પૂજા ચવ્હાણ મૃત્યુ કેસમાં શિંદેજૂથના પ્રધાનને મોટી રાહત, ભાજપનાં એમએલસીની યાચિકા ફગાવાઈ
મુંબઈઃ પુણેની ટીકટોક આર્ટિસ્ટ પૂજા ચવ્હાણના મૃત્યુના અત્યંત વિવાદાસ્પદ બનેલા કેસમાં કોર્ટે તત્કાલીન શિવસેના અને હાલમાં શિંદેની શિવસેનાના નેતા અને રાજ્યની કેબિનેટમાં પ્રધાન સંજય રાઠોડને મોટી રાહત આપી છે. તેમની વિરુદ્ધ ભાજપનાં જ મહિલા નેતા અને વિધાન પરિષદના નેતા ચિત્રા વાઘે કરેલી અરજીને કોર્ટે ફગાવી હતી. વાઘે પૂજાના મૃત્યુના કેસમાં રાઠોડની સામે એફઆઈઆર નોંધવાની માગણી કરી હતી.
બોમ્બે હાઈ કોર્ટે જણાવ્યું હતું કે ચિત્રા વાઘ દ્વારા કરવામાં આવેલી ફરિયાદો પર વિચાર કરાવાનું કારણ નથી. મેજિસ્ટ્રેટ કોર્ટે કેસ પહેલેથી જ કેસ બંધ કરી દીધો છે. રાજ્ય પોલીસે મેજિસ્ટ્રેટ સમક્ષ તપાસ અહેવાલ રજૂ કર્યો હતો, જેમાં એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે મહિલાનું મૃત્યુ આત્મહત્યા અથવા અકસ્માતે થયું હતું. પુણેના એક પોલીસ અધિકારીએ પણ હાઈકોર્ટ સમક્ષ એફિડેવિટ દાખલ કરી હતી, જેમાં જણાવ્યું હતું કે પોલીસે ઘટનાની તપાસ કરી હતી અને જાણવા મળ્યું હતું કે ઘટના સમયે મહિલા દારૂના નશામાં હતી અને બાલ્કનીમાંથી પડી હતી, તેથી આ ઘટના બની હતી. આકસ્મિક રીતે થયું.
પોલીસે તેમની દલીલોને સમર્થન આપવા મેડિકલ રિપોર્ટ પણ રજૂ કર્યો હતો. રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા એડવોકેટ જનરલે ગુરુવારે જણાવ્યું હતું કે પોલીસે કાયદા હેઠળ જરૂરી કાર્યવાહી કરી છે અને પીઆઈએલને ડિસ્પોઝ કરવાની માગણી કરી છે.
મહિલાના પિતા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલે પણ જણાવ્યું હતું કે પૂજાનો પરિવાર કોઈની સામે કોઈ આરોપ લગાવવા માંગતો નથી. આ અરજી રાજકીય હેતુઓ માટે દાખલ કરવામાં આવી હતી, પરંતુ પરિવાર હવે ઇચ્છે છે કે કેસનો અંત આવે.
અગાઉની સુનાવણી દરમિયાન કોર્ટે આ પ્રકારે અરજી કર્યા પછી પાછી ખેંચવા મામલે ચિ6ા વાઘને ઝાટક્યા હતાં.
શું હતો કેસ અને કેવો રહ્યો હતો વિવાદ
વર્ષ 2021માં કોરોનાકાળ દરમિયાન ઉદ્ધવ ઠાકરે સરકારમાં સંજય રાઠોડ વન વિભાગના પ્રધાન હતા અને ભાજપ વિરોધ પક્ષમાં હતો. પૂજા ચવ્હાણ નામની એક યુવતી, જે ટિકટોક પર ખૂબ એક્ટિવ રહેતી હતી અને કથિત રીતે સંજય રાઠોડના સંપર્કમાં પણ હતી. આ યુવતીનું 7મી ફેબ્રુઆરી, 2021ના રોજ ઈમારત પરથી પડી જવાથી મોત થયું હતું. આ મોત આત્મહત્યા હતી કે અકસ્માત તે મામલે વિવાદ થયો અને સંજય રાઠોડના કથિત ત્રાસને લીધે યુવતીએ આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ ભાજપે કર્યો હતો, જેમાં મહિલા નેતા ચિત્રા વાઘ અગ્રેસર હતા. આ વિવાદ ખૂબ જ ઘેરાયો હતો અને દરમિયાન કોરોનાકાળમાં માણસો ભેગા કરવા પર પ્રતિબંધ હોવા છતાં સંજય રાઠોડે પોતાના મતવિસ્તાર ક્ષેત્રમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ તમામ ઘટનાઓથી શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે નારાજ થયા હતા અને રાઠોડે પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.
આ પણ વાંચો…મ્હાડાના ડેવલપરને ફટકો: બિલ્ડિંગના રિડેવલપમેન્ટના રખડેલા પાંચ પ્રોજેક્ટને તાબામાં લેવાયા
જોકે 2022માં મહાારષ્ટ્રની રાજકીય સ્થિતિમાં ઉથલપાથલ થઈ અને રાઠોડ એકનાથ શિંદેના જૂથમાં આવ્યા અને ભાજપ સાથે સત્તા સ્થપાતા ફરી પ્રધાન બન્યા. હવે તે અને ચિત્રા વાઘ એક જ યુતિના અલગ અલગ પક્ષોના નેતા છે.