દિલ્હી: અજમેરની મોઈનુદ્દીન ચિશ્તી ખ્વાજા ગરીબ નવાઝ દરગાહની (Ajmer Dargah) નીચે હિંદુ મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો છે, આ મામલો કોર્ટ પહોંચ્યો છે. હિન્દુ સેનાના પ્રમુખ વિષ્ણુ ગુપ્તા આ કેસમાં અરજદાર છે. એવામાં અહેવાલ છે કે આજે તેમની કાર પર ગોળીબાર કરવામાં (Firing on Hindu Mahasabha Leader Vishnu Gupta) આવ્યો હતો. વિષ્ણુ ગુપ્તાએ આરોપ લગાવ્યો છે કે બે બાઈક સવાર અજાણ્યા બદમાશોએ તેમની કાર પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં વિષ્ણુ ગુપ્તાને કોઈ ઈજા પહોંચી નથી. ઘટનાની માહિતી મળતાં જ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
આ પણ વાંચો : Ajmer Dargah માં શિવ મંદિર હોવાનો દાવો કરનારને મળી જાનથી મારવાની ધમકી, જાણો સમગ્ર મામલો
આરોપીઓ ભાગી ગયા:
અહેવાલ મુજબ શનિવારે સવારે વિષ્ણુ ગુપ્તા અજમેરથી દિલ્હી આવી રહ્યા હતા. આ દરમિયાન બાઇક પર સવાર બે શખ્સોએ તેમની કાર પર ગોળીબાર કર્યો. આ પછી આરોપીઓ ભાગી ગયા હતાં, માહિતી મળતા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કેસની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ હુમલાખોરોની ઓળખ કરવા ઘટના સ્થળની આસપાસ લગાવેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. FSLની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે, આ મામલાની તપાસ કરી રહી છે.
હું ડરવાનો નથી:
વિષ્ણુ ગુપ્તાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું, ‘હું દિલ્હી તરફ જઈ રહ્યો હતો. મેં એક બાઇક પર 2 લોકો જોયા અને ગોળીબારનો અવાજ સાંભળતાની સાથે જ મેં ડ્રાઇવરને કારની સ્પીડ વધારવા કહ્યું. બાદમાં, બંને ભાગી ગયા. અજમેર દરગાહ કેસ ચલાવવાથી મને રોકવા માટે આ એક સુનિયોજિત કાવતરું છે. આ પહેલા પણ મને કેસ પાછો ખેંચવાની ધમકીઓ મળી હતી. હું ડરવાનો નથી.
અજમેરના પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેમણે કાર પર ગોળીબાર થયાની ફરિયાદ નોંધાવી છે. અમે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ.
આ પણ વાંચો : Ajmer Sharif Dargah : પીએમ મોદીએ અજમેર શરીફની દરગાહ માટે ચાદર મોકલી, ઓવૈસી કર્યો આ કટાક્ષ
હુમલાની આશંકા વ્યક્ત કરી હતી:
થોડા દિવસ પહેલા જ વિષ્ણુ ગુપ્તાએ આશંકા વ્યક્ત કરી હતી કે તેમના પર હુમલો થઇ શકે છે. વિષ્ણુ ગુપ્તા હંમેશા પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. વિષ્ણ ગુપ્તાએ અજમેર દરગાહમાં હિંદુ મંદિર હોવાનો દાવો કર્યો હતો. તેમણે આ અંગે કોર્ટમાં અરજી પણ દાખલ કરી છે.