મુંબઈ, કલ્યાણ, ડોંબિવલીથી બાંગ્લાદેશી નાગરિકો પકડાયા
મુંબઇ: ભારતમાં ઘૂસણખોરી કરીને ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને પકડવા માટે પોલીસ દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હોઇ શુક્રવારે મુંબઈ, કલ્યાણ અને ડોંબિવલી ખાતેથી નવ બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી હતી.
નાગપાડા પોલીસે મળેલી માહિતીને આધારે શુક્રવારે કામાઠીપુરાની 11મી ગલીમાં એપોલો હોટેલ નજીક રેઇડ પાડીને ચાર બાંગ્લાદેશી મહિલાને ઝડપી પાડી હતી. તેમની ઓળખ મુસમ્મતઅલી આજીજુલ હક્ક, આસ્મા સુલતાન શેખ, બારશા નૂરમિયા ખાન અને પિયા દિનેશ મંડલ તરીકે થઇ હતી, તેઓ અહીં ગેરકાયદે વસવાટ કરતી હતી. તેમની પાસેથી ભારતીય દસ્તાવેજો મળી આવ્યા હતા, જેના બનાવટી હોવાનું જણાયું હતું.
આ પણ વાંચો: બાંગ્લાદેશી નાગરિકોને ગેરકાયદે ઘૂસાડનારી ગેંગનો પર્દાફાશઃ 11 પકડાયા…
દરમિયાન કલ્યાણ અને ડોંબિવલીમાં પોલીસે રેઇડ પાડીને ચાર મહિલા સહિત પાંચ બાંગ્લાદેશીને તાબામાં લીધા હતા. ડેપ્યુટી પોલીસ કમિશનર (ઝોન-3) અતુલ ઝેન્ડેએ કહ્યું હતું કે પકડાયેલા બાંગ્લાદેશીઓ આ વિસ્તારમાં નાના-મોટા કામ કરતા હતા. તેમની પાસેથી યોગ્ય દસ્તાવેજો મળી આવ્યા નહોતા.