છે એટલી કરેજ કે મરજી મુજબ જીવવા લડી શકો?
મેલ મેટર્સ -અંકિત દેસાઈ
હિન્દીના લેખક મન્નુ ભંડારીનું એક ક્વોટ પહેલીવાર મારા વાંચવામાં આવેલું ત્યારથી મારા મનમાં ખલેલ હતી. વાક્ય હતું,: ‘વ્યક્તિ મેં ઈતની તાકત હંમેશાં હોની ચાહીએ કી અપને દુ:ખ, અપને સંઘર્ષો સે અકેલે ઝૂઝ શકે.’ પહેલીવાર વાંચેલું ત્યારે આ વાક્યના અર્થો મારી અંદર ઉઘડ્યા નહોતા, પરંતુ એક વાત નક્કી હતી કે વાક્યનો મારા ચિત્ત પર પ્રભાવ બહુ પડે લોકે ‘વ્યક્તિમાં એટલી તાકાત તો હોવી જ જોઈએ કે પોતાનાં દુ:ખો, પોતાના સંઘર્ષો સામે એ એકલો ઝઝૂમી શકે’
આ કોઈ સાદી વાત નથી. એમાં ગહનતા તો છે જ, પરંતુ એનો ચોક્કસ અર્થ શું થતો હશે? સમયે સમયે આ વાક્ય મારા મનમાં ઘૂંટાતું રહેતું હતું, વળી, મનમાં એ ક્લેરિટી પણ હતી જ કે આ કોઈ ફિલ્મી ડાયલોગ નથી કે એને જીવનની એવી જ ફિલ્મી સિચ્યુએશનમાં વાપરી શકાય કે કોઈ માણસ પોતાના જ ઉબાડિયાથી કે પોતાના સ્વભાવની મર્યાદાને કારણે સર્જાતી સમસ્યાઓમાં કહી દે કે મારામાં એટલી તાકાત તો છે જ કે હું આ બધી ભાંજગડનો એકલા સામનો કરી શકું !
અલ્યા ભાઈ, આ બધી ભાંજગડ તે તારા સ્વભાવની મર્યાદાને કારણે સર્જેલી છે. એમાં વળી ઝઝૂમવાનું શું? અને એને વળી સંઘર્ષ થોડો કહેવાય? એ તો ઉબાડિયા કહેવાય. -તો પછી મન્નુ ભંડારીની આ વાત જીવનના કયા પડાવ પર કેવા સંજોગમાં કામમાં આવે ?એક દિવસ અચાનક એક વાત મારા મનમાં ઝબકી કે સામાન્ય માણસ એના જીવનમાં, ખાસ કરીને પરિવારના ફ્રન્ટ -સમાજના ફ્રન્ટ પર કે કામના ફ્રન્ટ પર અનેક રિસ્ક લેતા ખચકાય છે, કારણ કે એને સતત એવો ભય રહે છે કે એ જો અમુક રિસ્ક લેશે અથવા જો અમુક પોતાનાં ગમતાં કામ કરશે તો ઘણા બધાં ફ્રન્ટ પર તંગદિલી સર્જાશે અથવા અમુક લોકો એને અમુક કામ ક્યારેય નહીં કરવા દે! આ વૃત્તિને કારણે એક સમય એવો આવે છે કે માણસ સામેના માણસની ઈચ્છાના પાંજરામાં હંમેશાંને માટે કેદ થઈ જાય છે.
એક નાનું ઉદાહરણ આપું . ઘણી વાર માણસ માત્ર ને માત્ર ઊહાપોહ થશેના ડરથી કે સમાજમાં કેવું દેખાશેના ડરથી કજોડાં નિભાવી લે છે અથવા લગ્નમાં એના પર થતાં માનસિક કે ઈમોશનલ અત્યાચાર મૂંગા મોઢે વેઠો લે છે. આ કારણે આજીવન એવા માણસો પોતાની મરજી મુજબ જીવી શકતા નથી અને એ ક્ષણેક્ષણે ગૂંગળાતા હોય છે! કેમ ? તો કે જો હું મારા હકનું કે
મારી મરજી મુજબનું કહીશ અને સામેનો માણસ ડ્રામા કરશે તો તો કેવું દેખાશે?
માણસની પીછેહઠ કરવાની આ વૃત્તિનો સામેનો માણસ પણ ઘણો ગેરલાભ લેતો હોય છે અને સામેનો માણસ આવી વૃત્તિને કારણે વધુ ને વધુ તાકાતવર બનતો હોય છે, કારણ કે એના હાથમાં સામેના માણસની સાયકોલોજી આવી ગઈ હોય છે !
મને લાગે છે મન્નુ ભંડારીનું આ વાક્ય આવા અનેક સંજોગો વખતે ઝળહળી ઊઠે છે કે ભલે વેઠવું પડે તો વેઠી લેવું, પણ સામેના માણસની મનમાની કે એની ગુલામી નથી ચલાવી લેવી અને પછી જો પીડિત માણસ સામેના માણસની સામે થવાનું કે એને રોકડું પરખાવી દેવાનું વિચારે છે તો એનો ઉદ્ધાર થઈ જાય છે પછી ભલે એ અમુક ત્વરિત રિએક્શન્સ, ભલે થોડી ઘણી કાયદકીય ભાંજગડ વેઠવી પડે કે ભલે સમાજમાં એની ચર્ચા થાય, પરંતુ છ મહિના વરસ દિવસમાં એક વાત જરૂર બનવાની કે એ વ્યક્તિને પોતાની મરજી મુજબ, પોતાને ગમતું અને પોતાની આગવી મુક્તિ સાથેનું જીવન જીવવા મળશે ! અહીં જ મન્નુ ભંડારીનું પેલું વાક્ય સાર્થક થાય છે કે માણસ પાસે પોતાનું સુખ શોધવા માટે અમુક બાબત વેઠી લેવાનું કરેજ હોવું જ જોઈએ, જેથી એને જીવનમાં એ ખટકો ન રહી જાય કે એને પોતાનું જીવન પોતાની મરજી મુજબ જીવવા ન મળ્યું.