મુંબઈઃ કૉમેડી કિંગ તરીકે જાણીતા કપિલ શર્માને(kapil sharma)બુધવારે જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જોકે માત્ર કપિલને જ નહીં બોલિવૂડના અન્ય ત્રણ જાણીતા ચહેરાને પણ ધમકીનો મેઈલ મળ્યાનું પ્રકાશમાં આવ્યું છે. અહેવાલ મુજબ કપિલ શર્મા સહિત રાજપાલ યાદવ, રેમો ડિસોઝા અને સુગંધા મિશ્રાને પણ આવો મેઈલ મળ્યો છે. મુંબઈ પોલીસે આ અંતર્ગત કેસ નોંધ્યો છે અને તપાસ હાથ ધરી છે. કપિલ શર્મા ઉપરાંત તેના પરિવારજનો, સંબંધીઓ અને પડોશીઓને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી છે. પોલીસના જણાવ્યા અનુસાર રાજપાલ યાદવ અને સુગંધા મિશ્રા, રેમો ડિસોઝાએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ તમામ કલાકારોને મેઈલ થકી આ ધમકી મળી છે અને મેઈલના અંતમાં બિશ્નોઈનું નામ લખવામાં આવ્યું છે. સૂત્રોએ દાવો કર્યો છે કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ મેઈલ પાકિસ્તાનથી આવ્યો હતો. પોલીસે ધમકીના સૂત્રધારો સુધી પહોંચવાની તજવીજ શરૂ કરી છે.
ઈમેલમાં શુ લખ્યું હતું
અમે તમારી દરેક એક્ટીવિટી પર નજર રાખીએ છીએ .આ કોઈ પબ્લિસિટી સ્ટંટ નથી અથવા તમને હેરાન કરવાનો આશય નથી. અમે તમને આ ઈમેલને ગંભીરતાથી લેવા વિનંતી કરીએ છીએ. આ મેઈલ પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને અસર કરી શકે છે. આવનારા 8 કલાકમાં તમારે જવાબ આપવાનો રહેશે નહીંતર અમે માની લઈશું કે તમે આ બાબતને ગંભીરતાથી લઈ રહ્યાં નથી. પછી અમારે જે કરવાનું હશે તે અમે કરીશું.
આ પણ વાંચો…સિંગર મોનાલી ઠાકુર લાઈવ પરફોર્મન્સ દરમિયાન બીમાર પડતાં હોસ્પિટલમાં દાખલ
અગાઉ પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ધમકીઓ મળેલ છે
અગાઉ પણ લોરેન્સ ગેંગના નામે કલાકારો અને રાજકારણીઓને અનેક ધમકીઓ મળી છે. આવી અનેક ઘટનાઓ અગાઉ પણ પ્રકાશમાં આવી છે. થોડા દિવસો પહેલા બિહારના એક મંત્રીને પણ આવી ધમકી આપવામાં આવી હતી. બિહારના મંત્રીએ આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી અને ફરિયાદ પણ નોંધાવી હતી. રાજકરાણી બાબા સિદ્દીકીના હત્યામાં પણ બિશ્નોઈ ગેંગનો હાથ હોવાનું માનવામાં આવે છે અને અભિનેતા સલમાન ખાનને તેમનાથી જીવનું જોખમ હોવાના અહેવાલો પણ છે. જોકે ખરેખર આ ધમકીઓ ક્યાંથી આવી છે તે પોલીસ તપાસમાં જ બહાર આવશે.