બાપ આખિર બાપ હોતા હૈ !
જાવેદ અખ્તર લતા મંગેશકરના ગીતના જવાબ પર ખૂબ જ હસ્યા! જાણો આ મજાકની પૂરી વાત. Keywords: Lata Mangeshkar, Javed Akhtar, Bollywood songs, funny moment.
યશ ચોપડા દિગ્દર્શિત ‘દીવાર’ અને રમેશ સિપ્પીની ‘શોલે’ની ગોલ્ડન જ્યુબિલી વર્ષ ચાલી રહ્યું છે. આ બંને ફિલ્મને સાંકળતો મુખ્ય તંતુ બેશક અમિતાભ બચ્ચન છે, પણ એ ઉપરાંત લેખક જોડી સલીમ – જાવેદનો કરિશ્મા પણ આ બેઉ ફિલ્મમાં છવાયો હતો. જાવેદ અખ્તરએ એક અલાયદા ગીતકાર સ્વરૂપે પણ લોકપ્રિયતા મેળવી છે. ફિલ્મ માટે એમણે લખેલા પહેલા ગીત ‘દેખા એક ખ્વાબ તો યે સિલસિલે હુએ’ને 45 વર્ષ પૂરા થયા છે. ગીતકાર જાવેદ અખ્તરની કારકિર્દીના કેટલાક પ્રસંગો આજે માણવાની મજા લઈએ.
ગીતકાર જાવેદ અખ્તરની શરૂઆત થઈ યશ ચોપડાની ફિલ્મ ‘સિલસિલા’થી. ‘ટોકિંગ સોંગ્સ’ નામના પુસ્તકમાં જાવેદ સાબે ગીતકાર તરીકે સફરની શરૂઆત કઈ રીતે કરી એની વાત કરી છે. રમેશ સિપ્પીની ‘અંદાજ’ ફિલ્મથી પહેલીવાર પટકથા – સંવાદ લેખક તરીકે પડદા પર નામ ચમક્યા બાદ સલીમ – જાવેદ એક કામિયાબ જોડી તરીકે પ્રખ્યાત થઈ. જોકે, ‘પ્રોગ્રેસિવ રાઈટર્સ મુવમેન્ટ’ સાથે સંકળાયેલા અને ઉર્દૂમાં ગઝલો લખી કીર્તિ મેળવનારા જાં નિસાર અખ્તરના પુત્ર જાવેદ અખ્તર ગઝલ – નઝમથી વિમુખ રહે એ તો કેમ બને?
1970ના દાયકાના ઉત્તરાર્ધમાં જાવેદ સાબે કવિતા લખવાની આદત પાડી હતી. જોકે, એમની આ આવડત, ખાસિયતની જાણ નિકટના લોકો સુધી સીમિત હતી. યશ ચોપડા ‘સિલસિલા’ બનાવી રહ્યા હતા ત્યારે એક રોમેન્ટિક ગીત માટે ગીતકારનું નામ સૂચવવા યશજીએ લતા મંગેશકરને વિનંતી કરી ત્યારે દીદીએ જાવેદ અખ્તરનું નામ સૂચવ્યું અને ‘દેખા એક ખ્વાબ તો યે સિલસિલે હુએ’ ગીતનો અને ફિલ્મોના ગીતકાર જાવેદ સાબનો જન્મ થયો.
ગીતકાર તરીકે શરૂઆત ખૂબ જ રોમેન્ટિક ગીતથી થઈ અને જાવેદ સાબની કલમ પર ગુલાબ અને રંગબેરંગી પતંગિયા ચકરાવો લેતા થઈ ગયા. એક જાહેર કાર્યક્રમમાં એમના સર્જનની વાત નીકળી ત્યારે શબાના આઝમીએ કહેલાો ેએક પ્રસંગ અને કવિરાજે એનો આપેલો ઉત્તર રોમેન્સમાં પણ એમની સેન્સ ઓફ હ્યુમર કેવી ખીલી ઉઠે છે એનો સાક્ષાત પુરાવો છે.
શબાનાજીના શબ્દો હતા કે ‘પ્રસંગોપાત મને મળવા, મારી સાથે ગુફ્તગુ કરવા યંગ ગર્લ્સ આવતી હોય છે. એક દિવસ એમાંથી એક જણે અન્યોનું પ્રતિનિધિત્વ કરી મને કહ્યું કે ‘તમે કેટલા નસીબદાર છો કે તમારા પતિ કેવા કેવા રોમેન્ટિક સોન્ગ લખતા હોય છે. તમારા પર પણ શેર લખ્યા હશે, ગઝલ બનાવી હશે ને. એમાંથી એકાદ સંભળાવશો? ’યુવતીઓનો ઉત્સાહ, એમની આંખોમાં ડોકિયાં કરતું કુતૂહલ અને એમના ગુલાબી થઈ ગયેલા ગાલ જોઈ મેં એમને એટલું જ કહ્યું કે એમનામાં રોમેન્સનો એક છાંટો સુધ્ધાં નથી. હું જ્યારે પણ આ ફરિયાદ એમની સમક્ષ કરું છું ત્યારે એ શું જવાબ આપે છે એ જાણો છો?’
બાજુમાં ઊભેલા જાવેદ અખ્તર ગંભીર મોઢું રાખી આગળ આવે છે પણ ઠાવકું મોઢું રાખી કહે છે કે ‘આનો જવાબ બહુ સિમ્પલ છે. સરકસમાં ટ્રેપિઝ (ઊંચાઈ પર ક્યારેક ઊંધા લટકી તો ક્યારેક ગુલાંટ મારી દિલધડક સ્ટન્ટ કરતા કલાકારો)માં કામ કરતા કલાકારો શું ઘરમાં ઊંધા લટકી રહેતા હોય છે?’ ટૂંકમાં રોમેન્ટિક ગીત લખવા એ વ્યવસાય છે, જેની હાજરી અંગત જીવનમાં નથી હોતી.
જાવેદ અખ્તરનો આ કિસ્સો સંગીતકાર ખય્યામ સાહેબે એક ઈન્ટરવ્યૂમાં કહ્યો હતો. ખય્યામજીના શબ્દો હતા : ‘લતા મંગેશકરનો બર્થ- ડે હતો અને અનેક નામવંત કલાકારોએ દીદીને શુભેચ્છાઓ આપી અને ગીત – સંગીતની ગુફ્તેગુ એમની વચ્ચે ચાલી. સંગીત ક્ષેત્ર ઉપરાંત ઘણા એક્ટર્સ પણ હાજર હતા, જેમાં આમિર ખાનની પણ ઉપસ્થિતિ હતી. આમિરે દીદીને સવાલ કર્યો કે ‘તમે તો હજારો ગીત ગાયા છે. કોઈ એવું ગીત છે જે રેકોર્ડ કરી લીધા પછી અનેક વર્ષો વીતી ગયા બાદ પણ તમારા દિલ – દિમાગ પર છવાયેલું રહેતું હોય. તમારા મનનો કબજો જમાવી લીધો હોય.? ’ થોડી ક્ષણ પછી લતાજી બોલ્યાં : ‘હા, એક ગીત છે. ફિલ્મ રઝિયા સુલતાનનું ‘અય દિલ – એ – નાદાન’. જવાબ સાંભળી અનેક ચહેરા મલકાયા, કેટલાકના મોઢા પર આશ્ર્ચર્યના ભાવ હતા તો અમુકના મનમાં સવાલ ઘુમરાઈ રહ્યો હતો. જાવેદ અખ્તરે તો મનમાં ઘોળાતી વાત પૂછી નાખી કે ‘લતાજી, આપને તો હમારે ભી ગાને ગાએ હૈં ઔર ઉસમે સે કઈ હિટ ભી હુએ હૈં.’ આ વાત સાંભળી લતાજીએ માર્મિક સ્મિત કર્યું અને એટલું જ બોલ્યા કે ‘બાપ આખિર બાપ હોતા હૈ.’ જવાબ સાંભળી જાવેદ અખ્તર ખડખડાટ હસી પડ્યા. વાત એમ હતી કે ’રઝિયા સુલતાન’નું એ ગીત જાવેદ અખ્તરના પિતાશ્રી જાંનિસાર અખ્તર સાહેબએ લખ્યું છે !
ગીતકાર જાવેદ અખ્તરને કયા ગીતકાર માટે આદર છે? નસરીન મુન્ની કબીરને આપેલા ઈન્ટરવ્યૂમાં જાવેદ સાબે આ વિશે વિગતે વાત કરી છે, જે એમના જ શબ્દોમાં પેશ છે: ‘સાહિર લુધિયાનવી અને શૈલેન્દ્રએ ફિલ્મો માટે લખેલાં ગીતો વિશે કહીએ એટલું ઓછું છે. સાહિત્યિક રચના જેટલી જ ચીવટ અને ગંભીરતા એમણે લખેલા ફિલ્મનાં ગીતોમાં જોવા મળે છે. એમના સાહિત્યિક લખાણ અને ફિલ્મો માટે કરેલા લખાણમાં ઘણું સામ્ય છે. સાહિર ફિલ્મનાં ગીતોને એ નવી ઊંચાઈ પર લઈ ગયા એમ બેશક કહી શકાય. સાહિરની તુલનામાં શૈલેન્દ્રની ભાષા સરળ હતી. ઊંડાણભરી વાત સામાન્ય શબ્દોમાં કહેવાની આવડત શૈલેન્દ્ર પાસે હતી. બીજી એક વાત પણ મારે કહેવી છે. રાજીન્દર કૃષ્ણ અને રાજા મેંહદી અલી ખાં એવા ગીતકાર છે, જેમણે અદભુત ગીતો લખ્યાં છે, પણ આજે ભાગ્યે જ કોઈ એમને યાદ કરે છે. એમનાં ગીતો લોકો હોંશે હોંશે સાંભળે છે, ગણગણે છે, પણ આ બંને ગીતકારનું સ્મરણ નથી થતું. ક્રિકેટમાં દિલીપ વેંગસરકર સાથે થયું એવું જ આ બંને ગીતકાર સાથે થયું એવું મારું માનવું છે. વેંગસરકર ઉત્તમ દરજ્જાના બેટ્સમેન હતા, પણ એનાથી ઓછી પ્રતિભા ધરાવતા બેટ્સમેનોને યાદ કરે છે એમ ક્રિકેટ પ્રેમીઓ વેંગસરકરને યાદ નથી કરતા એ હકીકત છે.’