આમચી મુંબઈ

ખંડણી માગવાના કિસ્સામાં ગેન્ગસ્ટર ડી.કે. રાવ પકડાયો

છોટા રાજનના સાગરીત ડી. કે. રાવ સામે 41 ગુના દાખલ

મુંબઈ: 74 વર્ષના હોટેલિયરને જાનથી મારી નાખવાની ધમકી આપી અઢી કરોડ રૂપિયાની ખંડણી માગવાના આરોપસર ખંડણી વિરોધી શાખાએ ગેન્ગસ્ટર ડી. કે. રાવ સહિત સાત જણની ધરપકડ કરી હતી. આરોપીઓએ હોટેલિયરને છેતરીને તેની હોટેલ હડપ કરવાના ઇરાદે બનાવટી દસ્તાવેજો બનાવ્યા હોવાનો આરોપ ફરિયાદમાં કરાયો હતો. છોટા રાજનના સાગરીત ડી. કે. રાવ સામે 41 ગુના દાખલ હોવાનું પોલીસે જણાવ્યું હતું.

ખંડણી વિરોધી શાખાએ ધરપકડ કરેલા આરોપીઓમાં રવીન્દ્ર મલ્લેશ બોરા ઉર્ફે ડી. કે. રાવ સહિત અબુબકર અબ્દુલ્લા સિદ્દીકી, ઇમરાન કલીમ શેખ, રિયાઝ કલીમ શેખ, આસિફ સત્તન ખાન ઉર્ફે આસિફ દરબાર, જાવેદ જલાલુદ્દીન ખાન અને હનીફ ઇસ્માઇલ નાઇકનો સમાવેશ થાય છે.

આરોપી ડી. કે. રાવ, આસિફ ખાન અને હનીફ નાઇક વતી એડવોકેટ આલોક સિંહ, કિરણ જાધવ, સુમિત્રા ભોસલે, જ્યારે આરોપી અબુબકર સિદ્દીકી વતી એડવોકેટ કામિની જાધવ હાજર રહ્યાં હતાં અને તેમણે દલીલ કરી હતી. બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે આરોપીઓને 30 જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડી ફટકારી હતી.

આ કેસના ફરિયાદીની માલિકીની અંધેરી પૂર્વમાં કંપની હતી, જ્યાં હોટેલ શરૂ કરવાની તેમને સલાહ આપવામાં આવી હતી, જે અબુબકર સિદ્દીકી અને તેના પિતાએ ચલાવવા લીધી હતી. ફેબ્રુઆરી, 2021માં લોકડાઉન વખતે ફરિયાદીની પત્નીને ભાડું લેવા માટે બાંદ્રા બોલાવાઇ હતી, જ્યાં રેન્ટ એગ્રીમેન્ટ પર તેની સહી અને અંગૂઠાના નિશાન લેવાયા હતા.

આ પણ વાંચો : અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની તબિયત લથડી, તિહાર જેલમાંથી હોસ્પિટલમાં કરાયો દાખલ

બાદમાં ફરિયાદીને અબુબકર અને તેના પિતા ભાડું આપવા માટે ટાળાટાળ કરવા લાગ્યા હતા અને હોટેલમાં ન આવવા માટે ધમકી આપી હતી. ત્યાર બાદ સમયાંતરે તેઓ ફરિયાદીને વારંવાર ધમકી આપતા હતા અને હોટેલ પચાવી પાડવાનો પ્રયાસ કરતા હતા, એવો ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો.


દરમિયાન સપ્ટેમ્બર, 2024માં હોટેલ સંદર્ભે સેટલમેન્ટ કરવા માટે ફરિયાદીને વિલે પાર્લેની હોટેલમાં બોલાવવામાં આવ્યો હતો. જોકે ફરિયાદીની તબિયત નાદુરસ્ત હોવાથી તેમણે સાક્ષીદારને મોકલ્યો હતો. એ હોટેલમાં ડી. કે. રાવ તથા અન્ય લોકો હાજર હતા.

એ સમયે ડી. કે. રાવે સાક્ષીદાર તથા ફરિયાદીને ધમકી આપીને અઢી કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. આ પ્રકરણે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાતાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને કેસની તપાસ બાદમાં ખંડણી વિરોધી શાખાને સોંપવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button