સ્કાય ફોર્સની રિલીઝ પહેલાં વીર પહાડિયાએ ઉજ્જૈનમાં મહાકાલના કર્યાં દર્શન
મુંબઈઃ અભિનેતા વીર પહાડિયા અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘સ્કાય ફોર્સ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. સ્કાય ફોર્સ વીર પહાડિયાની પ્રથમ ફિલ્મ હોવાથી અભિનેતા ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યો છે, સાથે ભગવાનના આશીર્વાદ લેવાનું પણ નથી ચુક્યો. અભિનેતા તેની પ્રથમ ફિલ્મની રિલીઝ પહેલા ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરે આશીર્વાદ લેવા પહોંચ્યો હતો.
વીર પહાડિયા વહેલી સવારે મંદિરે પહોંચ્યો જ્યાં તેણે મહાકાલની પૂજા કરી અને પછી નંદીના કાનમાં માનતા માની. મુલાકાત બાદ તેણે તેનો આધ્યાત્મિક અનુભવ શેર કર્યો. વીર પહાડિયાએ કહ્યું, ‘મહાકાલેશ્વર મંદિરની મુલાકાત લઈને ખૂબ જ આનંદ થયો. ગઈ કાલે રાત્રે સાડા ત્રણ વાગે મને થયું કે બાબા મને બોલાવી રહ્યા છે. તેથી હું આજે મંદિરમાં આવ્યો છું. મારા સૌથી મોટા દિવસ પહેલા તેમના આશીર્વાદ મેળવવાથી મોટું કંઈ નથી.’
આ પણ વાંચો: અક્ષય કુમાર ફરી આવ્યો રિયલ સ્ટોરી સાથેઃ સ્કાય ફોર્સનું ટ્રેલર લૉંચ
વીર પહાડિયાની ડેબ્યુ ફિલ્મ ‘સ્કાય ફોર્સ’ આવતીકાલે સિનેમાઘરોમાં રિલીઝ થશે. અભિષેક અનિલ કપૂર અને સંદીપ કેવલાની દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે પાકિસ્તાનના સરગોધા એરબેઝ પર ભારતની જવાબી કાર્યવાહી પર આધારિત છે.પહાડિયા આ ફિલ્મમાં યુદ્ધના હીરો સ્ક્વોડ્રન લીડર અજમાદા બોપ્પયા દેવયાની ભૂમિકા ભજવે છે.
સ્કાય ફોર્સની સ્પેશિયલ સ્ક્રીનીંગ
ફિલ્મની રજૂઆત પહેલાં, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે અક્ષય કુમાર, વીર પહાડિયા અને ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ સાથે સ્કાય ફોર્સની વિશેષ સ્ક્રીનિંગમાં હાજરી આપી ફિલ્મ જોઈ હતી. ફિલ્મમાં અક્ષય કુમાર અને વીર પહાડિયા સાથે નિમરત કૌર અને સારા અલી ખાન પણ જોવા મળશે.