આમચી મુંબઈ
ઘર ખરીદતા પૂર્વે MAHARERA ની માર્ગદર્શિકા વાંચો, અમલ કરશો તો છેતરપિંડીથી બચશો!
તમારા સપનાનું ઘર ખરીદવા માટે મહત્ત્વના નિયમોનું પાલન ડેવલપરે કર્યું છે કે એ પણ ચકાસો
મુંબઇઃ દેશમાં મોટાભાગના લોકો તેમની જીવનભરની કમાણીનો ઉપયોગ ઘર ખરીદવામાં કરતા હોય છે પરંતુ ઘર ખરીદવામાં પણ ઘણી સાવચેતી રાખવી જરૂરી છે નહીં તો તમે છેતરપિંડીનો ભોગ બની શકો છો. ઘર ખરીદનારાઓને છેતરપિંડીથી બચાવવા સરકારી એજન્સી મહારેરા ઘણી એક્ટિવ છે. હવે મહારેરાએ કેટલાક નિર્ણયો લીધા છે અને માર્ગદર્શિકા જાહેર કરી છે જેનું પાલન કરીને તમે તમારું ઘર ખરીદીનું સપનું સાકાર કરી શકો છો અને તમારું રોકાણ પણ સુરક્ષિત કરી શકો છો.
- ઘર ખરીદતા પહેલા તમારે હાઉસિંગ પ્રોજેક્ટ વિશે બધી માહિતી મેળવી લેવી જરૂરી છે સંબંધિત હાઉસિંગ પ્રોજેક્ટ મહારેરામાં નોંધાયેલો છે? એની પર કોર્ટમાં કોઈ પેન્ડિંગ કેસ છે? એની વર્તમાન સ્થિતિ શું છે, અન્ય વિગતો શું છે તે બધું જાણવું જરૂરી છે. પ્રોજેક્ટનું કમેન્સમેન્ટ સર્ટિફિકેટ કેટલા માળ માટે છે ? મંજૂર પ્લાનમાં શેની મંજૂરી આપવામાં આવી છે વગેરે માહિતી મેળવી લેવી જરૂરી છે. ઘર ખરીદનાર અને પ્રમોટર વચ્ચેનો વેચાણ માટેનો કરાર અને એલોટમેન્ટ લેટર મહારેરા દ્વારા મંજૂર કરાયેલા ડ્રાફ્ટ મુજબ આપવો આવશ્યક છે.
- ઘરના ખરીદીના કરારમાં ફોર્સ મેજ્યોર, કાર્પેટ એરિયા, કન્વેયન્સ ડીડ વગેરે જેવા અનેક મુદ્દા પાત્ર બિનવાટાઘાટ પાત્ર રાખવામાં આવ્યા છે. રજીસ્ટ્રેશન લેટર આપતી વખતે તેમાં ફ્લેટ નંબર, એરીયા, પ્રોજેક્ટ પૂર્ણ થવાની તારીખ વગેરે લખવી ફરજિયાત કરવામાં આવી છે. તે ઉપરાંત પાર્કિંગ અંગે પણ માહિતી આપવી ફરજીયાત છે. આ ઉપરાંત જણાવવામાં આવેલી સુવિધાઓ ક્યારે ઉપલબ્ધ થશે અને ક્યારે સોસાયટીને સોંપવામાં આવશે તે વિશે પણ જાણકારી આપવી જરૂરી છે.
- જો તમે કુલ રકમના 10 ટકાની ચૂકવણી કરીને ઘર ખરીદી રહ્યા છો કે તેનું રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છો તો પ્રમોટરે આ માટે વેચાણ કરાર કરવો ફરજિયાત છે અન્યથા તમે મહારેરામાં ફરિયાદ નોંધાવી શકો છો. આ ઉપરાંત જો તમે દલાલો કે એજન્ટ મારફતે આ વ્યવહાર કરી રહ્યા છો તો તેઓ મહારેરામાં નોંધાયેલા છે કે નહીં તેની ચકાસણી કરી લેવી જરૂરી છે.
- જે પ્રમોટરો નિર્ધારીત સમયગાળામાં નિર્ધારીત ફોર્મેટમાં પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ અંગેના અહેવાલો સબમિટ કરતા નથી કે પ્રોજેક્ટ પૂરો થયા બાદ પણ મહારેરાની વેબસાઇટ પર અપડેટ કરતા નથી, તેમના બેંક ખાતા ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે અને તેમના વ્યવહારો પણ અટકાવી દેવામાં આવ્યા છે. મહારેરાની વેબસાઇટ પર આવા પ્રોજેક્ટ્સની યાદી આપવામાં આવી છે. ઘર ખરીદતા પહેલા આ યાદી જોઇ લેવી જરૂરી છે.
- મહારેરાએ ઘર ખરીદનારા લોકોના હિતોનું રક્ષણ કરવા માટે પ્રમોટરો માટે અનેક નિયમો જારી કર્યા છે. તમારે ઘર ખરીદતા પહેલા પ્રમોટર દ્વારા મહારેરાની જોગવાઇઓનું પાલન કરવામાં આવ્યું છે કે નહીં તેની માહિતી મેળવી લેવી જોઇએ અને તેનો આગ્રહ રાખવો જોઇએ. આનાથી તમારું ઘર ખરીદીનું સપનું પણ સાકાર થશે અને તમારુ રોકાણ પણ સુરક્ષિત રહેશે.
આ પણ વાંચો…અહો આશ્ચર્યમઃ ઘરેથી ગાયબ મહિલાને ૩૦ વર્ષે પરિવાર મળ્યો, જાણો શું છે મામલો?