મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં ઇનામ ધરાવતા માઓવાદી નેતાની ધરપકડ
મુંબઇ: મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પોલીસે નક્સલવાદી ચૈનુરામ ઉર્ફે સૂક્કુ વાટ કોર્સાની ધરપકડ કરી છે, જેના માથે ૧૬ લાખ રૂપિયાનુ ઇનામ હતુ. પોલીસને ગઢચિરોલીમાં મહારાણા છત્તીસગઢ બોર્ડર પાસે હાડેકોર નક્સલવાદીની હાજરીની માહિતી મળ્યા બાદ છટકું ગોઠવી તેની ધરપકડ કરી હતી.
આ નક્સલવાદી નેતા પર ૧૬ લાખ રૂપિયાનું ઇનામ હતું. તે છત્તીસગઢ રાજ્યના ટેકામેટા ગામનો રહેવાસી છે. ચૈનુરામ હાલમાં નક્સલવાદી સંગઠનમાં મહત્ત્વના પદે કામ કરી રહ્યો હતો. ચૈનુરામ સામે સાત કેસ નોંધાયેલા છે. તેના વિરુદ્ધ સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવા, પોલીસ દળો પર હુમલો કરવા અને તેમનાં હથિયારો લૂંંટવા, રસ્તાઓ અને અન્ય પ્રકારની સરકારી કામમાં અવરોધ ઊભો કરીને આંગચંપી કરવાના ગુના નોંધવામાં આવ્યા છે.
પોલીસને માહિતી મળી હતી કે ચૈનુરામ છત્તીસગઢ રાજ્યના ગઢચિરોલી જિલ્લાના સરહદી વિસ્તાર કાંંકેરની જારાવંડી અને પેંધરીની ચોકીઓ પર હુમલો કરવાના ઈરાદાથી જાસૂસી માટે આવી રહ્યો છે. આ માહિતીના આધારે નક્સલ પોલીસ ટીમે છટકું ગોઠવીને તેની ધરપકડ કરી હતી.
ચૈનુરામ ૨૦૧૬થી અબુજામાડ વિસ્તારના તમામ નક્સલવાદી જૂથોને વિસ્ફોટકો અને અન્ય સામગ્રીઓ પહોંચાડવા ઉપરાંત અનેક મોટી જવાબદારી નિભાવી રહ્યો હતો. હાલમાં તે નક્સલવાદી મટીરીયલ સપ્લાયના ડેપ્યુટી કમાન્ડરનું પદ સંભાળી રહ્યો હતો.
જો કે ગઢચિરોલી જીલ્લો માઓવાદી પ્રભાવિત જિલ્લા તરીકે ઓળખાય છે. અહીંંના માઓવાદીઓ સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવા, પોલીસ દળો પર હુમલો કરવા, અન્ય સરકારી કામમાં અવરોધ ઊભા કરવા જેવી રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ કરે છે.