ગુજરાતમાં ક્યારથી ઉનાળાની શરૂઆત થશે? ઠંડીનો રાઉન્ડ આવશે કે નહીં, વાંચો અંબાલાલની લેટેસ્ટ આગાહી
અમદાવાદઃ ગુજરાત હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. બપોરે ગરમી અને સવાર-સાંજ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel Forecast) પણ આગામી દિવસોમાં કેવું હવામાન રહેશે તેને લઈ આગાહી કરી છે. અંબાલાલની આગાહી મુજબ, ચાલુ મહિનાના અંતમાં કમોસમી વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં માવઠું થઈ શકે છે. સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલમાં પણ વરસાદ પડી શકે છે.
ક્યારથી ગરમીની થશે શરૂઆત?
અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, 26 જાન્યુઆરી બાદ રાજ્યમાં ફરી ઠંડીનું પ્રમાણ વધશે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં 27 જાન્યુઆરી સુધી સવારના સમયે ઠંડીના ચમકારાનો અનુભવ થશે. 28 જાન્યુઆરીથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેના કારણે દેશના ઉત્તરીય રાજ્યોમાં કમાસમી વરસાદ, કરા, મેઘ ગર્જના થઈ શકે છે. ફેબ્રુઆરી શરૂઆત સુધીમાં બંગાળના ઉપસાગરમાં લૉ પ્રેશર સર્જાતા ઉપ સાગરના ભેજ અને અરબી સમદ્રના ભેજના કારણે મહારાષ્ટ્ર, ગોવામાં કમોસમી વરસાદ પડશે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહથી ઉનાળાની અસર જોવા મળશે. ગરમીનું પ્રમાણ વધશે પરંત 15 ફેબ્રુઆરી આસપાસ હવામાનમાં પલટો આવશે. 19 ફેબ્રુઆરીથી ફરી ગરમી વધવા લાગશે.
Also read: ઉનાળા પહેલા સરકારનું પાણીદાર આયોજન: તળાવોને ઊંડા કરીને પાઈપલાઈનથી જોડાશે
હવામાન વિભાગે શું કરી છે આગાહી
ગુજરાતના હવામાન વિભાગના ડાયેક્ટર એ કે દાસે જણાવ્યું કે, આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. ઉત્તરથી ઉતર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યાં છે. આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેના કારણે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. 30 જાન્યુઆરીથી માવઠાનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે. જેમાં 31 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી સુધી ઠંડીનો પારો 10 ડિગ્રી ગગડે તેવી શક્યતા છે. ઉપરાંત વરસાદની પણ આગાહી છે. 3 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં વરસાદની શક્યતા છે. આ દરમિયાન રાજ્યમાં ઠંડા પવનો પણ ફૂંકાશે. ઠંડીનો ચમકારો જોવા મળશે. પવનની ગતિ 13 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. અમદાવાદમાં આગામી 3 અને 4 ફેબ્રુઆરીના રોજ વરસાદની આગાહી છે.