નેશનલ

પત્નીની હત્યા કરી મૃતદેહના ટુકડા કૂકરમાં બાફ્યા? પૂર્વ સૈનિકે આચર્યું જધન્ય કૃત્ય

હૈદરાબાદ: વર્ષ 2022માં દિલ્હીમાં થયેલા શ્રદ્ધા વાડકર હત્યાકાંડ હજુ પણ સૌને યાદ છે, આ ઘટના બન્યા બાદ પણ આ પ્રકારની અન્ય કેટલીક ઘટનાઓ બની છે. એવામાં હૈદરાબાદમાં સેનાના એક પૂર્વ સૈનિકે આવા જ પ્રકારના હત્યાકાંડને અંજામ (Shraddha walker like case in Hyderabad) આપ્યો હતો. પૂર્વ સૈનિકે પત્નીની ક્રૂરતાથી હત્યા કરી અને તેના મૃતદેહના નિકાલ માટે જે યોજના બનાવી હતી, એ સાંભળીને કોઈ પણનું હૃદય કંપી ઉઠે. ગુરુ મૂર્તિ નામના 45 વર્ષીય પૂર્વ સૈનિકે પત્નીની ક્રૂરતાથી હત્યા કરી અને પછી મૃતદેહના ટુકડા કરી નાખ્યા. ત્યાર બાદ તેણે શરીરના અંગોને પ્રેશર કૂકરમાં બાફ્યા.

DRDO સેન્ટરમાં સિક્યોરિટી:

ગુરુ મૂર્તિ સેનામાંથી નિવૃત્ત થયા બાદ સ્થાનિક DRDO સેન્ટરમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરે છે. કોઈ કારણોસર ગુરુ મૂર્તિનો પત્ની વેંકટ માધવી સાથે ઝઘડો થતો રહેતો હતો અને જ્યારે વિવાદ વધ્યો ત્યારે તેણે હત્યાને અંજામ આપ્યો. 16 જાન્યુઆરીના રોજ માધવીના પરિવારે પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તાપસમાં ગુનો કબુલ્યો:પોલીસે અલગ અલગ એન્ગલથી આ કેસની તપાસ કરી અને જ્યારે ગુરુ મૂર્તિની કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે પોતાનો ગુનો કબૂલી લીધો. તેણે પોલીસ સમક્ષ એ પણ કબૂલાત કરી કે તેની પત્નીની હત્યા કર્યા પછી, તેના શરીરના ટુકડા કરી નાખ્યા હતા અને પ્રેશર કૂકરમાં ઉકાળ્યા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર નાગરાજુએ કહ્યું, ‘મહિલાના માતા-પિતાએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. તેનો પતિ પણ તેની સાથે આવ્યો હતો.

જ્યારે અમને આ બાબતે પતિ પર શંકા ગઈ, ત્યારે અમે તેની પૂછપરછ કરી. જ્યારે અમે કડકાઈ બતાવી, ત્યારે તેણે બધું કબૂલ કરી લીધું.મૃતદેહના ટુકડા કેમ બાફ્યા?ગુરુ મૂર્તિએ કબૂલાત કરી છે કે તેણે તેની પત્નીની હત્યા કરી હતી અને પછી લાશને બાથરૂમમાં લઈ ગયો હતો. ત્યાં તેણે શરીરને ટુકડા કર્યા અને પછી પ્રેશર કૂકરમાં ટુકડાઓ ઉકાળ્યા. તેણે શરીરથી માંસ અને હાડકાં પણ અલગ કરી દીધા, પછી બાફ્યા. તે ત્રણ દિવસ સુધી મૃતદેહના ટુકડા ઉકાળતો રહ્યો.

આ પછી તેણે ટુકડા પેક કરીને તળાવમાં ફેંકી દીધા. પડોશમાં રહેતા લોકોને મૃતદેહની ગંધ ન આવે એ માટે તેણે શરીરના ટુકડા બાફ્યા હતાં. પોલીસ હાલમાં તેના દાવાઓની તપાસ કરી રહી છે અને તેના આધારે પુરાવા શોધવામાં આવી રહ્યા છે. ગુરુ મૂર્તિ અને માધવીને બે બાળકો છે, એક પુત્ર અને એક પુત્રી. પરિવારના સભ્યોનું કહેવું છે કે બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા, પરંતુ હત્યાનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button