સ્પોર્ટસ

રોહિત, રહાણે, શ્રેયસ અને યશસ્વી સહિતના સ્ટાર પ્લેયર્સ પણ મુંબઈને પરાજયથી ન બચાવી શક્યા

ડિફેન્ડિંગ ચૅમ્પિયન સ્પર્ધાની એક્ઝિટની લગોલગ, જમ્મુ-કાશ્મીર 10 વર્ષે મુંબઈ સામે જીત્યું

મુંબઈઃ બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)માં ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈનો આજે ચાર દિવસીય રણજી મુકાબલામાં ત્રીજા દિવસે જમ્મુ અને કાશ્મીર સામે પાંચ વિકેટે પરાજય થયો હતો. બાવીસ વખત રણજી ચૅમ્પિયન બનેલા મુંબઈ સામે એનો 10 વર્ષે વિજય થયો છે.

છેલ્લે મુંબઈ સામે એનો ડિસેમ્બર, 2014માં વિજય થયો હતો. રોહિત શર્મા તથા યશસ્વી જયસ્વાલ તેમ જ કૅપ્ટન અજિંક્ય રહાણે અને શ્રેયસ ઐયર જેવા સ્ટાર ખેલાડીઓની હાજરી પણ મુંબઈને હારથી બચાવી ન શકી.

એલીટ, ગ્રૂપ-એમાં મુંબઈના છ મૅચમાં માત્ર બાવીસ પૉઇન્ટ છે જેને લીધે એની હવે આ સ્પર્ધામાંથી બાદબાકી થવાની તૈયારીમાં છે. મુંબઈ હવે મેઘાલય સામે બોનસ પૉઇન્ટથી જીતશે તો પણ ગ્રૂપ સ્ટેજમાં જ બહાર થઈ શકે એમ છે.

આપણ વાંચો: રોહિત ઉપરાંત ટીમ ઇન્ડિયાના આ બેટર્સ રણજીમાં ફ્લોપ રહ્યા; ચાહકો નિરાશ

આ ગ્રૂપમાં પારસ ડોગરાના સુકાનમાં જમ્મુ અને કાશ્મીરની ટીમ 29 પૉઇન્ટ સાથે મોખરે છે, જ્યારે બીજા નંબરે બરોડાના મહારાષ્ટ્ર સામેની મૅચ પહેલાં 27 પૉઇન્ટ હતા. મુંબઈ માત્ર બાવીસ પૉઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે. શાર્દુલ ઠાકુર અને તનુષ કોટિયનની બધી મહેનત પાણીમાં ગઈ છે.

https://twitter.com/kapildevtamkr/status/1883080216043729299

શાર્દુલે પ્રથમ ઇનિંગ્સમાં 51 રન અને બીજી ઇનિંગ્સમાં 119 રન બનાવ્યા હતા. તેણે બે વિકેટ પણ લીધી હતી. તનુષ કોટિયને પ્રથમ દાવમાં 26 રન અને બીજા દાવમાં 62 રન બનાવ્યા હતા.

રોહિત શર્માએ તાજેતરમાં ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં કુલ ફક્ત 31 રન બનાવ્યા હતા અને જમ્મુ-કાશ્મીર સામેની આ મૅચના બે દાવમાં પણ તે કુલ માત્ર 31 રન બનાવી શક્યો હતો.

આપણ વાંચો: રોહિતનું રણજી ટ્રોફીમાં કમબૅક આટલા જ બૉલમાં સમેટાઈ ગયું, જુઓ કેટલા રનમાં આઉટ થયો…

જમ્મુ અને કાશ્મીરને આજે જીતવા 205 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ઓપનર શુભમ ખજુરિયાના 45 રન તથા વિવ્રાન્ત શર્માના 38 રનની મદદથી જમ્મુ અને કાશ્મીરે પાંચ વિકેટે 207 રન બનાવીને શાનદાર વિજય મેળવ્યો હતો.

https://twitter.com/CricCrazyJohns/status/1883081085799784496

આઇપીએલના સ્ટાર અબ્દુલ સામદે પાંચ ફોરની આતશબાજી સાથે 20 બૉલમાં 24 રન બનાવ્યા હતા. લેફ્ટ-હૅન્ડ બૅટર આબિદ મુશ્તાકે તનુષ કોટિયનની ઓવરમાં બે ઊંચી સિક્સર ફટકારીને સ્ટાઇલમાં મૅચ પૂરી કરી હતી. તેણે 32 બૉલમાં બનાવેલા 32 રનમાં ત્રણ ફોર પણ હતી.

વિજેતા ટીમને છ પૉઇન્ટ મળ્યા, જ્યારે મુંબઈની ટીમ આ વખતે ગ્રૂપ સ્ટેજમાં બીજી વાર પૉઇન્ટ ન મેળવી શકી. જમ્મુ-કાશ્મીરના પેસ બોલર યુધવીર સિંહને કુલ સાત વિકેટ બદલ મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર મળ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button