એકસ્ટ્રા અફેર

રિઝવાનની કોમેન્ટ સામે બોર્ડ-ભાજપ કેમ ચૂપ?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા જંગમાં કૉંગ્રેસ વર્કિંગ કમિટીએ પેલેસ્ટાઈનને સમર્થન આપતો ઠરાવ કર્યો એ મુદ્દે રાજકીય ઘમાસાણ મચ્યું છે. કૉંગ્રેસે હમાસને ટેકો આપીને આતંકવાદને સમર્થન આપ્યું છે એવી ટીકા સાથે ભાજપના નેતા કૂદી પડ્યા છે. ભાજપના સમર્થકોએ પણ સોશિયલ મીડિયા પર કૉંગ્રેસની મેથી મારવામાં કોઈ કસર છોડી નથી. કૉંગ્રેસ મુસ્લિમોને રાજી રાખવા માટે પેલેસ્ટાઈનને સમર્થન આપી રહી છે ને દેશવિરોધી વલણ અપનાવી રહી છે એવી ટીકાઓનો મારો ચાલી રહ્યો છે.

આ માહોલમાં પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને શ્રીલંકા સામે ફટકારેલી સદી અને રેકોર્ડ બ્રેક ચેઝ કરી તેને ગાઝાનાં લોકોને સમર્પિત કરી છે. ભારતમાં જ રમાઈ રહેલા વનડે વર્લ્ડ કપમાં સોમવારે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે મેચ હતી. આ મેચમાં શ્રીલંકાએ ૩૪૪ રનનો તોતિંગ સ્કોર ખડકેલો પણ પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાને ૧૩૧ રનની અણનમ ઇનિંગ રમીને પાકિસ્તાનને જીત અપાવી. રિઝવાનની ઇનિંગની મદદથી પાકિસ્તાને ૩૪૫ રનનો પહાડ જેવો ટાર્ગેટ ચેઝ કરીને વર્લ્ડ કપમાં હાઈએસ્ટ ચેઝનો રેકોર્ડ પોતાના નામે કરી દીધો.

આ જીત પછી મોહમ્મદ રિઝવાને પોતાની સદી પેલેસ્ટાઈનના લોકોને સમર્પિત કરતી ટ્વિટ કરી હતી. રિઝવાને લખ્યું કે, આ જીત અમારા ગાઝાના ભાઈઓ અને બહેનોને સમર્પિત છે. આ જીતમાં મારા યોગદાનથી ખુશ છું. જીતનું શ્રેય આખી ટીમ અને ખાસ કરીને અબ્દુલ્લા શફીક અને હસન અલીને જાય છે કે જેમણે જીતને આસાન બનાવી દીધી. અદ્ભૂત આતિથ્ય અને સતત સમર્થન માટે હૈદરાબાદનો આભારી છું.

રિઝવાનની ટ્વિટને પગલે સોશિયલ મીડિયા પર લોકોએ તેના માથે માછલાં ધોવાનું શરૂ કરી દીધેલું. પાકિસ્તાનના કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ રિઝવાનનો બચાવ કરી રહ્યા છે પણ મોટા ભાગનાં લોકો ક્રિકેટમાં રાજકારણની ભેળસેળ કરવા બદલ રિઝવાનની ટીકા કરી રહ્યા છે. ભારતમાં મીડિયાએ પણ આ મુદ્દો ઉઠાવીને રિઝવાન સામે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) પગલાં ભરે એવી માગણી કરેલી.

કેટલાક ક્રિકેટ ચાહકોએ ૨૦૧૯માં વનડે વર્લ્ડ કપ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોની સાથે બનેલી ઘટનાની યાદ અપાવી છે. એ વખતે ધોની ઈન્ડિયન આર્મીના સપોર્ટમાં ખાસ ગ્લોવ્ઝ પર ઈન્ડિયન આર્મીનો ‘બલિદાન બેજ’ લગાવ્યો હતો. એ વખતે આઈસીસીએ તાત્કાલિક કાર્યવાહી કરીને ધોનીને લોગોને હટાવવા માટે કહ્યું હતું. ક્રિકેટ ચાહકોએ આ કિસ્સો યાદ કરીને રિઝવાન સામે પણ કાર્યવાહી કરવાની માગ કરી હતી.

જો કે આઈસીસીએ આ મુદ્દે હાથ અધ્ધર કરી દીધા છે. મોહમ્મદ રિઝવાન સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહીનો ઈન્કાર કરતાં આઈસીસીએ કહી દીધું કે, રિઝવાને જે કંઈ કર્યું એ રમતના મેદાનની બહાર કર્યું હોવાથી પોતાના કાર્યક્ષેત્રમાં આવતું નથી. આઈસીસીના કહેવા પ્રમાણે આ વ્યક્તિગત અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને લગતી વાત છે તેથી રિઝવાન સામે કોઈ કાર્યવાહી થશે નહીં. ધોનીએ લોગો મેદાન પર લગાવેલો તેથી તેને દૂર કરવા કહેવાયેલું એવી સ્પષ્ટતા પણ આઈસીસીએ આડકતરી રીતે કરી જ દીધી છે તેથી એ મુદ્દો હવે રહેતો નથી.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તો પહેલાં જ કહી દીધું છે કે, રિઝવાને પાકિસ્તાનની જીત ગાઝાનાં લોકોને સમર્પિત કરી છે ને તેમાં કશું ખોટું કર્યું નથી. રિઝવાને કોઈ રાજકીય કોમેન્ટ કરી નથી કે કશું વિવાદાસ્પદ કહ્યું નથી એ જોતાં તેની સામે પગલાં લેવાનો સવાલ જ પેદા થતો નથી. પાકિસ્તાન ભારત સાથેના ક્રિકેટ સંબંધોની વાત આવે ત્યારે સ્પોર્ટ્સમાં રાજકારણ ના ભેળવવું જોઈએ એવી સુફિયાણી સલાહો આપે છે ને તેમનો ક્રિકેટર ખુલ્લેઆમ એક રાજકીય સ્ટેટમેન્ટ કરે છે ત્યારે એ સલાહ તેને યાદ નથી આવતી.

જો કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તો પોતાના ખેલાડીનો બચાવ કરે જ તેથી તેનું વલણ અપેક્ષા પ્રમાણેનું જ છે પણ આઈસીસીનું વલણ આઘાતજનક છે. આઈસીસીનું કામ ક્રિકેટની રમતને શુદ્ધ રમત રાખવાનું છે. ક્રિકેટની રમતમાં રાજકારણ ના ઘૂસે, કોઈ પણ પ્રકારની વિવાદાસ્પદ કોમેન્ટ્સ ના થાય એ જોવાની જવાબદારી આઈસીસીની છે. આઈસીસી એ ફરજ ચૂક્યું છે ને પાછળથી સાવ વાહિયાત દલીલ કરે છે.

આઈસીસીના કહેવા પ્રમાણે, આ મેદાનની બહારની વાત છે તેથી આઈસીસીને કોઈ લેવાદેવા નથી. કોઈ ક્રિકેટર મેદાનની બહાર બુકીને મળે તો પણ આઈસીસી આ જ વલણ અપનાવશે ? કે કોઈ ક્રિકેટર મેદાનની બહાર કોઈને ફટકારશે તો પણ આઈસીસી આ જ વલણ અપનાવશે ? રિઝવાને વર્લ્ડ કપમાં, આઈસીસીની સ્પર્ધામાં સદી ફટકારી છે એ જોતાં તે લગતી બાબતો સાથે આઈસીસીને લેવાદેવા છે જ પણ આઈસીસી પલાયનવાદ બતાવી રહી છે.

આઈસીસીનું વલણ એ રીતે આઘાતજનક છે પણ તેના કરતાં વધારે આઘાતજનક વલણ બીસીસીઆઈનું છે. બીસીસીઆઈએ તો આ મુદ્દે સાવ ચૂપકીદી સાધી છે. કોઈ કોમેન્ટ જ કરી નથી. બોર્ડ પર ભાજપનો કબજો છે ને કોનો કબજો એ બધાં જાણે છે તેથી ભાજપના નેતા પણ ચૂપ છે. ભાજપના નેતા ચૂપ છે એટલે ભક્તો પણ ચૂપ છે. કૉંગ્રેસના ઠરાવ વખતે દેકારો કરી દેનારા ભાજપના એક નેતાએ એવું પણ કહ્યું નથી કે, રિઝવાનને ભારતમાં આવીને આવું નિવેદન કરવાનો કોઈ હક નથી. બધા નેતા બે પગ વચ્ચે પૂંછડી દબાવીને બેઠા છે, ઉપરથી આદેશ આવ્યો હોત તો ક્યારનુંય ભસવાનું ચાલુ કરી દીધું હોત. ભાજપના નેતાઓની ચૂપકીદીનો મતલબ એ થયો કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વલણને તેમનો ટેકો છે.

યોગી આદિત્યનાથની સરકારે હમાસ-ઈઝરાયલ મુદ્દે ભારતના વલણથી વિરોધી વલણ લેનાર સામે કેસ કરવાનું એલાન કર્યું છે. રિઝવાને પાકિસ્તાનની જીત ગાઝા પટ્ટીનાં પોતાના ભાઈ-બહેનોને સમર્પિત કરીને તેમના પર ઈઝરાયલ અત્યાચારો કરી રહ્યું છે એવું આડકતરી રીતે કહી દીધું છે. ભારતે ઈઝરાયલને ટેકો આપ્યો છે ત્યારે આ વલણ ભારતના વલણની વિરુદ્ધ છે. રિઝવાન સામે પગલાં ના લઈ શકાય એ સમજી શકાય પણ નિવેદન તો આપી શકાય ને?
કૉંગ્રેસને પેલેસ્ટાઈન મુદ્દે ઠરાવ કરવાનો અધિકાર નહોતો તો રિઝવાનને પણ નથી એટલી સાદી વાત પણ ભાજપના કોઈ નેતાના મોંમાંથી કેમ નીકળતી નથી?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button