કમાણી માટે બોલિવૂડ માત્ર પ્રેક્ષકો પર નિર્ભર નથી
ફોકસ -ડી. જે. નંદન
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર એક્શન થ્રિલર ફિલ્મ ’પુષ્પા 2’ એ અત્યાર સુધીના તમામ બોક્સ ઓફિસ રેકોર્ડ તોડી નાખ્યા છે. માત્ર ઘરેલું રેકોર્ડ જ નહીં, એક અઠવાડિયામાં તેણે 1,000 કરોડ રૂપિયાની કમાણી કરીને સમગ્ર વિશ્વના ફિલ્મ કમાણીના બજારને ચોંકાવી દીધા છે. સુકુમાર દિગ્દર્શિત આ ફિલ્મ કમાણીના હાઇવે પર એટલી ઝડપથી દોડી રહી છે કે હવે તે ક્યાં અટકશે તેનો અંદાજ લગાવવો કોઈ માટે મુશ્કેલ છે. ઑસ્ટ્રેલિયા થી લઈને મલેશિયા, જર્મની, ન્યુઝીલેન્ડ, સિંગાપોર, યુકે અને અમેરિકા સુધી, ફિલ્મે તેની રિલીઝના પ્રથમ ત્રણ દિવસમાં 80 લાખ ડોલરથી વધુની કમાણી કરી હતી. બુધવાર એટલે કે 11મી ડિસેમ્બર 2024 સુધી, તેણે એક અઠવાડિયામાં 1025 કરોડ રૂપિયાની કમાણી કરીને હલચલ મચાવી
દીધી છે.
સવાલ એ છે કે ’પુષ્પા-2’ની આ આડેધડ કમાણી માત્ર દર્શકોને પસંદ પડવાને કારણે છે? વાસ્તવમાં આ કમાણી પાછળનું કારણ માત્ર દર્શકોને ફિલ્મ પસંદ આવે એટલું જ નથી, તેની પાછળ બીજાં ઘણાં ગણિત પણ છે. હા, ફિલ્મ ’પુષ્પા-2’ની આ જબરદસ્ત કમાણી માત્ર દર્શકોને પસંદ પડવાને કારણે નથી, પરંતુ આ કમાણી પાછળ એક સુનિયોજિત કોર્પોરેટ વ્યૂહરચના પણ છે. આ માત્ર પુષ્પા-2 માટે જ સાચું નથી, પરંતુ તાજેતરના વર્ષોમાં બોલિવૂડ સહિત દેશની અન્ય સિને ઇન્ડસ્ટ્રીઝની તમામ ફિલ્મો, જેણે દેશ અને વિશ્વ સ્તરે આડેધડ કમાણી કરી છે, તેની પાછળ એક અસરકારક કોર્પોરેટ વ્યૂહરચના છે. વાસ્તવમાં, આજકાલ માત્ર દર્શકોનો પ્રેમ જ ફિલ્મોને સફળ બનાવે છે એવું નથી, આ માટે મજબૂત માર્કેટિંગ, આકર્ષક ક્ધટેન્ટ, અત્યંત લોકપ્રિય કાસ્ટ અને ફિલ્મની રિલીઝનો ચોક્કસ સમય પણ મેનેજ કરવો પડે છે. માર્કેટિંગ અને પ્રમોશન હવે ફિલ્મની કમાણીનો મુખ્ય સ્ત્રોત બની ગયો છે. મોટા બજેટની ફિલ્મોનો, હવે રિલીઝ થાય એ પહેલા ઘણા મહિનાઓ સુધી ભારે પ્રચાર કરવામાં આવે છે, જેમાં સોશિયલ મીડિયા અને ઇન્ફ્લૂએન્સર માર્કેટિંગનો ઉપયોગ શક્ય તેટલા વધુ પ્રેક્ષકોને થિયેટરોમાં લાવવા માટે કરવામાં આવે છે.
તાજેતરના વર્ષોમાં અને છેલ્લા કેટલાક મહિનામાં જે રીતે ‘આરઆરઆર’ અને ‘પઠાણ’એ રિલીઝ થતાની સાથે જ દેશ-વિદેશના સિનેમા માર્કેટમાં દર્શકોને આકર્ષ્યા, તે આ જબરદસ્ત માર્કેટિંગનું પરિણામ હતું. તેમજ તેની જંગી કમાણી પાછળ માત્ર ડિસ્ટ્રિબ્યુશન માટે જ નહીં પરંતુ ફિલ્મની રિલીઝ માટે પણ ઘણું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. વાસ્તવમાં, મલ્ટિપ્લેક્સ અને ઓટીટી પ્લેટફોર્મ સાથે ભાગીદારી કરવી, ફિલ્મને એકસાથે સમગ્ર ભારતમાં રિલીઝ કરવી અને રજાઓ જેવા ખાસ પ્રસંગોએ ફિલ્મને રિલીઝ કરવી જેથી વધુને વધુ પ્રેક્ષકો ફિલ્મ જોવાનું આયોજન કરે. આ બધી બાબતો પણ આજની ઉચ્ચ કમાણી કરતી ફિલ્મોની વ્યૂહરચનાનો એક ભાગ છે. ઉદાહરણ તરીકે, જ્યારે ’કેજીએફ-2’ સમગ્ર ભારતમાં એકસાથે અલગ-અલગ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી હતી, ત્યારે આ વ્યૂહરચનાથી ફિલ્મ બજારના નિષ્ણાતોને આશ્ચર્ય થયું હતું. કારણ કે એક જ સમયે, આખા દેશમાં આ ફિલ્મ વિશે જબરદસ્ત ધૂમ મચાવી રહી હતી અને જબરદસ્ત પૈસા પણ કમાઈ રહી હતી!
આજકાલ ફિલ્મોનો બિઝનેસ યુદ્ધ કરવા જેવો વ્યૂહાત્મક બની ગયો છે. આ વ્યૂહરચનાથી ઓટીટી અધિકારો અને બ્રાન્ડ ભાગીદારી આવકના મુખ્ય સ્ત્રોત તરીકે ઉભરી આવી છે. આજકાલ, મોટી ફિલ્મો પહેલેથી જ તેમની કિંમતનો મોટો ભાગ ઓટીટી અને બ્રાન્ડ ડીલ્સ પાસેથી વસૂલ કરી લે છે. આ મોટા સોદા પછી, જ્યારે ફિલ્મો થિયેટરોમાં પહોંચે છે, તો ત્યાં પહોંચતા પહેલા તે ભરપૂર કમાણી કરી લે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે ફિલ્મ તેની માર્કેટિંગ વ્યૂહરચનાથી જ મોટો નફો કમાઈ શકે છે. મોટા પડદા પર મનોરંજનના તત્વો હોવા પણ જરૂરી છે. આજકાલ દર્શકો વિઝ્યુઅલ ટ્રીટ, એક્શન અને ડ્રામા જોવાનું પસંદ કરે છે, જેમ કે પઠાન, આરઆરઆર, કેજીએફ-2 તેમની ભવ્યતાને કારણે પ્રેક્ષકોનું ધ્યાન આકર્ષિત કરવામાં સફળ રહી અને પછી દર્શકોએ તેને ઘણો પ્રેમ પણ આપ્યો.
છેલ્લાં કેટલાંક વર્ષોથી રાજકારણમાં ઉપયોગમાં લેવાતું ‘એક ભારત’નું સ્લોગન અન્ય ક્ષેત્રોમાં પણ અસરકારક સાબિત થઈ રહ્યું છે. અગાઉ, ફિલ્મો એકસાથે દેશના એક ભાગમાં જ રિલીઝ થતી હતી અથવા જો તે હિન્દી હોય તો કેટલાક વધુ ભાગોમાં રીલિઝ થતી. તેથી તેમની કમાણી મર્યાદિત હતી. આજકાલ, ખાસ કરીને દક્ષિણ ભારતીય ફિલ્મો વિવિધ ભાષાઓમાં ડબ કરવામાં આવે છે અને એકસાથે આખા ભારતમાં રિલીઝ થાય છે. ફિલ્મોની પેન ઈન્ડિયા રિલીઝે કમાણીનો નવો અને અદ્ભુત માર્ગ ખોલ્યો છે. ’બાહુબલી’, ’પુષ્પા’ અને ’કેજીએફ’ શ્રેણીની જંગી કમાણી અને સફળતાનું કારણ પણ તેમનુ પેન ઈન્ડિયા રિલીઝ હતુ અને હા આ બધાની વચ્ચે આપણે લોકપ્રિય સ્ટાર્સની ફેન ફોલોઈંગને ભૂલવી ન જોઈએ. લોકપ્રિય મોટા સ્ટાર્સના ચાહકોની સંખ્યા કરોડોમાં હોય છે અને માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં હોય છે. તેથી, જ્યારે ફિલ્મો પેન ઇન્ડિયા રિલીઝ થાય છે, ત્યારે તે સામાન્ય રીતે નફામાં જ હોય છે.
દેશના લોકપ્રિય ફિલ્મ સ્ટાર્સે તાજેતરના વર્ષોમાં કંઈ રીતે તેમની હિટ ફિલ્મો દ્વારા જંગી કમાણી કરી છે, તેને આ વાત પરથી જાણી શકાય છે કે 2017 થી 2020ની વચ્ચે ’બાહુબલી 2’ એ 1700 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી, જ્યારે ’દંગલ’એ 2000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. વર્ષ 2022માં આવેલી ’આરઆરઆર’ ની કમાણી રૂ. 1200 કરોડથી વધુ હતી, ’કેજીએફ’ની કમાણી પણ રૂ. 1200 કરોડથી વધુ હતી અને ’પુષ્પા ધ રાઇઝ’ એ પણ તે જ વર્ષમાં રૂ. 350 કરોડથી વધુની કમાણી કરી હતી. વર્ષ 2023માં ’ગદર 2’એ 600 કરોડથી વધુની કમાણી કરી હતી અને ફિલ્મ ’કેરલા સ્ટોરી’એ 300 કરોડથી વધુની કમાણી કરી હતી. વર્ષ 2024 પર એક નજર કરીએ તો, ’જવાન’ એ 1200 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી, ’પઠાણે’ 1000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી અને ’પુષ્પા-2’એ આ લેખ લખ્યો ત્યાં સુધી લગભગ 1100 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. અને તેની કમાણીમાં હજુ પણ કોઈ ઘટાડો થયો નથી.
સવાલ એ છે કે ફિલ્મોની કમાણી કરવાની આ પદ્ધતિ સામાન્ય ફિલ્મ મેકર્સને આકર્ષે છે કે નિરાશ કરે છે? ધ્યાનથી જોશો તો આટલી મોટી કમાણી માત્ર અમુક ફિલ્મો જ કરી રહી છે, કારણ કે તેઓ પોતાની ફિલ્મોના આડેધડ પ્રમોશન દ્વારા પોતાની ઈચ્છા મુજબ ફિલ્મોનું ભવિષ્ય ઘડવામાં સફળ થાય છે. હકીકતમાં, આ ફિલ્મો પ્રમોશનમાં એટલા પૈસા ખર્ચે છે કે આ ખર્ચ દર્શકોને આકર્ષવા માટે જાદુઈ વાતાવરણ બનાવે છે, જેના કારણે દર્શકો ફિલ્મ જોવા માટે થિયેટરમાં આવે છે. આ સમગ્ર વ્યૂહરચનામાં, નાના ફિલ્મ નિર્માતાઓને મોટો ફટકો પડે છે, કારણ કે તેઓ તેમની ફિલ્મો માટે પ્રમોશનનું વાતાવરણ બનાવી શકતા નથી. કારણ કે તેમની પાસે બિનજરૂરી પ્રમોશન માટેનું બજેટ નથી. તેથી, જો સર્વગ્રાહી રીતે જોવામાં આવે તો, ફિલ્મ ઉદ્યોગના મોટા ફિલ્મ નિર્માતાઓ જ આડેધડ આવક કરી રહ્યા છે.