આ પણ બની શકે એક આદર્શ નિવાસસ્થાન
નીલા સંઘવી
મુંબઈ એટલે સપનાનું શહેર. દેશ-પરદેશથી લોકો અહીં આવે પોતાના સપનાં પૂર્ણ કરવા માટે. મુંબઈમાં રોટલો રળવો સાવ આસાન, તમારામાં થોડી એવી આવડત હોય તો પૈસા તો અહીં મળી જ રહે. અહીં તો માટીના પણ મોલ થાય, પણ મુશ્કેલી એ છે કે રોટલો સહેલાઈથી મળે એવાં આ શહેરમાં ઓટલો મુશ્કેલીથી પણ મળતો નથી. મુંબઈમાં ‘રોટલો મળે પણ ઓટલો ન મળે’ એવી પરિસ્થિતિ છે. કરોડો રૂપિયા ખર્ચ્યા પછી પણ મેચબોકસ જેવડું ઘર મળે.
લલિતભાઈ અને લલિતાબહેન એક ગામડાંમાં રહેતાં હતાં. સ્થિતિ સાવ સાધારણ. એક પુત્ર અને એક પુત્રી. ગામમાંથી ઘણાં લોકો મુંબઈ કમાણી અર્થે ગયા હતા. લલિતભાઈના ખાસ મિત્ર હરીશભાઈ પણ મુંબઈ એક મિલમાં કામ કરતા હતા. એકવાર હરીશભાઈ ગામમાં આવ્યા ત્યારે લલિતભાઈની હાલત જોઈને કહ્યું ‘લલિત, મુંબઈ આવી જા. મારી મિલમાં જ તને કામ અપાવી દઈશ. અહીં કરતાં વધારે રૂપિયા તમને મળશે. …’ લલિતભાઈએ લલિતાબહેન સાથે ચર્ચા કરી. અહીં ગામમાં તો કાંઈ કમાણી હતી નહીં. એક નાની સરખી હાટડી (દુકાન) હતી જેમાં એ ચોકલેટ, બિસ્કિટ, સોડા એવી નાની- મોટી ચીજવસ્તુઓ વેચતા પણ ઘરાકી હતી નહીં. ગામની વસતિ ઓછી. મોટાભાગના લોકો કમાવવા માટે બહારગામ ચાલ્યા ગયા હતા. જે લોકો રહેતા હતા એ પણ અઠવાડિયે એકાદવાર બાજુમાં શહેરમાં જઈને ખરીદી કરી આવતા હતા. ચાર-આઠ આનાની પીપર, બિસ્કિટ વેચીને હાથમાં શું આવે? કપરી પરિસ્થિતિ હતી. પતિ-પત્ની મુંઝાયાં હતાં . બાળકો મોટાં થઈ રહ્યાં હતાં. ભણાવવાનો ખર્ચ પણ થશે. પતિ-પત્ની બંનેએ ચર્ચા કરી અને હરીશભાઈની વાત માની લીધી.
હરીશભાઈએ મુંબઈ જઈ પોતાના મેનેજરને વાત કરી. મેનેજરે સંમતિ આપતા એમણે લલિતભાઈને મુંબઈ બોલાવી લીધાં. લલિતાબહેન અને બંને બાળકો ગામમાં જ રહ્યાં. હરીશભાઈ અને લલિતભાઈની દોસ્તી એટલી પાક્કી હતી કે લલિતભાઈને પોતાના ઘરમાં જ આશ્રય આપ્યો. હરીશભાઈનું ઘર પણ ખોબા જેવડું. એક ચાલમાં એક રૂમ – રસોડાનું ઘર. તેમાં પતિ-પત્ની અને બે બાળકો સાથે હરીશભાઈ રહે. એમણે લલિતભાઈને કહ્યું : ‘ધીરે ધીરે તારા રહેવાની સગવડ કરીશું. ત્યાં સુધી તું અહીં રહે, પણ તું જોઈ શકે છે કે મારું ઘર કેટલું નાનું છે. તારે બહાર વરંડામાં સૂઈ રહેવું પડશે. ખરાબ ન લગાડતો. ’‘અરે, હરીશ એ તું શું બોલ્યો? તું મારા માટે કેટલું કરે છે? અને હું તારી હાલત પણ જોઈ રહ્યો છું. આવી સ્થિતિમાં તું મને આટલો સપોર્ટ કરી રહ્યો છું. તારો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું.’
આવી અનેક અગવડો વેઠીને લલિતભાઈ મિલમાં નોકરી કરતા હતા. ધીરે – ધીરે કામ શીખી ગયા. સારો સ્વભાવ અને પ્રમાણિક હોવાને કારણે ઠીક કહી શકાય એવો પગાર મળતો થયો. ગામમાં ખર્ચાના પૈસા મોકલ્યા પછી લલિતભાઈના હાથમાં કાંઈ ખાસ બચતું નહીં. બહાર ખાવાના પણ ઘણાં પૈસા ખર્ચાતા. હરીશભાઈની ચાલમાં એક સિંગલ રૂમ ખાલી થવાની હતી.હરીશભાઈએ મહેનત કરીને મિલમાંથી થોડો ઉપાડ લેવડાવીને લલિતભાઈને સિંગલ રૂમ લઈ આપી. જો પરિવાર મુંબઈ આવી જાય તો લલિતભાઈની જમવાની ચિંતા ટળી જાય વળી તબિયત પણ સારી રહે. એક નાનકડી સિંગલ રૂમમાં લલિતભાઈ ઍન્ડ ફેમિલી સ્થાયી થયું. બાળકોને સ્કૂલમાં મૂક્યા. પગાર થોડો વધ્યો હતો પણ મુંબઈના ખર્ચા એટલાં મોટો કે મહિનાના અંતે તો ખિસ્સામાં કાંઈ બચે નહીં. કહેવાય છે ને કે ‘મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી.’ એક સાંધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિમાં લલિતભાઈ અને એમનો પરિવાર જીવી રહ્યો હતો. ધીમે ધીમે ચાલમાં જ એક રૂમ રસોડાનું ઘર લીધું. લલિતાબહેનની કરકસરને કારણે બે પૈસા બચાવતા થયા. હવે દીકરો – દીકરી ગ્રેજયુએટ થઈ ગયાં હતાં. બંને નોકરીએ લાગ્યા. હવે એ ત્રણેયની આવક ઘરમાં આવવા લાગી. પૈસાની છૂટ થઈ. સંતાનો લગ્ન જેવડા થયાં હતાં. ચાલ સિસ્ટમમાં કોણ પોતાની દીકરી આપે? એક બેડરૂમ, હોલ, કિચનનો ફલેટ લેવાનું નક્કી કર્યું. કાંદિવલીમાં એક નાનકડો ફલેટ બધાંને પસંદ એક બેડરૂમ, હોલ, કિચનનો ફલેટ લેવાનું નક્કી કર્યું. કાંદિવલીમાં એક નાનકડો ફલેટ બધાંને પસંદ આવ્યો. થોડી બચત અને થોડી લોન લઈને એ ફલેટમાં લલિતભાઈ ઍન્ડ ફેમિલી શિફટ થયું.
લલિતભાઈના પુત્રને સાથે કામ કરતી યુવતી રીના સાથે મન મળ્યું. બંને પરિવારની સંમતિથી પુત્રના લગ્ન થયા. હવે નાનકડા ફલેટમાં પાંચ સભ્યનો પરિવાર રહેવા લાગ્યો. પુત્રે પોતાના પિતાએ કરેલ સંઘર્ષ જોયો હતો તેથી માતા-પિતા – બહેનને પ્રેમથી રાખતો હતો. રીના પણ શાંત સ્વભાવની હતી. લલિતભાઈએ પુત્રીને પણ સારો વર – ઘર જોઈને પરણાવી દીધી અને નિરાંતનો શ્ર્વાસ લીધો. ધીમે ધીમે પણ બધું ઠેકાણે પડી રહ્યું હતું. દીકરાને ઘેર પણ એક દીકરો – એક દીકરી થયાં. બાળકો સાથે લલિતભાઈ – લલિતાબેન કિલ્લોલ કરે છે , પણ મેચ બોક્સ જેવડાં ઘરમાં છ-છ જણને રહેવામાં બહુ તકલીફ પડે છે. પૌત્ર-પૌત્રી મોટા થઈ રહ્યાં છે. એમનું ભણવાનું વધી રહ્યું છે. ઘરે ટયુશન ટીચર આવે. ડ્રોઈંગના સર આવે. બેસાડવાની ક્યાંય જગ્યા નથી. બહુ તકલીફ પડે છે. સંકડાશ લાગે છે. દિવસે લલિતભાઈ – લલિતાબેનને જરાય આરામ મળતો નથી. બાળકોની પ્રવૃત્તિ રાતે મોડે સુધી ચાલે છે. રાતે મોડે સુધી બધાંને ટીવી જોવું હોય છે. આ ઉંમરલાયક દંપતીની ઊંઘ પૂરી થતી નથી. દીકરો-વહુ સમજુ છે. જેટલી સગવડ આપી શકાય તેટલી આપવાનો પ્રયત્ન કરે છે, પણ મુશ્કેલી છે એ તો છેજ.
એક દિવસ લલિતભાઈને એની સાથે કામ કરતા મનુભાઈ મળવા આવે છે. મનુભાઈ પત્ની સાથે એક વૃદ્ધાશ્રમમાં રહે છે. નિ:સંતાન છે એટલે આ નિર્ણય લીધો છે. મનુભાઈ વૃદ્ધાશ્રમના વાતાવરણ, વૃદ્ધાશ્રમની સગવડો વિષે જણાવે છે. શાંતિથી પ્રભુ ભજન થઈ શકે છે, હમ ઉમ્ર લોકોની કંપની મળે છે અને મજા આવે છે એવી મનુભાઈની વાત સાંભળીને લલિતભાઈ નક્કી કરી લે છે કે લલિતા હા પાડે તો અમે પણ ત્યાં જતા રહીએ. લલિતાબહેન વૃદ્ધાશ્રમમાં જવાની સંમતિ આપી દે છે. એમની વાત સાંભળીને પુત્ર એકદમ ગુસ્સે થઈ જાય છે, ‘કેવી વાત કરો છો પપ્પા, છતે પરિવારે તમારે વૃદ્ધાશ્રમમાં જવું છે? હું હરગીઝ નહીં જવા દઉં. હું ક્યારેય તમારી અને મમ્મી વિના રહ્યો નથી. મને તમારાં બંને વિના જરાય નહીં ગમે. આજે બોલ્યા તે બોલ્યા હવે આવી વાત નહીં કરતા.’
પુત્રવધૂએ પણ કહ્યું : ‘હા, પપ્પા મને અને બાળકોને પણ તમારાં બંને વિના જરાય ન ગમે…’ પણ લલિતભાઈએ નાનું ઘર હોવાને કારણે પડતી મુશ્કેલી અને વૃદ્ધાશ્રમમાં મળતી સગવડો વિષે વાત કરીને બધાને મહામહેનતે સમજાવી લીધાં.આજે લલિતભાઈ-લલિતાબહેન વૃદ્ધાશ્રમમાં ખુશીથી રહે છે. સંતાનોને સમય મળે ત્યારે મળવા આવી જાય છે. તો વાર-તહેવારે લલિતભાઈ-લલિતાબેન પણ પુત્રના ઘેર જઈને રહી આવે છે. વૃદ્ધાશ્રમમાં રહેવાની મોકળાશ છે. પૂરતો આરામ મળે છે. પ્રભુ ભક્તિ કરે છે અને સમવયસ્કો સાથે ગપ્પાં-ગોષ્ઠિ કરીને આનંદથી સમય પસાર કરે છે.લલિતભાઈ જેવી પરિસ્થિતિમાં વૃદ્ધાશ્રમ પણ એક આદર્શ નિવૃત્તિ સ્થાન બની રહે છે.