ગુજરાતનું લાગ્યું ઘેલુંઃ બે વર્ષમાં 35 કરોડથી વધુ પ્રવાસીએ લીધી રાજ્યની મુલાકાત
અમદાવાદ: ગુજરાતમાં વાયબ્રન્ટ નવરાત્રી, ધોરડો રણોત્સવ, આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ, સાપુતારા મેઘ મલ્હાર, તરણેત્તર મેળો, માધવપુર મેળો, કાંકરિયા કાર્નિવલ જેવા અનેક ઉત્સવો તેમજ સોમનાથ, દ્વારકા, અંબાજી, સૂર્યમંદિર મોઢેરા, રાણીની વાવ, હેરીટેજ સિટી અમદાવાદ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, શિવરાજપુર બીચ સહિત વિવિધ પ્રવાસન સ્થળો દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જેના પરિણામ સ્વરૂપે ગુજરાતમાં વર્ષ 2023માં 17.26 કરોડથી વધુ તેમજ વર્ષ 2024માં 18.62 કરોડ એમ છેલ્લા બે વર્ષમાં વિવિધ પ્રવાસન સ્થળો અને ઉત્સવોમાં અંદાજે 35.89 કરોડથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા હતા.
ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં મુખ્યત્વે સૌથી વધુ વાઈબ્રેન્ટ નવરાત્રી મહોત્સવમાં 23.12 લાખ જેટલા પર્યટકો નોંધાયા છે.જ્યારે કચ્છમાં યોજાતા ધોરડો રણોત્સવમાં વર્ષ 2023-24માં 7.42 લાખ અને વર્ષ 2024-25માં અત્યાર સુધીમાં 7.52 લાખ એમ કુલ મળીને 14.94 લાખ જેટલા પ્રવાસીઓ નોંધાયા છે. આ ઉપરાંત, છેલ્લા બે વર્ષમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં 9.29 લાખ, સાપુતારા મેઘ મલ્હાર ફેસ્ટીવલમાં 5 લાખ જેટલા તેમજ તરણેત્તર મેળામાં 4 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે.
કચ્છ રણોત્સવ: ગુજરાતની ગ્લોબલ ઇવેન્ટ
વર્ષ 2005માં ફક્ત ત્રણ દિવસના આયોજન સાથે કચ્છના રણમાં ધોરડો ખાતે રણોત્સવની શરૂઆત કરવામાં આવી હતી જે આજે ગ્લોબલ ઇવેન્ટ બની ગઈ છે. એક સમયે જે રણની ઓળખ ઉજ્જ્ડ જમીન તરીકેની હતી, તે સ્થળે આજે રણોત્સવ ઉજવાય છે. વડાપ્રધાનશ્રીના વિઝનથી આજે કચ્છનું રણ ‘રણોત્સવ’થી વિશ્વ પ્રવાસનનું તોરણ બન્યું છે. યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા ધોરડોને “બેસ્ટ ટુરિઝમ વિલેજ”નો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે.
કચ્છ રણોત્સવથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને તો વેગ મળ્યો જ છે, સાથે અનેક લોકોના આર્થિક અને સામાજિક વિકાસનું માધ્યમ પણ બન્યો છે. રણોત્સવની મુલાકાતે આવતા લાખો સહેલાણીઓના પરિણામે સ્થાનિક લોકો, ખાસ કરીને હસ્તકલા ક્ષેત્રના લોકો માટે આવકનો નોંધપાત્ર સ્ત્રોત ઊભો થયો છે અને પરંપરાગત કલાકૃતિઓને વૈશ્વિક બજાર મળ્યું છે.
આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ
ગુજરાતમાં ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિના તહેવારનું આગવું મહત્વ છે. સમગ્ર રાજ્યના પતંગ રસિયાઓ રંગબેરંગી પતંગો હવામાં ઉડાડીને ઉત્તરાયણનો તહેવાર ઉજવે છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજન થકી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળો પ્રમોટ થાય છે, જેના થકી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. દેશ વિદેશમાંથી ગુજરાત આવતા પતંગબાજો અને તેમની અવનવા આકારોવાળી રંગબેરંગી પતંગો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું મુખ્ય આકર્ષણ હોય છે.
Also read: ગુજરાતમાં સવારે ઠંડી બપોરે ગરમીઃ મોસમની મજા ને બદલે સજા
આ વર્ષે આયોજિત પતંગ મહોત્સવમાં 47 દેશોમાંથી 143 પતંગબાજો અને ભારતના અન્ય 11 રાજયોમાંથી 47 જેટલા પતંગબાજોએ ભાગ લીધો હતો. જ્યારે ગુજરાતના 11 જેટલા શહેરોમાંથી 417 જેટલા પતંગબાજો એમ કુલ 607 જેટલા પતંગબાજોએ ભાગ લીધો હતો.
વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ
રાજ્યના પ્રવાસન નિગમ દ્વારા દર વર્ષે અમદાવાદમાં વાઈબ્રન્ટ ગુજરાત નવરાત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. વિશ્વના સૌથી લાંબા નૃત્ય મહોત્સવ તરીકે ઓળખાતા વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રી ઉત્સવ એ 10 દિવસનો ઉત્સવ છે જ્યાં હજારો ભક્તો દેવી માં અંબાની ભક્તિના પ્રતીક તરીકે પરંપરાગત દાંડિયા અને ગરબા રમે છે. છેલ્લા બે વર્ષમાં ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજિત વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં અંદાજે 23.12 લાખથી વધુ ખેલૈયાઓ સહભાગી થયા હતા.
હાફેશ્વર ગામને મળ્યું સન્માન
નર્મદા જ્યાંથી ગુજરાતમાં પ્રવેશે છે તે છોટા ઉદેપુરના હાફેશ્વર ગામને કેન્દ્રના પર્યટન મંત્રાલય દ્વારા હેરીટેજ કેટેગરીમાં શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન-2024નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. એક અંદાજ મુજબ વાર્ષિક એક લાખથી વધુ પ્રવાસીઓ હાફેશ્વરની મુલાકાતે આવે છે.