અમદાવાદીઓનો પિઝામાંથી રસ ઉડ્યો! 10 મહિનામાં 100 પિઝા આઉટલેટ્સ બંધ થયા
અમદવાદ: 1990ના દાયકામાં સૌ પ્રથમ વાર અમેરિકન બ્રાંડ ડોમિનોઝ અને પિઝા હટે ભારતીયોને પિઝાનો સ્વાદ ચખાડ્યો, આ બાદ ધીમે ધીમે પિઝા શહેરોમાં વસતા ભારતીયોનું મનપસંદ ફૂડ બન્યું. વર્ષો વીતવાની સાથે પિઝા બનાવતી અનેક ભારતીય બ્રાન્ડ ચાલુ થઇ. પરંતુ લાગી રહ્યું છે કે અમદાવાદીઓનું મન પિઝા પરથી ઉઠી રહ્યું છે. એક અહેવાલ મુજબ છેલ્લા 10 મહિનામાં શહેરમાં 80 થી 100 પિઝા આઉટલેટ્સ બંધ થઈ (Pizza outlet closed in Ahmedabad) ગયા છે.
આ કારણો જવાબદાર:
પિઝા આઉટલેટ્સ બંધ થવા પાછળ અનેકવિધ કારણો જવાબદાર છે, પરંતુ મુખ્ય જવાબદાર કારણો વધતો ખર્ચ છે, વધતી જતી સ્પર્ધા અને ગ્રાહકોની ઘટતી સંખ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી ફૂડ ડિલિવરી એપ્લિકેશન્સનો વપરાસ વધ્યો છે, જેને કારણે રેસ્ટોરન્ટમાં વોક-ઇન્સનું ચલણ ઘટ્યું છે. જેને કારણે પિઝા આઉટલેટ્સ ઉપરાંત 100 લોકોની સીટિંગ કેપેસીટી ધરાવતા 5-6 મોટા રેસ્ટોરન્ટ્સ પણ બંધ થઈ ગયા છે.
ખર્ચ વધી રહ્યો છે, નફો ઘટી રહ્યો છે:
શહેરના પિઝા આઉટલેટના માલિકે એક અખબારને જણાવ્યું “થોડા વર્ષો પહેલા પિઝાની માંગ ટોચ પર હતી, પરંતુ હવે ટ્રેન્ડ બદલાઈ ગયો છે. 2022-23માં, શહેરમાં 400-425 જેટલા પિઝા આઉટલેટ હતા. આ સંખ્યા ઘટીને હાલ 325-350 થઈ ગઈ છે. હાલ પિઝાનો માંગ સ્થિર થઈ ગઈ છે, એક જ પ્રકારના મેનુને કારણે લોકો પિઝા ખાવાનું પસંદ નથી કરી રહ્યા. છેલ્લા બે વર્ષમાં કાચા માલમાં 25-30 % વધારો થયો છે, ઉપરાંત કર્મચારીઓના પગારમાં ૩૦-40% વધારો થયો છે, જેને કારણે ખર્ચ વધી રહ્યો છે ને નફાના માર્જિન ઘટાડી રહ્યા છે.” તેમના જણાવ્યા મુજબ, “કોમ્પિટિશન પણ ખુબ જ વધી રહી છે. રેસ્ટોરન્ટ વધતા જતા ખર્ચને ગ્રાહકો પર નાખી શકે નહીં. દુકાનના ભાડા પર GST લાગુ થવાથી આ સેક્ટર પર બોજ વધ્યો છે. છેલ્લા 18 મહિનામાં, ત્રણ બ્રાન્ડ્સે શહેરમાં તેમના આઉટલેટ્સ સંપૂર્ણપણે બંધ કરી દીધા છે.”
સ્વાદ રસિયાઓ નવી વાનગીઓ તરફ વળ્યા:
એક વેપારી એક નેશનલ પિઝા બ્રાન્ડના શહેરમાં આઠ આઉટલેટ ચલાવતા હતા, માંગ ઘટવાને કારણે તેમણે આ તમામ આઉટલેટ્સ બંધ કરવા પડ્યા. ત્યાર બાદ મણે પોતાની બ્રાન્ડ શરૂ કરી છે, જેમાં એક આઉટલેટ કાર્યરત છે. તેમણે જણાવ્યું કે “નવી નવી વાનગીઓ પીરસતા રેસ્ટોરન્ટ શરુ થઇ રહ્યા છે અને સ્વાદ રસિયાઓ નવી વાનગીઓ ટેસ્ટ કરવા ઉત્સુક છે, જેને કારણે પિઝાની માંગ ઘટી રહી છે. તીવ્ર સ્પર્ધાને કારણે માર્જિન પણ ઓછું થઇ ગયું છે.”
કાફેમાં પણ માંગ ઘટી:
શહેરમાં કાફે માલિકો પણ મુશ્કેલીનો સમાનો કરી રહ્યા છે. શહેરની એક કાફે ચેઇનના માલિકે એક અખબારને જણાવ્યું કે, “અમારા મેનૂમાંથી, લગભગ 60% લિક્વિડ છે, જ્યારે ફૂડ અઈટમ 40% છે. જોકે, છેલ્લા છ મહિનામાં ફૂડ આઈટની માંગમાં 30-40%નો ઘટાડો નોંધાયો છે, ગ્રાહકો બ્રેડ અને બેકરી આઈટમ ટાળી રહ્યા છે.”
ફૂડ ડિલિવરી એપ્સે ગણિત બગાડ્યું:
ઓનલાઈન ફૂડ ડિલિવરીની એપ્સનુ ચલણ વધવાની કારણે વોક-ઈન ગ્રાહકોની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. એક વેપારીના જણાવ્યા મુજબ મોડી રાત્રે પિઝા અને બર્ગરના ઓર્ડરમાં વધારો થયો છે પરંતુ ઓનલાઈન ડિલિવરીના વધારાને કારણે વોક-ઈનની સંખ્યા ઘટી રહી છે. પ્રીમિયમ રેસ્ટોરન્ટ્સ પ્રમાણમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે.