કોલ્ડપ્લેનો ક્રેઝઃ ગુજરાત નહીં આ રાજ્યમાંથી સૌથી વધુ ટિકિટ થઈ બુક
અમદાવાદઃ કોલ્ડપ્લેના કોન્સર્ટને લઇ માત્ર ગુજરાત જ નહીં દેશમાં પણ ક્રેઝ જોવા મળી રહ્યો છે. કોન્સર્ટને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે બુક માય શોના આંકડા પ્રમાણે કુલ 1,87,000થી વધુ ટિકિટ બુક થઈ છે. જેમાં મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રમાંથી 59,300, ગોવામાંથી 48,500, કર્ણાટકમાંથી 28350, રાજસ્થાનમાંથી 5800, ગુજરાતમાંથી 7100, મધ્યપ્રદેશમાંથી 5600, ઉત્તરપ્રદેશમાંથી 6800, પશ્ચિમ બંગાળમાંથી 4561 ટિકિટ બુક કરાવવામાં આવી છે.
પોલીસનો ચાંપતો બંદોબસ્ત
કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ 14 ડીસીપી, 25 એસીપી, 63 પીઆઈ, 142 પીએસઆઈ તથા 3581 હેડ કોન્સ્ટેબલ સહિત 3825 પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાશે. આ ઉપરાંત મેડિકલના 11 ડોમ, 7 એમ્બ્યુલન્સ, 2 મિનિ હૉસ્ટિપલ અને 6 ઈન્ફોર્મેશન ડેસ્ક હશે. આ કોન્સર્ટમાં 5 વર્ષથી નાના બાળકોને એન્ટ્રી નહીં મળે. પ્રેક્ષકોને ઈયર પ્લગ આપવામાં આવશે. સ્ટેડિયમની અંદર લાગેલા 270 કેમેરાથી સતત મોનિટરિંગ કરવામાં આવશે. જે ટીમ મોનિટરિંગ કરશે અને કોઈ શંકાસ્પદ લાગશે તો તાત્કાલિક નજીકના લોકેશનમાં રહેલા પોલીસકર્મીને તેની જાણ કરવામાં આવશે.
કોન્સર્ટમાં પહોંચવા દર 7 મિનિટે મળશે મેટ્રો
આ કોન્સર્ટ સાજે 5.15 કલાકે શરૂ થશે અને 10 વાગે પૂર્ણ થશે. કોન્સર્ટ માટે 2 વાગ્યાથી પ્રવેશ આપવામાં આવશે. 14 સ્થળે પેઇડ પાર્કિંગની સુવિધા છે. ઉપરાંત દર 7 મિનિટે મેટ્રો મળશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રથમ વખત ખાનગી ઈવેન્ટમાં એનએસજી કમાન્ડો તૈનાત રહેશે. સ્ટેડિયમથી અઢી કિલોમીટર સુધીમાં 14 પ્રાઇવેટ પાર્કિંગ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં મોબાઇલ એપ્લિકેશનની મદદથી વાહન પાર્ક કરી શકાશે. આ 14 પાર્કિંગ પ્લોટ પૈકી સ્ટેડિયમની અંદર બે પાર્કિંગ પ્લોટ વીઆઈપી તથા વીવીઆઈપી માટે રાખવામાં આવ્યા છે. 14 પ્લોટમાં 16 હજાર વાહનની કેપેસિટી છે.
આ પણ વાંચો…પશ્ચિમ રેલવે અમદાવાદ અને મુંબઈ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવશે
બે લાખથી વધુ લોકો આવશે
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 અને 26 જાન્યુઆરીના રોજ કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાશે. જેમાં બે લાખથી વધુ લોકો આવવાની શક્યતા છે.