ગુજરાતમાં સવારે ઠંડી બપોરે ગરમીઃ મોસમની મજા ને બદલે સજા
અમદાવાદ: ઠંડીની ઋતુ મજા માણવાની ખાવાપીવાની ઋતુ માનવામાં આવે છે આ સાથે શિયાળો કસરત કરવાની અને તાજામાજા રહેવાની પણ ઋતુ છે, જોકે ગુજરાતમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી શિયાળો મજાને બદલે સજા જેવો બની ગયો છે.
અહીં વહેલી સવારે અને મોડી સાંજથી ઠંડી અને પવન ફૂંકાવાનો શરૂ થયા છે, પરંતુ લગભગ સવારે 10 વાગ્યાથી સાંજે પાંચ સુધી ગરમીનો માહોલ રહે છે. મોટા ભાગના શહેરોમાં આવું વાતાવરણ જોવા મળે છે, આથી બીમારીનું પ્રમાણ વધી ગયું છે. શરદી ઉધરસ, વાયરલ ઈન્ફેક્શન વગેરેના કેસમાં ધરખમ વધારો થયો છે.
હવામાન વિભાગની મહિતી મુજબ ગુરુવારે નલિયા 10 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. આ સાથે અમદાવાદમાં 14 ડિગ્રી, ગાંધીનગરમાં 12 ડિગ્રી, રાજકોટમાં 12 ડિગ્રી, પોરબંદરમાં 15 ડિગ્રીની આસપાસ લધુત્તમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત વડોદરામાં 15 ડિગ્રી અને સુરતમાં 18 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જોકે આ તાપમાન સવારનું હતું. સવાર અને બપોરના તાપમાન વચ્ચે બેથી ચાર ડિગ્રીનો તફાવત જોવા મળે છે.
અમદાવાદના હવામાન વિભાગના ડાયરેક્ટરના જણાવ્યા મુજબ ગુજરાતમાં સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. લઘુતમ તાપમાનમાં ફેરફાર થતાં રહેશે. હાલ ગુજરાતમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વની છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહેશે.
જોકે અમદાવાદ સહિતના શહેરોમાં પ્રદુષણ વધી રહ્યું છે અને બીમાર પડવાનું આ પણ એક મુખ્ય કારણ છે.