કેજરીવાલ યમુનામાં સ્નાન કરશે?: દિલ્હીમાં યોગી આદિત્યનાથે ‘આપ’ પર સાધ્યું નિશાન
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આજે આમ આદમી પાર્ટી (આપ) પર નિશાન સાધતા કહ્યું હતું કે આપની સરકારે દિલ્હીને ‘કચરાના ઢગલા’માં ફેરવી દીધી છે. યોગી આદિત્યનાથે કિરાડી વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર બજરંગ શુક્લાના સમર્થનમાં એક જનસભાને સંબોધિત કરી હતી. તેમણે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભનો ઉલ્લેખ કરીને આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું હતું. યુપીના મુખ્ય પ્રધાન આદિત્યનાથે કેજરીવાલને કહ્યું હતું કે શું તેઓ યમુના નદીમાં જઈને મંત્રીઓની સાથે ડૂબકી લગાવી શકે છે. યમુના નદીને તેમણે ગંદા નાળામાં ફેરવી દીધી છે.
તેમણે કહ્યું હતું કે “ગઈકાલે મેં અને મારા તમામ મંત્રીઓએ પ્રયાગરાજના સંગમમાં પવિત્ર સ્નાન કર્યું જ્યાં મહાકુંભ ચાલી રહ્યો છે. હું કેજરીવાલને પૂછવા માંગુ છું કે શું તેઓ તેમના મંત્રીઓ સાથે દિલ્હીમાં યમુનામાં સ્નાન કરી શકે છે. જો તેમની પાસે કોઈ નૈતિક હિંમત હોય તો તેમણે જવાબ આપવો જોઈએ. યોગી આદિત્યનાથે કહ્યું હતું કે દિલ્હીમાં આદે લોકોને પાયાની સુવિધાઓ મળી રહી નથી જ્યારે ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓને શહેરના ઓખલા વિસ્તારમાં સ્થાયી થવામાં મદદ કરવામાં આવી રહી છે. આદિત્યનાથે આરોપ લગાવ્યો હતો કે આપ કન્વિનર અરવિંદ કેજરીવાલે યમુનાને ‘ગંદા નાળા’માં ફેરવી ‘પાપ’ કર્યું છે.
Also read: શરાબ કૌંભાંડ ફરી કેજરીવાલ માટે ઉપાધિ લાવશે? જાણો કેગના અહેવાલમાં શું છે
તેમણે રાષ્ટ્રીય રાજધાનીમાં રસ્તાઓની ખરાબ સ્થિતિ, અસ્વચ્છતા, પીવાના પાણીની સમસ્યાઓ અને ગટર ઓવરફ્લોનો આરોપ લગાવતા આપની ટિકા કરી હતી. યોગીએ વધુમાં દાવો કર્યો કે યુપીમાં નોઈડા-ગાઝિયાબાદના રસ્તાઓ દિલ્હી કરતા ઘણા સારા છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ‘આપ’ સરકાર ગ્રાહકો પાસેથી ત્રણ ગણા વધુ વીજળીના દર વસૂલી રહી છે પરંતુ તેઓ ચોવીસ કલાક વીજળી પુરવઠો સુનિશ્ચિત કરવામાં અસમર્થ છે.