વર્લ્ડ સ્પાઈન ડેઃ 31થી 40 વર્ષના 22 ટકા દર્દીઓને કરોડરજ્જુની સમસ્યા સતાવે છે
બેક પેઇન અથવા કરોડરજ્જુની બીમારીથી પીડાતા દર્દીઓમાંથી 22 ટકા દર્દીઓ 31થી 40 વર્ષના હોવાની વિગતો બહાર આવી છે. મળતી માહિતી મુજબ સરકારી હોસ્પિટલમાં સ્પાઇનની બિમારીની ઓપીડીમાં એક મહિનામાં 243 લોકોએ સારવાર મેળવી હતી જેમાંથી 22.2 ટકા લોકો 31થી 40 વર્ષના હતા.
આ લોકોને બેઠાડુ નોકરી અને વધારે સ્ટ્રેસ રહેતો હોવાથી આ બીમારી લાગુ પડી છે. યુવાન લોકોમાં અકસ્માત ઉપરાંત સ્ટ્રેસ અને ટેન્શનને કારણે પીઠમાં દુઃખાવાની ફરીયાદો વધુ જોવા મળે છે. 243 દર્દીઓમાંથી માત્ર 98 લોકોને અકસ્માત, ગર્ભવસ્થા, ટ્રોમાને કારણે સમસ્યા સર્જાઇ હતી જ્યારે 145 દર્દીઓમાં બેક પેઇન માટે કોઇ ચોક્કસ કારણ જોવા મળ્યું નહોતું. આવા લોકો માનસિક બીમારી, ચિંતા અને હતાશાને કારણે બેક પેઇનથી પીડાતા હોવાનું જાણવા મળ્યું હતું. કુલ 243 દર્દીઓમાં 108 પુરૂષો અને 135 મહિલા હતી.
બાળકોમાં બેક પેઇનનું પ્રમાણ ઓછું જોવા મળે છે પરંતુ જે બાળકોમાં જોવા મળે છે તેનું કારણ ભારે સ્કૂલબેગ, મેદસ્વીતા અને મોબાઇલ ફોનનું વળગણ જવાબદાર છે.