આમચી મુંબઈ

ડીઆરઆઈએ ૧૯ કરોડનું સોનું જપ્ત કર્યું: ૧૧ જણની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ડિરેક્ટોરેટ ઑફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સે (ડીઆરઆઈ) મુંબઈ, નાગપુર અને વારાણસીમાં કાર્યવાહી કરી અંદાજે ૧૯ કરોડ રૂપિયાનું સોનું જપ્ત કરી ૧૧ આરોપીની ધરપકડ કરી હતી. મોટા ભાગે બંગલાદેશની સીમાથી ભારતમાં સોનું ઘુસાડનારી આ ટોળકી તપાસ એજન્સીને ગૂંચવણમાં નાખવા અલગ અલગ સ્થળોથી ટ્રેન અને રસ્તા માર્ગે મુંબઈમાં સોનું લાવતી હતી.

ડીઆરઆઈએ ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ મુંબઈના વિલેપાર્લેમાં રહેતા નીતેશ નરેશ ગોરડ (૨૩), નાગપુરમાં રહેતા ભૂપેશ જયદેવ કોહાડ અને પુરુષોત્તમ હરિભાઉ કવળે (૬૫) તેમ જ સાંગલીના આઠ રહેવાસી અરુણ બાબુરાવ પૂજારી (૩૯), કિરણ રવીન્દ્ર મંડલે (૨૮), તુષાર તાતોબા જાધવ (૨૬), રોહિત ભાગવત વાઘમારે (૩૦), બાળાસો જયવંત મગર (૪૬), રાહુલ ભાનુદાસ જાધવ, રાહુલ મહાદેવ જાવીર (૩૯) અને દીપક મહાદેવ મોરે (૨૩) તરીકે થઈ હતી.

મળેલી માહિતીને આધારે ડીઆરઆઈની ટીમે ૧૩ ઑક્ટોબરે નાગપુર રેલવે સ્ટેશન ખાતે છટકું ગોઠવ્યું હતું. મધરાતે તાબામાં લેવાયેલા બે શકમંદ પાસેથી વિદેશી માર્કવાળું ૮.૫
કિલો સોનું મળી આવ્યું હતું. કોલકતાથી ટ્રેનમાં આવેલા આ બન્ને શકમંદની પૂછપરછ પછી નાગપુરથી જ વધુ બે જણને તાબામાં લેવાયા હતા.

પકડાયેલા ચારેય આરોપીની પૂછપરછમાં વારાણસીના દાણચોરોની માહિતી અધિકારીઓને મળી હતી. માહિતીને આધારે ડીઆરઆઈની વારાણસીની ટીમે ઉત્તર પ્રદેશ જતા માર્ગ પર છટકું ગોઠવી શંકાસ્પદ કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ડ્રાઈવરે કાર પૂરપાટ વેગે દોડાવી હતી. સ્થાનિક પોલીસની મદદથી ત્રણ કલાક સુધી કારનો પીછો કરવામાં આવ્યો હતો. કારમાં હાજર લોકો જંગલ વિસ્તારમાં ભાગી જતાં સર્ચ ઑપરેશન હાથ ધરાયું હતું. આખરે જંગલમાંથી બે આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા.

તાબામાં લેવાયેલી કારમાંથી ૧૮ કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. કારની હેન્ડબ્રેક પાસે પોલાણ બનાવીને તેમાં સોનું સંતાડવામાં આવ્યું હતું. પકડાયેલા આરોપીની પૂછપરછ પછી ટ્રેન અને રસ્તા માર્ગે મુંબઈ આવનારા પાંચ દાણચોરને ઝડપી પાડી ૪.૯ કિલો સોનું હસ્તગત કરાયું હતું.

પૂછપરછમાં અધિકારીઓને જાણવા મળ્યું હતું કે આરોપીઓ બંગલાદેશની સીમાથી ભારતમાં સોનું ઘુસાડતા હતા. પછી આ સોનું મુંબઈ, નાગપુર અને વારાણસી લઈ જવાતું હતું. આ પ્રકરણે ડીઆરઆઈ વધુ તપાસ કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button