ચહેરા મોહરા -પ્રકરણ: 20
આજે તમે બધા અહીં કેદીના સ્વરૂપમાં બંદીવાન છો. મનુષ્યના શરીરમાં તેનો આત્મા પણ બંદીવાન જ હોય છે. પૃથ્વી પર જેલ જેવી પવિત્ર જગ્યા એક પણ નથી...
પ્રફુલ્લ કાનાબાર
આ અજાણ્યો પડછંદ માણસ તેના પર હુમલો તો નહીં કરે ને ? સોહમે ખીસ્સામાંથી હાથરૂમાલ બહાર કાઢીને કપાળ પર વળી ગયેલો પરસેવો લૂછ્યો. મનનો ગભરાટ છુપાવીને પ્રભાસ સાથે વાતચીત કરવાના ઈરાદાથી જ કહ્યું: ‘પ્રભાસભાઈ, મારી ટિકિટ તો વાપીની હતી પણ નવસારી આવ્યા બાદ નંદગીરી મહારાજે ફોનમાં સૂચના આપી કે મારે વલસાડ ઊતરી જવાનું છે.’
‘અચ્છા?’ પ્રભાસે ખુલ્લા રસ્તા પરથી નજર હટાવ્યા સિવાય જ આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું.સોહમને નવાઈ લાગી કે આ માણસને એ વાતની ખબર ન હોય તેવું કઈ રીતે બની શકે ? એ મનમાં જ વિચારી રહ્યો..બની શકે કે પ્રભાસ તેને સોંપેલું કામ કરવા વાળો માત્ર ડ્રાઈવર જ હોય. તદ્દન નિર્જન રસ્તા પર વીસેક મિનિટની સફર બાદ એક આશ્રમના મોટા ઝાંપાની અંદર ટાટા સુમો પ્રવેશી. સોહમે ઝાંપા પર મોટા અક્ષરે લખેલું બોર્ડ વાંચ્યું : ‘તુલસી આશ્રમ’…. બાજુમાં એક ભગવાધારી સાધુનું મોટું પોસ્ટર હતું. સોહમ ચમક્યો. અરે આ તો તુલસીરામ બાપુનો ફોટો છે!
હવે ટાટા સુમો તુલસી આશ્રમના વિશાળ મેદાનમાં ધીમી ગતિએ જઈ રહી હતી. મુખ્ય દરવાજાની બહાર તુલસીરામ બાપુનો ફોટો જોઇને સોહમને ખાતરી થઇ ગઈ હતી કે આ એ જ તુલસીરામ બાપુનો આશ્રમ છે, જે એકાદ મહિના પહેલાં જ જેલમાં પ્રવચન માટે આવ્યા હતા.
છેલ્લા ત્રણેક વર્ષથી સરકારના આદેશ મુજબ જેલમાં કેદી સુધારણા અભિયાન ચાલી રહ્યું હતું. એ અંતર્ગત જેલમાં વર્ષમાં એકાદ બે નાના મોટા કાર્યક્રમો થતા રહેતાં. જેલર ગોહિલ સાહેબ પણ એ બાબતે ઉત્સાહી હતા. એના ભાગ રૂપે જ મહિના પહેલાં તુલસીરામ બાપુનું પ્રવચન ગોઠવવામાં આવ્યું હતું. જોકે ત્યારે સોહમને એ વાતનો ખ્યાલ નહોતો કે બાપુનો આશ્રમ વલસાડ મુંબઈ હાઈ- વે પાસે આવા કોઈ સુમસામ રસ્તે આવેલો છે.
ગાડી આશ્રમના મેદાનમાં પાર્ક કરીને પ્રભાસ નીચે ઊતર્યો. સોહમ પણ દરવાજો ખોલીને નીચે ઊતરવા ગયો પણ પ્રભાસે ઈશારા વડે જ તેને ત્યાં જ બેસી રહેવા જણાવ્યું. પ્રભાસ દરવાજો જોરથી બંધ કરીને ઝડપથી આશ્રમના મકાન તરફ ગયો.સોહમ તેની સીટ પર જ બેસી રહ્યો અને પ્રભાસ પરત આવે તેની રાહ જોવા લાગ્યો. સોહમની નજર સમક્ષ મહિના પહેલાંનો એ દિવસ તરવરી રહ્યો.. જેલના પ્રાંગણમાં બેઠેલા સો જેટલા કેદીઓ તુલસીરામ બાપુની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.આખરે ગોહિલ સાહેબ સાથે એ પધાર્યા ત્યારે તમામ કેદીઓએ ઊભા થઇને તેમને માન આપ્યું હતું.લગભગ પોણા છ ફૂટ હાઈટ, સપ્રમાણ બાંધો, ગૌર વર્ણ, સફેદ દાઢી તથા કેસરી વસ્ત્રો પર ઓઢેલી સફેદ શાલ વાળા તુલસીરામ બાપુનું વ્યક્તિત્વ કોઈ પણ વ્યક્તિને પ્રભાવિત કરવા માટે સક્ષમ હતું.
તે દિવસે મંચ પરથી ગોહિલ સાહેબે કહ્યું હતું :
‘ગુનેગારો બે પ્રકારના હોય છે એક તો એ કે જે આવેશમાં ગુનો આચરીને જેલમાં આવ્યા છે. આવા કેદીઓ હંમેશાં સમય અને સંજોગોના શિકાર હોય છે. તેમને કાયદો હાથમાં લેવાનો શોખ નથી હોતો પણ અજાણતા જ કાયદો હાથમાં લઇ બેઠા હોય છે. આવા કેદીઓ માટે પ્રાયશ્ર્ચિત્ત
કરવા માટેનું ઉત્તમ સ્થળ એટલે જેલ. જયારે બીજા પ્રકારના ગુનેગારોનો તો જન્મ જ ક્રાઈમની દુનિયામાં થયો હોય છે. તેમનાં માતા પિતા ચોરી, ફ્રોડ અને અનેક ગુનાઓ કરીને જ પૈસા ઘરમાં લાવતા હોય છે.
તેમના પરિવારમાં જેલમાં જવાનું તદ્દન સામાન્ય બાબત ગણાય છે. આવા ગુનેગારોનું બાળપણ જ ક્રાઈમની દુનિયામાં વીત્યું હોય છે. સ્વાભાવિક રીતે જ આવા કેદીઓ જેલમાંથી છૂટ્યા બાદ પણ સુધરશે જ તેની કોઈ ગેરન્ટી હોતી નથી. કેટલીક વાર તો આવા કેદીઓ જેલમાંથી બહાર નીકળ્યા બાદ વધારે રીઢા ગુનેગાર બનીને સમાજને નુકસાન પહોંચાડતા હોય છે…..’
સૌ કોઈ ધ્યાનપૂર્વક ગોહિલ સાહેબને સાંભળી રહ્યા હતા. આ બીજા પ્રકારના કેદીઓને સુધારવા માટે જ સરકારનો કેદી સુધારણા કાર્યક્રમ ચાલે છે. સોહમ ત્યારે મનમાં જ મલક્યો હતો , કારણકે એ પહેલા પ્રકારના ગુનેગારમાં આવતો હતો. હા..સોહમ રીઢો ગુનેગાર તો હરગીઝ નહોતો જ. તેનાથી થયેલ ખૂન પણ આવેશનું જ પરિણામ હતું ને ? કદાચ એ કારણસર જ એ ગોહિલ સાહેબની સહાનુભૂતિ મેળવી શક્યો હતો !
સોહમને આજે પણ એ દિવસનું તુલસીરામ બાપુનું પ્રવચન અક્ષરશ: યાદ હતું. બાપુએ ત્યારે કહ્યું હતું :
‘આજે તમે બધા અહીં કેદીના સ્વરૂપમાં બંદીવાન છો.મનુષ્યના શરીરમાં તેનો આત્મા પણ બંદીવાન જ હોય છે.પૃથ્વી પર જેલ જેવી પવિત્ર જગ્યા એક પણ નથી. ખુદ કૃષ્ણ ભગવાને પણ દેવકી અને વાસુદેવના કારાવાસ દરમ્યાન જેલમાં જ જન્મ લીધો હતો. ભગવાન જેવા ભગવાન પણ જો માનવ અવતાર ધારણ કરવા માટે જેલને પસંદ કરતા હોય તો તે જગ્યાને ખરાબ કઈ રીતે કહી શકાય ? જેલ એવી જગ્યા છે જે માણસને કરેલા કર્મનું પ્રાયશ્ર્ચિત કરવાનો મોકો આપે છે.સુધરવાની તક આપે છે.
કાર્યક્રમ પૂરો થયા બાદ સોહમને ગોહિલ સાહેબની કેબિનમાં બોલાવવામાં આવ્યો હતો. સોહમને ત્યારે ભારે અચરજ થયું હતું. સો જેટલા કેદીઓમાંથી માત્ર તેને જ શા માટે તુલસીરામ બાપુ સમક્ષ બોલાવવામાં આવ્યો હતો? સોહમ કેબિનની અંદર પ્રવેશ્યો ત્યારે ગોહિલ સાહેબ બોલી ઉડ્યા હતા..
‘સોહમ, બાપુએ તારા વિષે પૂછપરછ કરી એટલે મને વિચાર આવ્યો કે તને બોલાવી જ લઉં.’સોહમના નિસ્તેજ ચહેરા પર વિસ્મયની રેખાઓ અંકાઈ હતી. તેની આંખોમાં આશ્ર્ચર્ય શમવાનું નામ લેતું નહોતું. બાપુએ મંદ મંદ સ્મિત સાથે સોહમની આંખમાં જોયું હતું. સોહમે નજર નીચે ઢાળી દીધી હતી. ગોહિલ સાહેબે બાપુને માહિતી આપતા કહ્યું હતું: ‘બાપુ, મેં મારી સમગ્ર કરિયરમાં આટલો શાંત અને નિરુપદ્રવી કેદી જોયો નથી. આમ તો એક વર્ષ બાદ તેની જન્મટીપની સજા પૂરી થાય છે, પણ તેની સારી ચાલ ચલગતનો લાભ આપીને તેને એક વર્ષ વહેલો છોડી મૂકવા માટે મેં સરકારને ભલામણ કરતો પત્ર લખ્યો છે. જો સરકાર મારી ભલામણ માન્ય રાખીને હુકમ કરશે તો આવતા મહિને જ તેનો જેલમાંથી છુટકારો થશે.
હરિઓમ બોલીને બાપુ થોડી વાર માટે અટક્યા હતા. નીચી નજરે ઊભેલા સોહમે બાપુની સામે જોયું હતું. ગોહિલ સાહેબ પણ બાપુ આગળ શું કહેશે તે સાંભળવા માટે આતુર થઇને બાપુને તાકી રહ્યા હતા.‘જેલર સાહેબ, તેનો છુટકારો અવશ્ય આવતે મહિને જ થશે. બાપુએ જમણો હાથ સોહમને આશીર્વાદ આપતા હોય તેવી મુદ્રામાં રાખીને કહ્યું હતું.
જોગાનુજોગ બાપુની વાણી ફળી હતી. સોહમનો મહિનામાં જ જેલમાંથી છુટકારો થયો હતો. જેલમાંથી બહાર નીકળ્યા બાદ સોહમ પાસે બે વિકલ્પ હતા.એક વિકલ્પ ઘરે જવાનો હતો જ્યાં તેના બાળપણ-યુવાનીની યાદોના વેરવિખેર થયેલા ટુકડા પડ્યા હતા… પણ મા નહોતી.
બીજો રસ્તો એવો હતો જ્યાં તેની નવી ઓળખ બની શકે તેમ હતી.. માત્ર એટલું જ નહિ પણ અંકુશના કહેવા પ્રમાણે ધનવાન બનવાની શક્યતા પણ હતી. સોહમ જન્મ્યો ત્યારથી તેણે ગરીબી સિવાય કાંઈ જોયું જ નહોતું. સતત અભાવમાં જીવાઈ ગયેલી એ જિંદગી સ્વભાવિક રીતે જ ધનવૈભવની ઉછળી ઉછળીને માગણી કરી રહી હતી. તેના માટે જૂઠનો સહારો લેવો પડે તો પણ સોહમને વાંધો નહોતો.
આખરે સોહમે આ બીજો રસ્તો પકડી લીધો હતો જેમાં કેટલું જોખમ છે એ વાતનો સોહમે ખાસ વિચાર કર્યો નહોતો હા.. એ ખૂન ખરાબીમાં પડવા નહોતો માગતો. સોહમને ધન ઉપરાંત ખુદની નવી ઓળખ ઊભી કરવાની પણ લાલચ હતી.સોહમ હજૂ અતીતમાં જ ખોવાયેલો હતો ત્યાં જ ટાટા સુમોના છાપરા પર મોટો ધડાકો થયો. સોહમ ગભરાઈને અનાયાસે જ વર્તમાનમાં આવી ગયો….
(ક્રમશ:)