MahaKumbhમાં ફરી રહી છે 500 રૂપિયાની બનાવટી નોટ, તમે પણ તો નથી છેતરાયા ને?
હાલમાં ઉત્તર પ્રદેશના પ્રયારાજ ખાતે મહાકુંભનું ભવ્ય આયોજન ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં કરોડો શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં સ્નાન કર્યું છે. જો તમે પણ મહાકુંભમાં જવાના છો તો આ સમાચાર તમારા માટે જ છે. મહાકુંભમાં 500 રૂપિયાની બનાવટી નોટ ખૂબ જ ફરી રહી છે, એવા રિપોર્ટ સામે આવી રહ્યા છે. ચાલો જાણીએ શું છે આખી ઈનસાઈડ સ્ટોરી-
મહાકુંભ શરૂ થયો એ પહેલાં જ એવો અંદાજો વ્યક્ત કરવામાં આવ્યો હતો કે આશરે 40 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ મહાકુંભમાં ડૂબકી લગાવવા માટે પ્રયાગરાજ પહોંચશે. આવી પરિસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકો વેપાર કરવા માટે પણ મહાકુંભ પહોંચી ગયા છે. જો તમે પણ મહાકુંભમાંથી કોઈ વસ્તુની ખરીદી કરો છો અને તમને દુકાનદાર 500 રૂપિયાની નોટ લેતાં પહેલાં સાવધાની રાખવાની જરૂર છે. એવું ના થાય કે તમને કોઈ ઠગ 500 રૂપિયાની બનાવટી નોટ પકડાવી જાય અને તમારે નુકસાન ઉઠાવવાનો વારો આવે.
મહાકુંભના વધુ સમાચારો માટે અહી ક્લિક કરો:
https://bombaysamachar.com/News/national/mahakumbh-2025
નાગવાસુકી ક્ષેત્રમાં દુકાન ચલાવી રહેલાં એક વેપારી સાથે આવી છેતરપિંડી થતાં આખી ઘટના પ્રકાશમાં આવી હતી. દુકાન બેઠેલા કર્મચારીને દુકાન પર આવેલા ત્રણ યુવકોએ 500 રૂપિયાની બનાવટી નોટ આપી અને 50-50 રૂપિયાની વસ્તુ ખરીદીને 450-450 રૂપિયા પાછા લઈ લીધા. પરંતુ સદ્ભાગ્યે દુકાનદાર બનાવટી નોટ ઓળખી ગયો અને તેણે આ યુવકની પુછપરછ કરવાની શરૂઆત કરી તો ત્રણેય યુવક ભાગવા લાગ્યા પણ એમાંથી બે જણ સફળ થયા અને અકબર શેખ નામનો ત્રીજો યુવક પકડાઈ ગયો.
જ્યારે આ અકબરની પૂછપરછ કરવામાં આવી તો જે માહિતી સામે આવી એ ચોંકાવનારી હતી. ઝારખંડની એક ગેંગ મહાકુંભમાં નકલી નોટ ખપાવી રહી હતી. કોતવાલી પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને અકબર પાસેથી ત્રણ બનાવટી નોટ જપ્ત કરવામાં આવી છે. જ્યારે અકબરના બીજા બે સાથીઓની શોધ કરાઈ રહી છે.
આ ઘટનાને પગલે એવી શંકા સેવાઈ રહી છે કે ગેંગમાં વધુ લોકો હોઈ શકે અને તેઓ પણ આ જ રીતે મહાકુંભમાં 500 રૂપિયાની બનાવટી નોટ આપીને ખરીદી વગેરે કરીને લોકોની સાથે છેતરપિંડી કરી શકે છે.