ઇન્ટરનેશનલ

પેન્ટાગોન મેક્સિકો બોર્ડર પર 1500 સૈનિકો મોકલશે; ડોનાલ્ડ ટ્રમ્પ આ કાયદો પણ લાગુ કરશે

વોશિગ્ટન: ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાનું રાષ્ટ્રપતિ પદ સાંભળી (Donald Trump US president) લીધું છે, આ સાથે જ મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમિયાન યુએસ-મેક્સિકો બોર્ડર (US Maxico Border) પરથી ઘુસણખોરી રોકવા કડક વ્યવસ્થા ગોઠવવા વચન આપ્યું હતું. ટ્રમ્પે આપેલા વચનોનું પાલન કરવાનું શરુ કરી દીધું છે. યુએસ સંરક્ષણ મંત્રાલયે(પેન્ટાગોન) દક્ષિણ સરહદને સુરક્ષિત કરવા માટે 1,500 થી વધુ એક્ટીવ ડ્યુટી ટ્રૂપ (Active Duty Troops) મોકલવાની તૈયારીઓ શરુ કરી રહ્યું છે.

મેક્સિકો બોર્ડર સુરક્ષા વધશે:

અહેવાલમાં મુજબ એક્ટીવ ડ્યુટી ટ્રૂપ દક્ષિણ સરહદ પર પહેલાથી જ તૈનાત લગભગ 2,500 નેશનલ ગાર્ડ અને રિઝર્વ કર્મચારીઓ સાથે જોડાશે. હાલમાં મેક્સિકો બોર્ડર પર એક્ટીવ ડ્યુટી ટ્રૂપના સૈનિકો તૈનાત નથી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પદ સંભાળતાની સાથે જ ઇમિગ્રન્ટ્સ પર કડક કાર્યવાહી કરવા માટે જારી કરાયેલા એક્ઝિક્યુટિવ ઓર્ડર હેઠળ યોજનાઓનો અમલ કરવા આ પગલું ભરવામાં આવી રહ્યું છે.

યુએસના કાર્યકારી સંરક્ષણ સચિવ રોબર્ટ સેલેસિસ બુધવારે તૈનાતીના આદેશો પર હસ્તાક્ષર કરવાના હતા, જોકે હજુ સુધી તે સ્પષ્ટ નથી કે કયા ચોક્કસ સૈનિકો અથવા એકમો તૈનાત કરવામાં આવશે. સૈનિકોની સંખ્યામાં પણ ફેરફાર પણ થઈ શકે છે.

એક્ટીવ ડ્યુટી ટ્રૂપની ભૂમિકા:

અહેવાલ મુજબ આ સૈનિકોને બોર્ડર પેટ્રોલિંગ એજન્ટોને લોજિસ્ટિક્સ, ટ્રાન્સપોર્ટેશન અને બેરીઅર્સના નિર્માણમાં મદદ કરવા તૈનાત કરવામાં આવશે. ભૂતકાળમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડેન બંનેના શાસનકાળમાં આ પ્રકારનું કામ કર્યું હતું.

આ કાયદો અમલમાં આવી શકે છે:

અહેવાલમાં મુજબ, સૈનિકોને સરહદ પર લો એન્ફોર્સમેન્ટ એક્ટીવીટીમાં ભાગ લેવા માટે કાયદેસર રીતે પ્રતિબંધ છે, પરંતુ એ બદલવામાં આવી શકે છે.

ટ્રમ્પે આગામી સંરક્ષણ સચિવ અને ગૃહ સુરક્ષા વડાને Insurrection Act of 1807 નો અમલ કરવો કે નહીં એ માટે 90 દિવસની અંદર મૂલ્યાંકન કરવા નિર્દેશ આપ્યો છે. આ કાયદો લશ્કરી દળોને યુએસની ધરતી પર સિવિલ લો એન્ફોર્સમેન્ટમાં હસ્તક્ષેપ કરવાની મંજૂરી આપે છે.

ટ્રમ્પની ચીમકી:

ટ્રમ્પે સોમવારે ભાષણ દરમિયાન કહ્યું હતું કે “હું આપણી દક્ષિણ સરહદ પર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરીશ. તમામ ગેરકાયદેસર ઘુસણખોરી તાત્કાલિક બંધ કરવામાં આવશે, અને અમે લાખો ગુનેગાર વિદેશીઓને જ્યાંથી તેઓ આવ્યા હતા ત્યાં પાછા મોકલવાની પ્રક્રિયા શરૂ કરીશું.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button