ચૂંટણી ટાણે બિહારમાં ગેંગવોરઃ ‘બાહુબલી’ અનંત સિંહ અને સોનુમોનુ આમનેસામને, રાજકારણ ગરમાયું
હવે અનંતસિંહને આપી આવી કંઈક ધમકી, છેડા હૈ છોડેંગે નહીં…
પટણાઃ બિહારનું નામ પડે એટલે ગેંગવોર, રાજકીય કાવાદાવા અને આસામાજિક તત્વોની ખુલ્લી ધમકીઓનો માહોલ આપણી નજર સામે તરવા માંડે. બિહારમાં નીતીશબાબુના શાસનમાં હવે શાંતિ હોવાની આશા જાગી હતી, પણ હવે ફરી એક વાર બિહારમાં ગેંગ વોર ભડકી છે.
તાજેતરમાં બિહારના મોકામામાં ચોંકાવનારો બનાવ બન્યો હતો, જ્યાં બાહુબલી ગણાતા પૂર્વ ધારાસભ્ય અનંત કુમાર સિંહ અને સોનુ મોનુની ગેંગ વચ્ચે જોરદાર ફાયરિંગ થયું હતું. ત્યાર બાદ અનંત સિંહની ગેંગે સોનુના પરિવાર આડેધડ ફાયરિંગ કર્યું હતું. બંને પક્ષ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યા છે, જેથી બિહારનું રાજકારણ પણ ગરમાયું છે અને તેની વિધાનસભાની ચૂંટણી પર અસર પડી શકે છે.
ઘટનાની વિગત મુજબ પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ નૌરંગા જલાલપુરની મુલાકાતે ગયા હતા. કોઇ દબંગે એક ઘરને તાળુ લગાવી દીધું હતું. સમસ્યાના સમાધાન માટે અનંત કુમાર સિંહ પહોંચ્યા ત્યારે સોનુમોનુની ગેંગે તેમની પર ગોળીબાર કર્યો હતો, જેમા તેઓ માંડ માંડ બચ્યા હતા.
આપણ વાંચો: Death Threat: બિશ્નોઈ ગેંગની ઝિશાન સિદ્દીકીને લાસ્ટ વોર્નિંગ, જાણો લેટેસ્ટ અપડેટ્સ
ત્યાર બાદ મોકામા ગામમાં ભારે તણાવની સ્થિતિ ઊભી થઈ હતી. અનંત સિંહે સોનુમોનુ ગેંગ પર ગોળીબારનો આક્ષેપ કર્યો હતો. અને તેણે પ્રતિશોધમાં સોનુના ઘરે જઇને પણ ફાયરિંગ કર્યું હતું, જેમા તેના પરિવારજનોના બચાવ થયો હતો.
હવે આ મુદ્દે પ્રતિક્રિયા આપતા સોનુએ દાવો કર્યો છે કે તેમની અનંત સિંહ સાથે કોઇ વેરઝેર નથી, જે મુકેશના ઘરે તાળુ મારવામાં આવ્યું હતું એ અમારો કર્મચારી હતો અમે આંખ બંધ કરીને તેના પર વિશ્વાસ કરતા હતા. તેણે અમારી સાથે દગો કર્યો હતો. અમે તેના ઘર પર તાળુ નહોતું લગાવ્યું. અમને બદનામ કરવાનું આ રાજકીય ષડયંત્ર છે.
આપણ વાંચો: દિલ્હીમાં જિમ માલિકની હત્યા, સીસીટીવી વાઈરલ, ગેંગવોરની શક્યતા…
સોનુએ એમ પણ કહ્યું કે વડીલોના કહેવા પર તે ભૂતકાળમાં અનંત સિંહના ઘરે પણ ગયો હતો અને તેમને પગે પણ પડ્યો હતો, પણ એ અમારા પર પ્રહારો કરી રહ્યો છે. એના માણસોએ આવીને અમારા ઘરે અંધાધૂંધ ફાયરિંગ કર્યું. હવે એ જ્યારે 65થી મોટી ઉંમરનો થઇને હથિયારોથી હુમલો કરે તો પછી અમે 34 વર્ષના થોડી શસ્ત્રપૂજા કરતા બેસી રહીએ એવો સવાલ સોનુએ કર્યો હતો.
આ ઘટના અંગે સોનુના પિતાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે પટના હાઇ કોર્ટથી આવતી વખતે મને જાણ થઇ કે મારા ઘરે ફાયરિંગ થયું છે. અમે તો અનંત સિંહનું કંઇ બગાડ્યું નથી. મારી પત્ની માંડ માંડ બચી. આ લોકો હત્યાના ઇરાદે જ આવ્યા હતા. રાજકીય અદાવતમાં તેઓ અમારી હત્યા કરવા માગે છે. બંને પક્ષ તરફથી કોઇ મચક આપવા તૈયાર નથી એવામાં આવા ફાયરિંગનો શું અંજામ આવશે એ તો સમય જ કહેશે.