વીક એન્ડ

સાન માટેઓની મજેદાર માર્કેટમાં ભરબપોરે ડાન્સ પાર્ટી…

અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી

કેનેરી આયલેન્ડમાં બનાના પ્લાન્ટેશનમાં આખો દિવસ રહેવાની ટિકિટ ભલે લીધી હોય, ત્યાં બધેય ચક્કર લગાવીને, કેળાંની ત્યાં ઉપલબ્ધ દરેક વાનગી અને ડ્રિંક ચાખીને અંતે ત્યાં કેળાંના રેસામાંથી બનેલાં ફ્રિજ મેગ્નેટ સાથે પણ ટાઇમપાસ કરી લીધો હતો. અંતે ત્યાં હાઇ કોફી ટેબલ પર બેસીને દરિયા તરફ વ્યુ માણવા બેસીને દરેક પ્રકારના ફોટા પાડી લીધા પછી પણ માંડ બે કલાક થયા હતા. ત્યાં થોડા થોડા અંતરે આઉટડોર ચેર અને સોફા આરામથી રિલેક્સ કરવા માટે મૂકવામાં આવ્યા છે. સ્વાભાવિક છે ભારતીય પ્રવાસીઓ રિલેક્સ કરવા બેસે ત્યારે મોટાભાગે કીડીઓ ચડવા લાગતી હોય છે તે નક્કી છે. આમ તો અમારી પાસે જ્યાં ઇચ્છીએ ત્યાં પડ્યા રહેવા માટે પૂરતો સમય હતો. છતાંય આ દિશામાં આવ્યાં જ છીએ તો હજી આગળ ઇનલેન્ડમાં આ વિસ્તારના જાણીતાં ગામ જોવાં નીકળવાનો મોકો જેવો સામે આવ્યો તેવો અમે ઝડપી લીધો.

અહીં એક ગામથી બીજા ગામ જતાં બધે ક્રિસમસ ડેકોરેશન નજરે પડતું હતું. જોકે આ બધું રાત્રે અંધારામાં જોવાની મજા આવી શકે. એક વાત નક્કી હતી, અહીં અમે એપાર્ટમેન્ટની આસપાસના વિસ્તાર સિવાય રાત્રે ક્યાંય દૂર નીકળવાનાં ન હતાં, એવામાં અહીં રાત્રે અંધારામાં ફરવા નીકળી પડવાની ઇચ્છા દરેક ગામમાં થઈ આવતી હતી. તે સમયે તો અમે બંધ લાઇટોમાં, ચળકતા તડકામાં ઠંડી નહોતી લાગતી તે વાતની જ ઉજવણી કરી રહૃાાં હતાં. તે દિવસે હજી શનિવાર હતો. અમને જાણવા મળેલું કે બે ઇનલેન્ડ ગામમાં મજાની શનિવારી માર્કેટ ભરાય છે. તેના માટે જરા ખડકાળ રસ્તાઓ પર થઈને ત્યાં પહોંચવા જેવું છે. ખાસ તો એટલા માટે કે ત્યાં ખાસ ફૂડ માર્કેટ પણ ભરાય છે. અમે તે દિવસે સવારે ઉભડક બ્રેકફાસ્ટ કરેલો અને પછી બનાના ટેસ્ટિગમાં થોડો નાસ્તો કરેલો. બનાના પ્લાન્ટેશન આસપાસ દૂર દૂર સુધી ક્યાંય ખાવા પીવાનાં ઓપ્શન નજરે પડ્યાં નહીં. બપોરે અહીં ઘણી જગ્યાએ બિઝનેસ, દુકાનો, રેસ્ટોરાં બંધ કરીને સૂઈ જવાનો પણ ચીલો હોય તેવું લાગતું હતું. એવામાં અમે સાથે લાવેલી ચિપ્સ પર ભરોસો રાખીને પેલી માર્કેટવાળા ગામ તરફ કાર હંકાર્યે રાખી. માર્કેટ બપોરે ત્રણ વાગ્યે બંધ થતી હતી. અમે ત્યાં સવા બે-અઢી વાગતાં પહોંચીશું એવું લાગતું હતું.

અને પછી અમે સ્થાનિક ગામમાંથી નીકળવા માટે એક અણધાર્યો ટર્ન લીધો. તેમાં કાચો રસ્તો અમને ઘણાં દાડમ અને લીંબુથી લદાયેલાં ગાર્ડનવાળી ગલીઓમાંથી લઈ ગયો. બે વાર તો લગભગ વર્ટિકલ હોય તેવા ઢાળ પણ આવ્યા. એવામાં થોડાં લીંબુ ગાર્ડનની બહાર વગડામાં અને ગલીના છેવાડે પણ ઊગેલાં. સ્વાભાવિક છે જરા એક-બે લીંબુ તોડીને આગળ જવાનું બન્યું. અંતે ઘણા ઢાળ અને ગામ વટાવતાં અમે ગામ સાન માટેઓ પહોંચ્યાં ત્યારે અઢી વાગવા આવેલા. ગામની ઓળખ જ આ માર્કેટ સાથે જોડાયેલી હતી. તેના માટે ખાસ દૂર દૂરથી ટૂરિસ્ટ આવેલાં, પણ તેની માર્કેટની મજા તો સ્થાનિક લોકો જ લઈ રહૃાાં હોય તેવું લાગ્યું. માર્કેટને ઓનલાઇન ગાઇડ બુકમાં અત્યંત હાઇપ કરવામાં આવી હતી. અંતે તો ત્યાં થોડા હેન્ડી ક્રાફટના સ્ટોલ, થોડાં કપડાંના સ્ટોલ અને ફેક જ્વેલરી સ્ટોલ્સ વચ્ચે એક મોટા હોલમાં લાઇનથી ચીઝ, શાકભાજી, ફળો, મસાલા અને બેકરી આઇટમોની વચ્ચે ઓલિવ ઓઇલ, વાઇન અને સ્થાનિક મીટનાં બૂથ પણ હતાં.

મેઇનલેન્ડ સ્પેન હોય કે કેનેરી ટાપુઓ, અહીં સ્થાનિકોને ભાગ્યે જ થોડું અંગ્રેજી આવડતું હોય છે. બધે અમારે ઇશારાથી અને છૂટાછવાયા સ્પેનિશ શબ્દોથી કામ ચલાવવું પડતું. અમે થોડાં સ્થાનિક સ્વિટ્સ, થોડાં લોકલ કેપ્સિકમ, ચીઝ વગેરે ખરીદીને ખાણી-પીણીના સ્ટોલ્સ પહોંચીએ ત્યાં સુધીમાં બધું બંધ થઈ ગયું હતું. થોડી બેકરી આઇટમો ચાખવા મળી હતી, પણ તેનાથી પેટ ભરાય તેવું ન હતું. જોકે માર્કેટમાં એક છપરા નીચે મોટો ચોક હતો. ત્યાં એક તરફ એક બેન્ડ અંગ્રેજી અને સ્પેનિશ ગીતોનું મિશ્રણ વગાડી રહૃુાં હતું. આખો ચોક લોકોથી ભરેલો હતો અને અંદરના વિસ્તારમાં જે પણ હતાં તે બધાં પોતાની મસ્તીમાં ડાન્સ કરી રહૃાાં હતાં. ગામ તો આખું ખાલી હોય તેવું લાગતું હતું, પણ ભરબપોરે, ટીનના છાપરા નીચે, મસ્તીમાં ફરવા નીકળેલાં દરેક ઉમરનાં, ઘણી નેશનાલિટીનાં લોકો, લાઇવ મ્યુઝિક પર ઝૂમી રહૃાાં હતાં. ઘણી બહેનપણીઓ અને પરિવારોને કોઈની ચિંતા વગર મજેથી નાચતાં જોઇને મેં પણ મમ્મી સાથે અંદર છેડે છેડે જરા ડાન્સ જેવું જ કંઇક કરીને મજા લીધી. ત્યાં તડકો ન હોત તો અમે હજી લાંબું રહી જાત એવું એક બીજાને કહીને આગળ વધ્યાં. ખરી વાત તો એ છે કે બધાંને ભૂખ લાગી હતી.

વેકેશન મૂડ આને ન કહેવાય તો કોને કહેવાય તે ખબર ન હતી. ધાર્યું હતું ત્યાં ખાવા નહોતું મળતું તેની પરવા કર્યા વિના, અણધાર્યું મજાથી નાચવા મળી જતું હતું તેનો આનંદ લઈને અમે માર્કેટમાં બીજું શું શુંં હોઈ શકે તે તરફ નજર કરી. અને ખરેખર ત્રણના ડંકે જાણે દરેક સ્ટોલ બંધ થઈ ગયો હોય તેવું લાગતું હતું. કોઈને ગ્રાહકોની પડી ન હતી. જેવો ટાઇમ થયો કે બધાં પોતપોતાના રસ્તે મજા કરવા નીકળી પડ્યાં હોય તેવું લાગતું હતું. હવે અમારી પાસે રેસ્ટોરાંમાં જવા સિવાય કોઈ ઓપ્શન ન હતો. જોકે સાન માટેઓ ગામની પોતાની ખાઉ ગલી પણ નજીકમાં જ હતી. અને બપોરે ત્રણ વાગ્યે જાણે માર્કેટથી બધાં રેસ્ટોરાં તરફ આવી રહૃાાં હોય તેમ ભીડ જામી રહી હતી. આજે તો સ્પેનિશ રેસ્ટોરાંમાં સ્થાનિક ફૂડ જ મળે તો પણ ખાવું તે પાક્કા ઇરાદાથી અમે પણ બેઠાં.

અહીં વેજિટેરિયન ઓપ્શનો પહેલાં કરતાં વધુ તો હતા, છતાંય વાત મોહો સાથે બટાકા, ફ્રાઇઝના પ્રકારો, વેજ પિત્ઝા સિવાય વધુ આગળ વધી ન હતી. વળી આ લંચ ટાઇમ હતો એટલે નાસ્તાના મેન્યુની કોઈ પણ આઇટમ આ સમય દરમ્યાન ઓર્ડર ન થઈ શકતી. એવામાં અમે ઠંડે કલેજે ટ્રાન્સલેટ કરીને જોયું અને અમને સ્પેનનું છોલેનું વર્ઝન હોય તેવું `રોપા વેઇહા’ અને સ્પેનનું ખીચુનું વર્ઝન હોય એવું `ગોફિયો’ મળી ગયું. વેજિટેરિયન ખાવાનું તો મળી ગયું, પણ કશામાં મસાલાનું નામોનિશાન ન હતું. એટલું સાં હતું કે મોહો ચટણી બધે મળી જતી હતી. માર્કેટ ભલે હાઇપ જેટલી મોટી ન હોય, ત્યાં અમે જે મજા કરી હતી તેને માપવી જરૂર મુશ્કેલ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button