એકસ્ટ્રા અફેર

ગૌમૂત્રથી તાવ જ નહીં, કેન્સર પણ મટે તેવા દાવા થાય છે!

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

આપણે ત્યાં માણસના જીવની કોઈ કિંમત નથી એટલે ગમે તે માણસ આરોગ્યને લગતી સલાહો આપવા ઊભો થઈ જાય છે. જેને મેડિકલ સાયન્સ સાથે કંઈ લેવાદેવા નથી એવા લોકો પણ આવી સલાહો આપે છે. તાજેતરમાં આઈઆઈટી મદ્રાસના ડિરેક્ટર વી. કામકોટીએ ગૌમૂત્ર પીવાથી તાવ મટી જાય છે એવો દાવો કર્યો એ તેનો તાજો પુરાવો છે.

કોમકોટિ સાહેબના કહેવા પ્રમાણે, એક સંન્યાસીને તાવ આવ્યો હતો. લોકોએ ડોક્ટરને બોલાવવા કહ્યું પણ સંન્યાસીએ કહ્યું કે, પોતે ગોમૂત્ર પીશે. લોકો ગૌશાળામાં ગયા અને ગૌમૂત્ર લઈ આવ્યા. ગૌમૂત્ર પીધાના 15 મિનિટમાં તો તાવ ઉતરી ગયો.

કોમકોટિનો આ વીડિયો વાયરલ થયો પછી તેમના માથે માછલાં ધોવાયાં એટલે તેમણે પાછો એવો દાવો કર્યો કે, ગૌમૂત્રના સેવનથી થતા ફાયદાની વાત તો યુએનએ પણ સ્વીકારી છે અને એ અંગેના અભ્યાસનો રિપોર્ટ પબ્લિશ પણ થયો છે. ક્યાં પબ્લિશ થયો એ તેમણે ના કહ્યું કે કોઈ પુરાવા પણ રજૂ ના કર્યા.

ભારતમાં આ પ્રકારના દાવા નવા નથી. કોરોના કાળ વખતે ગાયના મૂત્રથી કોરોના મટી જાય છે એવા દાવા કરનારા પણ હતા પણ કોઈ વ્યક્તિ ગાયનું મૂત્ર પીને સાજો થઈ ગયો હોય એવું હજુ લગી તો સાંભળ્યું નથી. ભૂતકાળમાં તો ગીર ગાયના મૂત્રથી કેન્સર મટી શકે છે એવા દાવા પણ થયેલા છે. સાંભળીને આંચકો લાગશે પણ આ વાત સાચી છે. 2018માં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાયોટેક્નોલોજી વિભાગના સાયન્ટિસ્ટની એક ટીમ દ્વારા દાવો કરાયો હતો કે ગૌમૂત્રથી કેન્સરના કોષોને મારવામાં તેમને સફળતા મળી છે.

જૂનાગઢ યુનિવર્સિટીની ટીમે દાવો કરેલો કે, ગૌમૂત્ર દ્વારા તમામ પ્રકારનાં કેન્સર મટાડી શકાય છે. આ ટીમનો દાવો હતો કે, ગૌમૂત્રમાં મલ્ટીપલ મેટાબોલાઇટ હોય છે અને તેનો પાઉડર કેન્સરના કોષોને ફાડી નાખે છે તેથી કેન્સરની સારવાર શક્ય છે.

આ ટીમનો દાવો હતો કે, ગીર ગાય, જર્સી ગાય, ભેંસ અને હોલ્સ્ટેઇન ફ્રિએસિયન ગાય એમ ચાર પશુઓનાં મૂત્રમાંથી બનાવાયેલા પાઉડરને કેન્સરના કોષો પર લગાવવામાં આવ્યો હતો. આ પ્રયોગનું તારણ એ નીકળ્યું કે, ગીર ગાયના મૂત્રમાંથી બનેલા પાઉડરને કારણે કેન્સરના કોષોની સંખ્યા ઘટવા લાગી હતી. પ્રયોગશાળામાં કેન્સરના કોષો પર સફળ પ્રયોગ કરવાનો દાવો કરનારી આ ટીમે ઉંદર પર પ્રયોગ કરવાની જાહેરાત કરેલી અને ઉંદર પરના પ્રયોગો સફળ થાય તો પેટન્ટ મેળવી તેમાંથી દવા બનાવવા માટે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનમાંથી મંજૂરી લેવાની જાહેરાત પણ કરી હતી.

આ વાતને છ વર્ષ થઈ ગયાં પણ ગૌમૂત્રથી કેન્સર મટાડતી કોઈ દવા બજારમાં આવી નથી ને કેન્સરના કોઈ દર્દી કિમોથેરાપી કે બીજી એલોપથિક સારવારના બદલે ગૌમૂત્રથી સારવાર કરાવતાં હોય એવું સાંભળ્યું પણ નથી.

એક મજાની વાત પાછી એ છે કે, ગૌમૂત્રના કહેવાતા ફાયદા સામે ઈન્ડિયન વેટરનરી રીસર્ચ કાઉન્સિલ (ઈંટછઈં)ના સંશોધનમાં તો ગૌમૂત્રથી બિલકુલ દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. આ સંસ્થાના કહેવા પ્રમાણે તો ગાયનો નહિ પણ ભેંસનો પેશાબ વધુ અસરકારક છે. આ સંસ્થાના પીએચડી વિદ્યાર્થીઓએ કરેલા પ્રયોગોનું તારણ એ છે કે, ગાય અને બળદના પેશાબમાં 14 પ્રકારના હાનિકારક બેક્ટેરિયા હોય છે કે જે પેટમાં ચેપનું કારણ બની શકે છે તેથી તેને પીવાનું ટાળો.

આ રિપોર્ટ ઓનલાઈન રિસર્ચ વેબસાઈટ રિસર્ચગેટમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ રીપોર્ટ પ્રમાણે ગાય, ભેંસ અને મનુષ્યોના મૂત્રના 73 નમૂનાઓનું વિશ્ર્લેષણ કરાયું હતું, આ વિશ્ર્લેષણ પ્રમાણે ગૌમૂત્રના સેવનથી ગંભીર સમસ્યાઓ અને રોગો થઈ શકે છે: ગૌમૂત્ર પીવાથી હૃદયને લગતા બ્રેડીકાર્ડિયા, ટાકીકાર્ડિયા જેવા રોગ તથા બ્લડ પ્રેશર પર અસર થઈ શકે છે. આ ઉપરાંત શ્વાસને લગતા રોગો પણ થઈ શકે છે. ટ્યુબરક્યુલોસિસ, બ્રુસેલોસિસ, લેપ્ટોસ્પાયરોસિસ અને સાલ્મોનેલોસિસ જેવા રોગો ફેલાવાનું જોખમ પણ હોવાથી સંશોધકોનું તારણ એ હતું કે, કોઈ પણ સંજોગોમાં મનુષ્યોને ગૌમૂત્રની ભલામણ ના કરી શકાય.

આ બંનેમાંથી કઈ વાતને સાચી માનશો? ડો. કામકોટિની વાતને સાચી માનશો કે આઈવીઆરઆઈના સંશોધનને સાચું માનશો? આઈવીઆરઆઈના સંશોધનને સાચું માનજો કેમ કે વૈજ્ઞાનિક સંશોધન ગૌમૂત્ર પીવાથી સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમો હોવાનું કહે છે. આ સંજોગોમાં ગૌમૂત્રનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

ટૂંકમાં વાત એટલી જ છે કે, ગૌમૂત્ર અંગે મોટા મોટા દાવા કરાય છે પણ તેના ફાયદા અંગે મેડિકલી કશું સાબિત થયેલું નથી. બીજી તરફ તેની ખતરનાક અસરો વૈજ્ઞાનિક સંશોધનમાં સાબિત થયેલી છે તેથી આ બધી વાતોમાં આવવા જેવું નથી. જેને આ બધી વાતોમાં વિશ્વાસ છે તેને કોઈ રોકી શકવાનું નથી. તેમને ગમે તો એ ગૌમૂત્ર પીવે, બળદનું મૂત્ર પીવે કે કૂતરાનું મૂત્ર પીવે, તમે ના પીતા ને કોઈને પીવાની સલાહ ના આપતા.

કોઈ પણ તકલીફ લાગે તો ડોક્ટર પાસે જજો. એ ડોક્ટર એલોપથીનો ના હોય ને આયુર્વેદિક કે હોમિયોપથીનો હશે તો પણ ચાલશે કેમ કે એ બધી પણ માન્યતાપ્રાપ્ત સારવાર પદ્ધતિઓ છે. એલોપથી વધારે અસરકારક છે તેથી તેના પર વધારે ભરોસો કરજો, પણ ગૌમૂત્ર પીવાની સલાહ આપનાર પર ભરોસો ના કરતા, આ બધાં ઉંટવૈદાંના કારણે જીવ પર જોખમ ઊભું ના કરતા.

આપણે ત્યાં ગૌમૂત્રથી ફલાણું થાય છે ને ઢીકણું થાય છે એવા દાવા થાય ત્યારે શાસ્ત્રો અને પૌરાણિક ગ્રંથોના હવાલા આપવાની ફેશન છે. વાસ્તવમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરા કે સભ્યતાના નામે કંઈ પણ કહેવાય એટલે શાસ્ત્રો અને પૌરાણિક ગ્રંથોના હવાલા આપી દેવાની ફેશન છે. તેનું કારણ એ કે, સામાન્ય લોકો કદી શાસ્ત્રો અને પૌરાણિક ગ્રંથો વાંચવાના નથી તેથી સાચું કે ખોટું શું એ જાણી શકવાના નથી.

હકીકત એ છે કે, જે લોકો શાસ્ત્રો અને પૌરાણિક ગ્રંથોના હવાલા આપીને દાવા કરે છે તેમણે પણ કદી એ બધું વાંચેલું નથી હોતું. આ કારણે જ એ લોકો શાસ્ત્રો અને પૌરાણિક ગ્રંથોના હવાલા આપે છે પણ ક્યાં લખાયેલું છે તેના પુરાવા નથી મૂકતા તેથી મોટા ભાગે તો શાસ્ત્રો અને પૌરાણિક ગ્રંથોના નામે ગપ્પાષ્ટક જ ચાલે છે. ક્યાંક વળી કોઈ જગાએ લખેલું મળી આવે તો પણ એ બ્રહ્મવાક્ય નથી બની જતું કેમ કે એ લખનારનો અભિપ્રાય છે, આપણી પરંપરાનો ભાગ બિલકુલ નથી.ને છેલ્લે એક સાદી વાત વિચારજો કે, ગૌમૂત્રથી રોગો મટાડાતા હોત તો ભૂતકાળમાં મોટા મોટા રોગચાળા કઈ રીતે ફાટી નિકળતા?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button