શરદ પવારે દાવોસ સમિટ મામલે ફડણવીસ અને સામંતને ઝાટક્યા અને ઉદ્ધવ ઠાકરે વિશે કહ્યું કે…
મુંબઈઃ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની દાવોસ મુલાકાત મામલે ભારે રાજકારણ ગરમાયું છે. ફડણવીસે અહીં જે કંપની સાથે કરાર કર્યા છે તે ભારતની જ છે અને ભારતમાં મુંબઈમાં જ તેનું હેડક્વાર્ટર છે ત્યારે દાવોસ જઈને કરાર કરવાની શું જરૂર તેવા સવાલો થઈ રહ્યા છે. આ સાથે ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતે દાવોસથી જ એવું નિવેદન આપ્યું હતું કે શિવસેના (યુબીટી)ના વિધાસનભ્યો અમારા એટલે કે એકનાથ શિંદે જૂથના સંપર્કમાં છે. આ મમાલે એનસીપી સુપ્રીમો શરદ પવારે બન્નેને ઝાટક્યા છે.
શુક્રવારે કોલ્હાપુર ખાતે એક કાર્યક્રમમાં ભાગ લેવા ગયા ત્યારે તેમણે મીડિયાકર્મી સાથે વાત કરતા જણાવ્યું હતું કે મેં દાવોસ ખાતે ઉદ્યોગ મંત્રી ઉદય સામંતનું નિવેદન સાંભળ્યું. ઉદ્યોગ મંત્રી દાવોસ રાજ્ય માટે વિદેશી રોકાણ લાવવા ગયા હતા કે પાર્ટી તોડવા? દાવોસથી તેમણે જે પણ નિવેદનો આપ્યા તે મુખ્યમંત્રીની મુલાકાતના હેતુને અનુરૂપ ન હતા. હું જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે દાવોસ ગયો હતો અને ઘણી કંપનીઓ સાથે કરાર કર્યા હતા. પરંતુ, ગઈકાલે જે કંપનીઓ સાથે કરાર થયા હતા તે મહારાષ્ટ્રમાં છે. મતલબ કે પહેલા રોકાણ કરવાનું નક્કી કર્યું, પછી બધાને ત્યાં બોલાવવામાં આવ્યા. જે બાદ તેમને ત્યાંથી મહારાષ્ટ્ર લાવવામાં આવ્યા હોવાનું નાટક કરવામાં આવ્યું હોવાની આકરા શબ્દોમાં ટીકા શરદ પવારે કરી છે. શરદ પવારે કહ્યું કે રોકાણ માટે વાતાવરણ ઊભું કરવાની જવાબદારી રાજ્ય સરકારની હોય છે.
ઉદ્ધવ ઠાકરે એકલા લડવા માગતા હોય તો…
ગઈકાલે બાળાસાહેબ ઠાકરેની જન્મજયંતિ નિમિત્તે શિંદે જૂથે BKCમાં અને ઉદ્ધવ ઠાકરે જૂથે અંધેરીમાં સભા યોજી હતી. આ સભામાં ઉદ્ધવ ઠાકરેએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી એકલા હાથે લડવા તૈયાર થવાની હાકલ પણ કરી, જેમાં મુંબઈ મહાનગરપાલિકાનો પણ સમાવેશ થાય છે. ઉદ્ધવ પવારના પક્ષ એનસીપી અને કૉંગ્રેસ સાથે ગઠબંધનમાં છે અને લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે લડી છે ત્યારે હવે એકલા લડવાની વાત કરી રહ્યા છે તે વિશે જવાબ આપતા પવારે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે બે દિવસ પહેલા મને મળ્યા હતા અને કહ્યું હતું કે તેઓ નગરપાલિકાની ચૂંટણી એકલા હાથે લડવાની ઈચ્છા ધરાવે છે. તેમણે કહ્યું કે જો ઉદ્ધવ ઠાકરે એકલા હાથે તરીકે નગરપાલિકાની ચૂંટણી લડવાનું વિચારી રહ્યા છે તો મહા વિકાસ આઘાડીમાં આ મુદ્દે મૈત્રીપૂર્ણ વાતાવરણમાં ચર્ચા કરી નિર્ણય લેવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે ગઈકાલે એકનાથ શિંદેની બીકેસીની સભા કરતા ઉદ્ધવ ઠાકરેની અંધેરીની સભામાં વધારે ભીડ હતી.
બે વર્ષ બાદ અજિત પવાર સાથે શરદ પવારની બંધ બારણે ચર્ચા
કાકા શરદ પવાર અને ભત્રીજા અજિત પવારને જુદા થયે લગભગ બે વર્ષ જેટલો સમય પસાર થયો જેમાં એકાદ વાર બન્ને અનાયાસે ભેગા થયાની ઘટના બની હશે ત્યારે ગઈકાલે બે વર્ષ બાદ કાકા-ત્રભીજો મળ્યા હતા અને તેમના વચ્ચે ચર્ચા થયાના અહેવાલોએ ખળભળાટ મચાવ્યો છે.
બન્ને વસંતદાદા સુગર ઈન્સ્ટિટયૂટની ઓફિસમાં મળ્યા હતા. પવાર અહીં પહેલેથી હતા અને સાથે એનસીપીના બીજા નજીકના નેતાઓ હતા. તે સમયે અજીત પવાર આવ્યા અને બધાએ સાથે મળે અડધી કલાક સુધી ચર્ચા કરી. જોકે ચર્ચામાં શું થયું તેની માહિતી નથી.
બન્ને આ સંસ્થાના પદાધિકારી છે અને સંસ્થાની એજીએમ પહેલા મળ્યા છે, પરંતુ કાકાથી છુટ્ટા પડ્યા બાદ અજિત પવાર અહીં આવ્યા નથી ત્યારે ગઈકાલે અચાનક કેમ આવી ચડ્યા તે મામલે કોઈ માહિતી નથી. અગાઉ તેમને સંસ્થામાં ન આવતા હોવાનું પૂછવામાં આવતા તેમણે હું મારા પક્ષના વિધાનસભ્યોની સંખ્યા વધારવામાં વ્યસ્ત છું તેવો ટોણો મારતો જવાબ આપ્યો હતો.
શરદ પવારથી કેમ અલગ બેઠા અજિત
પોતાની સંસ્થાના કાર્યક્રમમાં સ્ટેજ પર પવારે કાકા નજીક બેસવાનું ટાળ્યું હતું અને શરદ પવારની બાજુમાં સહકાર પ્રધાન બાબા પાટીલને બેસાડ્યા હતા અને નેમ પ્લેટ પણ બદલાવી નાખી હતી. આનું કારણ તેમણે તેઓ બાબાસાહેબને સન્માન આપતા હોવાનું તેમણે જમાવ્યું હતું. અજિત પવાર રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન છે જ્યારે બાબાસાહેબ તેમની કેબિનેટના પ્રધાન છે.
બીજ બાજુ શરદ પવારનો પક્ષ મહાયુતીમાં સામેલ થાય તેવી ચર્ચાઓ પણ ચાલે છે. દેશમાં ઘણીવાર રાજકારણમાં ઉથલપાથલ થઈ છે, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સરકાર દસ વર્ષથી સ્થિર ચાલી રહી છે અને ત્રીજી ટર્મ પણ સફળતાપૂર્વક પાર થશે તેવો વિશ્વાસ ભાજપ વ્યક્ત કરે છે, પણ મહારાષ્ટ્રના રાજકારણમાં ક્યારે શું ધડાકો થાય તે કોઈ કહી શકતું નથી. 2019 પહેલા કે પછી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાતું જ રહ્યું છે ત્યારે ફરી દરેક પક્ષો પોતાપોતાની રીતે અટકળોને વેગ આપતા રહે છે. ગઈકાલે પુણે ખાતે અજિત પવારે કાકા શરદ પવારે સાથે બંધબારણે અડધી કલાક ચર્ચા કરી હતી, પરંતુ આજે પુણે ખાતે યોજાયેલા સમારંભમાં તેમણે કાકાની બાજુમાં બેસવાને બદલે પોતાની ખુરશી દૂર મૂકાવી હતી. રાજ્યના રાજકારણમાં અને પવાર પરિવારમાં જે કંઈ ચાલે તેની અસર સરકાર પર થતી હોય છે ત્યારે આ ઘટનાએ ફરી મહારાષ્ટ્રમાં ચર્ચા જગાવી છે.