હોસ્પિટલમાંથી આઉટ સૈફ અન્ય તકલીફમાં અટવાયો …
ક્લેપ એન્ડ કટ..! -સિદ્ધાર્થ છાયા
ગયું આખું અઠવાડિયું સમગ્ર બોલિવૂડમાં એક જ ઘટના ચર્ચાતી રહી : સૈફ અલી ખાન પર એના જ ઘરમાં થયેલા જીવલેણ હુમલાની… પાંચ દિવસની સારવાર બાદ છોટે નવાબ ઘેરે પરત પણ આવી ગયા. જોકે, જે રીતે એ પોતાની કારમાંથી બિન્દાસ્ત ચાલીને ફ્લેટ સુધી પહોંચ્યો એ જોઈને ઘણાની આંખો પહોળી થઈ ગઈ. સૈફ જે સહજતાથી સ્મિત ફરકાવતો ને હાથ વેવ કરતો ઘરમાં એન્ટ્રી મારે છે એ દૃશ્યોએ સોશિયલ મીડિયામાં આડી-અવળી ઘણી ચર્ચા જગાડી છે. સૈફે જે રીતે ફિલ્મી હીરોની સ્ટાઈલમાં હુમલાખોરનો સામનો કર્યો એના પર બધા ફિદા છે. આમ છતાં, હુમલાખોર કશી રોકાટોક વગર એના 12મા ફ્લોર સુધી પહોંચી ગયો એમાં ‘અંદર’ ખાનેથી કશુંક કાચું કપાયું હોવાની શંકા- કુશંકા પણ જાગી છે.
જોકે, ઘવાયેલો સૈફ શારીરિક તકલીફમાંથી તો અત્યારે બહાર આવી ગયો, પણ એક પારિવારિક તકલીફમાંથી એ તાત્કાલિક બહાર નહીં આવે એવા વાવડ છે. મધ્ય પ્રદેશ હાઈકોર્ટે 2015માં સૈફના પરિવારની ભોપાલની સંપત્તિ જપ્ત કરવા અંગેના એક કેસમાં સ્ટે આપ્યો હતો તેને હવે ઉઠાવી લીધો છે. લગભગ 15,000 કરોડની કહેવાતી આ સંપત્તિ પર હવે મધ્ય પ્રદેશ સરકાર ‘શત્રુ સંપત્તિ એક્ટ 2017’ હેઠળ ગમે ત્યારે કબજો લઇ શકે છે ! બચ્ચન – ધ બિઝનેસમેન શિખરથી તળેટી સુધીની અમિતાભ બચ્ચન જેવી જબરદસ્ત પડતી ભાગ્યે જ કોઈએ જોઈ હશે. ગત સદીમાં અઇઈક કંપની સ્થાપીને એને અન્યોના ભરોસે છોડીને બચ્ચન બાબુએ જબરી આર્થિક નુકસાની વેઠી હતી. ત્યારબાદ, પોતાને આવડે છે એવું કામ દિવસ-રાત કરીને લેણદારોની એમણે પાઈ-પાઈ ચૂકવી દીધી હતી. જોકે,એ સમગ્ર કિસ્સામાં અમિતાભજી પોતાની ભૂલોમાંથી જબરદસ્ત પાઠ ભણ્યા છે અને એ પણ બિઝનેસનો.
મુંબઈના ઓશિવારા વિસ્તારમાં અમિતાભે 2021માં એક ડુપ્લેક્સ ખરીદ્યો હતો. આ ડુપ્લેક્સ એવી ‘મોકાની જગ્યાએ’ એમણે ખરીદ્યો હતો, જ્યાંથી લોખંડવાલા અને મુંબઈ મેટ્રો ખૂબ નજીક પડે છે. આ ઉપરાંત એ વિસ્તારમાં હજી પણ ખૂબ ડેવલોપમેન્ટ ચાલી રહ્યું છે. આવા વિસ્તારમાં એમણે એ સમયે રૂપિયા 31 કરોડમાં એ ડુપ્લેક્સ ખરીદ્યો હતો અને હવે તાજી માહિતી અનુસાર હાલમાં જ અમિતાભે આ ડુપ્લેક્સ રૂપિયા 80 કરોડમાં વેચી દીધો છે ! આપણે જાણીએ જ છીએ કે મુંબઈમાં જુહુ વિસ્તારમાં જ એમના ત્રણ બંગલા છે, જ્યાં એમનો પરિવાર રહે છે અને ઓફિસ પણ છે. આથી જે ડુપ્લેક્સ એમણે ‘ઇન્વેસ્ટમેન્ટ’ માટે લીધો હતો એ ફક્ત ચાર વર્ષની અંદર એમને રોકડા રૂપિયા 49 કરોડનો કમાવી દીધા ! તો થઇ ગયાને બચ્ચન -ધ પાકા બિઝનેસમેન?!
આ ભંડારકર ભારે કરશે! પોતાની ફિલ્મો ‘ચાંદની બાર’, ‘કોર્પોરેટ’ અને ‘પેઈજ 3’ દ્વારા ત્રણ અલગ અલગ ક્ષેત્રોની અંદર રહેલા અંધારાઓને અજવાળું આપનાર મધુર ભંડારકર હવે એક મોટો ધડાકો કરવા જઈ રહ્યા છે. હાલમાં જ એમણે એક ઇન્ટરવ્યુ આપ્યો છે, જેમાં એમણે એ ક્ધફર્મ કર્યું છે કે અત્યારના રિ-રિલીઝના ટ્રેન્ડને ફોલો કરતા એમની ‘પેજ 3’ બહુ જલ્દીથી સિનેમાઘરોમાં જોવા મળી શકે છે. એટલું જ નહીં, એમની આગામી ફિલ્મનું નામ હશે : ‘વાઈવ્ઝ ઓફ બોલિવૂડ’.
આ ફિલ્મમાં મધુર ભંડારકર બોલિવૂડ સિતારાઓની પત્નીઓ પર ફોકસ કરીને એમની અંધારામાં રાખવામાં આવેલી જિંદગીમાં અજવાળું પાથરશે…. મધુર ભંડારકરના કહેવા અનુસાર જો આપણને જાહેરાત અને મીડિયાની દુનિયા પર આધારિત ‘પેજ 3’ આઘાત સમાન લાગી હોય તો ‘વાઈવ્ઝ ઓફ બોલિવૂડ’ એનાથી દસગણો આઘાત આપી જશે ! હવે સિતારાઓની ફેમિલી લાઈફ સ્ટાઈલની અંધારી બાજુ દેખાડવા ઈચ્છતી મધુર ભંડારકરની આ આગામી ફિલ્મને ખુદ બોલિવૂડ કેટલા અંશે સ્વીકારે છે એ જોવું રહ્યું …
કટ એન્ડ ઓકે.. ‘કલાકાર અને દેશ માટે ક્ષોભજનક ઘટના!’ વિખ્યાત મ્યુઝિકલ ગ્રુપ ‘ કોલ્ડપ્લે’ ના મુંબઈ કોન્સર્ટમાં એના બે વર્લ્ડ
ફેમસ ગાયકના નબળા સિંગિંગ પર મ્યુઝિક કમ્પોઝર વિશાળ ડડલાણીની તીખી કમેન્ટ.