તમે કરેલો પ્રચાર મુંબઈગરો અને ઉલેમા બોર્ડના 17 સમાજવિઘાતક માગણીને આપેલું પીઠબળ મહારાષ્ટ્ર ભૂલ્યું નથી.
પાંચ વર્ષ પૂર્વે 2019માં શિવસેનાએ ભાજપથી છેડો ફાડીને કોંગ્રેસ-એનસીપી સાથે મહાવિકાસ આઘાડીની સ્થાપના કરી અને ઉદ્ધવ ઠાકરેના ગળામાં મુખ્ય પ્રધાનપદની માળા આવી. ત્યારથી ભાજપ ઉદ્ધવ ઠાકરે અને શિવસેના વિરુદ્ધ આક્રમક બન્યો છે. ભાજપે એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન બનાવીને 2019નું વેર વાળી લીધું. ત્યાર બાદ ઉદ્ધવ ઠાકરેએ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ બેફામ બોલવાનું શરૂ કરી દીધું. આથી ભાજપ અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે) સતત એકમેક પર ટીકા અને આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે. એવામાં ભાજપે હવે 1993માં થયેલી હિંસા બાબતે ઉદ્ધવ ઠાકરેને નિશાન પર લીધા છે.