ક્રિસ માર્ટિને સચિન તેંડુલકર ફાઉન્ડેશનની પાર્ટીમાં હાજરી આપી, કાર્યોના વખાણ કર્યા
મુંબઈ: ભારતના દિગ્ગજ બેટ્સમેન અને વિશ્વના સૌથી મહાન ક્રિકેટરમાંના એક સચિન તેંડુલકરે સ્થાપેલા ફાઉન્ડેશનની 5મી વર્ષગાંઠની મુંબઈમાં ભવ્ય ઉજવણી (STP foundation 5th Anniversary) કરવામાં આવી. સચિન તેંડુલકર ફાઉન્ડેશન (STF)ની વર્ષગાંઠની ઉજવણીમાં ઘણા મહાનુભાવોએ હાજરી આપી હતી. આ દરમિયાન બેન્ડ કોલ્ડપ્લેના ગાયક ક્રિસ માર્ટિને હાજરી પાઈ કાર્યક્રમની રોનક વધારી હતી. ક્રિસે સચિન તેંડુલકરના સામાજિક કાર્યોની પ્રશંસા કરી હતી.
STFએ ફોટો શેર કર્યો:
સચિન તેંડુલકર ફાઉન્ડેશનના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક તસવીર શેર કરવામાં આવી છે જેમાં સચિન, તેની પત્ની અંજલિ તેંડુલકર અને પુત્રી સારા તેંડુલકર ક્રિસ સાથે જોવા મળે છે. ફાઉન્ડેશનના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટે સચિન તેંડુલકરને ટેગ કરીને ફોટોના કેપ્શનમાં લખ્યું, “રમતગમત, શિક્ષણ અને આરોગ્યને સુલભ બનાવવા માટે પાંચ વર્ષની સફરમાં કરવામાં આવેલા કાર્ય પર અમને ગર્વ છે. બધા શુભેચ્છકો અને ખાસ કરીને ક્રિસ માર્ટિનનો આ ખાસ પ્રસંગને વધુ યાદગાર બનાવવા બદલ આભાર.”
સારાને મળી મોટી જવાબદારી:
સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકર માટે આ પ્રસંગ ખાસ રહ્યો. તેણે તાજેતરમાં જ ફાઉન્ડેશનના ડિરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. સચિન અને અંજલિ તેંડુલકર દ્વારા શરૂ કરાયેલી આ સંસ્થા વંચિત લોકો માટે આરોગ્ય, શિક્ષણ અને રમતગમત પૂરું પાડવા માટે કાર્ય કરે છે. આ કાર્યક્રમની થીમ “શાઈન બ્રાઈટર ટુગેધર” હતી.
આ પણ વાંચો…વિશ્વ વિજેતા ગુકેશની નવી વિરલ સિદ્ધિ, વર્લ્ડ રૅન્કિંગમાં આ સર્વોચ્ચ સ્થાને પહોંચ્યો
કોલ્ડ પ્લેની ઇન્ડિયા ટુર:
ક્રિસ માર્ટિન અને તેમની ટીમનો ભારત પ્રવાસ 18, 19 અને 21 જાન્યુઆરીએ મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં કોન્સર્ટ યોજ્યો હતો. 25 અને 26 જાન્યુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોન્સર્ટ યોજાશે.