હદ ઓફ ચમચાગીરી
મસ્તરામની મસ્તી – મિલન ત્રિવેદી
એક વખત એવો હતો જ્યારે ગુજરાતી કહેવત સાચી ઠરતી : `નમે તે સૌને ગમે’ , પરંતુ `નમન નમન મે ફેર’ એવું પણ કહેવાતું. આજે માન -સન્માન આપવું એટલે કે અહોભાવ દર્શાવવો. આ વાતનું વરવું સ્વરૂપ એટલે ચમચાગીરી. દરેક ક્ષેત્રમાં ઉપરી અધિકારી કે વડાને મસ્કા પૉલિસ કરવું, તેની હા માં હા મેળવવી,અને નરાતાર ખોટા હોય છતાં એનાં ચરણોમાં આળોટવું તેને ચાટુગીરી અથવા ચમચાગીરી કહેવામાં આવે છે.
`બોસ ઇઝ ઓલવેઝ રાઈટ’ તેવું કોર્પોરેટ સેક્ટરમાં તો કહી જ શકાય. ઓફિસમાં મગજમારી કરીને ઘેર આવેલો બોસ, પત્ની સામે તો કશું બોલી ન શકે, પરંતુ એનો ગુસ્સો નીચેના કર્મચારીઓ ઉપર કાઢે અને એ પણ એવા કર્મચારીઓ જે તેની હામાં હા ન મેળવતા હોય. અને ચમચાગીરી કરવાવાળા કર્મચારીઓ ઝૂકી ઝૂકી અને `આપ જ સાચા છો’ તેવું પ્રસ્થાપિત કરી એમને ન ગમતા કર્મચારીઓને વઢાવે તે ચમચાગીરી. આવી ચમચાગીરીનો એક ઉત્તમ નમૂનો હમણાં જાણવા મળ્યો. એક કંપનીમાં અમારો ચુનિયો કર્મચારી તરીકે જોડાયો. `કામ કા ન કાજ કા દુશ્મન અનાજ કા’ આ એક જ કહેવતમાં ચુનિયાનો બાયોડેટા આવી જાય, પરંતુ એની પાસે એક આવડત એવી કે ઉપરી અધિકારીના અંગત કામ પણ એટલી કુશળતાથી અને ઝડપથી પતાવે કે એ કંપની છોડે તો ઠીક છે, બાકી કંપનીના બોસની મહેરબાનીથી કંપની એને ન છોડે તેની ગેરંટી.
સવારમાં 10:00 વાગ્યે ઓફિસ ચાલુ થાય, પરંતુ ચુનિયો 9:30 વાગે સાહેબના ઘરે પહોંચી જાય. સાહેબની બ્રીફકેસ- રૂમાલ -ચશ્માં- પેન -ઘડિયાળ આ બધું સામાન્ય રીતે તેની પત્નીએ આપવાનું હોય, પરંતુ ચુનિયો આ બધી જ વ્યવસ્થા સાહેબ માટે કરી રાખે. સાહેબ 10:30 વાગે ઓફિસે પહોંચે એટલે પાછળ પાછળ જેમ રોટલી નાખતા માલિક પાછળ ગલુડિયું પૂંછડી પટપટાવતું ચાલે તેમ ચુનિયો ઓફિસમાં પ્રવેશ કરે.
સાહેબની કોફી- સાહેબની જરૂરિયાત ઉપરાંત સાહેબની કાર સર્વિસ કરાવી- ઘરના લાઈટના બીલ ભરવાથી લઈને ઘરે કરિયાણું પહોંચાડવું, વિગેરે કામમાં આખો દિવસ કાઢી નાખે. આટલું બધું ઘરનું કામ થતું હોય એટલે બોસના બોસ એવાં સાહેબના પત્ની પણ ખુશ. ભૂલેચૂકે પણ જો ઓફિસમાં સાહેબ કશું કહે તો ચુનિયો મોઢું ચડાવી બોસના ઘરે કામ કર્યા વગરનો બેસી રહે એટલે બોસના બોસ રાત્રે ચુનિયાના બોસનો પિરિયડ લે.
ટૂંકમાં કામ સાહેબનું ને પગાર ઓફિસમાંથી. સાહેબ ખુશ રહે. બીજા કર્મચારીઓને સાહેબ મારફત ઘઘલાવવાના હોય તો ચુનિયો તરત જ સાહેબના કાનમાં તે કર્મચારી વિદ્ધ ફરિયાદ કરે અને આટલું કામ ચુનિયો કરતો હોય તો સાહેબે થોડું તો કરવું પડે ને? આખી ઓફિસમાં સાહેબ કરતાં ચુનિયાનો હાહાકાર વર્તાતો. એક દિવસ સવારના પહોરમાં સમાચાર આવ્યા કે સાહેબનાં માતૃશ્રીનું નિધન થયું છે. આખી ઓફિસ સાહેબના ઘરે પહોંચી, પરંતુ ચુનિયો દેખાયો નહીં. લોકોને પણ મોકો મળ્યો કે આજે સાહેબને ફરિયાદ કરીશું કે જોયું, આખો દિવસ તમારી આજુબાજુ ફરતો ચુનિયો ખરા સમયે દેખાયો નહીં- દુ:ખમાં ભાગીદાર થયો નહીં.
સાહેબના પણ ભવાં ચડી ગયા હતા કે ચુનિયો દેખાયો નથી. સ્મશાન યાત્રા નીકળી અને સ્મશાને પહોંચી તો જોયું કે 15 જેટલાં મૃતદેહો લાઈનમાં પડેલાંં હતા અને વારાફરતી વારા અગ્નિદાહ દેવાઈ રહ્યો હતો. સાહેબના અને સાથે આવનારા ડાઘુઓના મોતિયા મરી ગયા. એક મૃતદેહને અગ્નિસંસ્કાર આપવા માટે ઓછામાં ઓછી એક કલાક થાય. 15 કલાક પછી અગ્નિસંસ્કાર થાય તેવી પરિસ્થિતિ હતી, પરંતુ અચાનક બે નંબરનો મૃતદેહ ઉભો થયો… ખરેખર તે જગ્યાએ ચુનિયો સુતો હતો..! સાહેબના ચરણોમાં વંદન કરી કહ્યું કે `તમારા માતૃશ્રીને અહીં મારી જગ્યાએ સુવડાવી દો. આપના માતૃશ્રીના નિધનના સમાચાર સાંભળી અને મને એમ થયું કે સ્મશાનની વ્યવસ્થા જોતો આવું. અહીં આવી અને ખબર પડી કે એક મોટો અકસ્માત થયો છે એટલે ઘણાં મૃતદેહો આવી રહ્યા છે તો મેં આ બે નંબર બુક કરી હું સૂઈ ગયો. મારા સાહેબને રાહ ન જોવી પડે તેવી વ્યવસ્થા મેં કરી છે… !’
સાહેબ પહેલીવાર એવા ભાવવિભોર થઈને ચુનિયાને નમ્યા કે બસ, બધા જોતાં રહી ગયા … કર્મચારીઓને ચુનિયાની આ ચમચાગીરીની ચરમસીમાથી ખૂબ જ અકળામણ થઈ, પરંતુ સાહેબ ચુનિયાની પીઠ થાબડી રહ્યા હતા. અત્યારે રાજકારણમાં પણ એવું જ છે. સામાન્ય માણસોની ચમચાગીરીના વિચારો જ્યાં પૂર્ણ થાય ત્યાંથી ટિકિટવાંછુઓ કે પદવાંછુઓની ચમચાગીરીની વિચારશક્તિની શરૂઆત થાય.
દરેકના ઘરમાં સ્ત્રી સશક્તિકરણ દેખાતું જ હોય. બાળકોને પણ ખબર છે કે ઘરમાં કોનું ચાલે છે એટલે બાળકો પણ માના ચમચા હોય. બાપ બિચારો ગમે તેટલું કરે, પરંતુ નિર્ણય કરવાનો આવે ત્યારે માનું ચાલે એટલે ઘણીવાર એવું બને કે શું કરવું જોઈએ તેનો મત આપવાનો હોય તો બાળકો મા તરફી મતદાન કરે.વિચારવાયુ: પોતાનાં બાળકોને આંગળી પકડી અને ફરવા ન લઈ જનારા રોજ બોસના કૂતરાને `પી પી છી છી’ કરાવવા લઈ જાય એ ચમચાગીરીની પરાકાષ્ઠા કહેવાય.