લાડકી

ફોરએવર ફેવરેટ કોટન

ફેશન -ખુશ્બુ મુણાલી ઠક્કર

કોટન કાપડ એ કપાસના છોડના તંતુઓમાંથી બનાવેલ કુદરતી કાપડનો એક પ્રકાર છે. વીવિંગની વિશાળ શ્રેણીમાં આવતા, તે વિશ્વનું સૌથી લોકપ્રિય ફેબ્રિક છે.કોટનમાં પ્લેન ફેબ્રિક સાથે કોટન ફેબ્રિક પર પ્રિન્ટ પણ એટલી જ પ્રખ્યાત છે. કોટન ફેબ્રિક પહેરવાંમાં ખૂબ જ આરામદાયક લાગે છે અને જેટલું કોટન કાપડ ધોવાતું જાય તેટલું સુંવાળું થાય છે. કોટન ફેબ્રિક પરસેવો એબ્સોર્બ કરી લે છે તેથી કોટન ફેબ્રિકમાં ગરમી પણ નથી લાગતી. ઘણી સ્ત્રીઓ માત્ર કોટન ફેબ્રિકમાંથી બનાવેલા કપડાં જ પહેરે છે. કોટન ફેબ્રિકમાં અલગ અલગ પ્રિન્ટમાં ઘણા વેરિએશન આવે છે જેમકે, અજરખ, બાટિક, ડાબું , ગામઠી વગેરે. કોટન પ્રિન્ટેડ ફેબ્રિકમાંથી તમને મન પસંદ કોઈ પણ ગારમેન્ટ બનાવી શકાય. ચાલો જાણીયે કોટન પ્રિન્ટેડ ફેબ્રિકમાંથી ક્યાં ગારમેન્ટ કઈ રીતે બનાવી શકાય.

બ્લાઉઝ – મોટાભાગે બધી જ સ્ત્રીઓ પાસે કોટન ફેબ્રિકમાંથી બનાવેલા બ્લાઉઝ હોય જ છે. એમ કહી શકાય કે, કોટન ફેબ્રિકમાંથી બનેલા બ્લાઉઝ સ્ત્રીઓમાં ઘણા પ્રખ્યાત છે. જે સ્ત્રીઓને ફેશનની આગવી સૂઝ હોય છે તેઓ કોટન સાડી સાથે મિક્સ એન્ડ મેચ કરી કોટન પ્રિન્ટેડ બ્લાઉઝ પહેરે છે. જ્યારે કોઈ મહિલાને કૈક અલગ લુક જોઈતો હોય ત્યારે તેઓ કોટન પ્રિન્ટેડ બ્લાઉઝ પહેરે છે જેમકે, પિન્ક કલરની મહેશ્ર્વરી સાડી પહેરી હોય તો તેની ઈન્ડિગો બ્લુ કલરનું કોટન પ્રિન્ટેડ બ્લાઉઝ સારું લાગી શકે. જો તમારી સાડી પ્લેન હોય તો પ્રિન્ટેડ બ્લાઉઝ પહેરવું અને જો પ્રિન્ટેડ સાડી હોય તો પ્લેન બ્લાઉઝ પહેરવું. પ્રિન્ટેડ બ્લાઉઝમાં ખાસ કરીને તમારા બોડી અનુસાર સ્લીવ્ઝનું વેરિએશન કરવું જેમકે, એલ્બો સ્લીવ્ઝ, થ્રિ ફોર્થ સ્લીવ્ઝ કે પછી ફૂલ સ્લીવ્ઝ. જેથી કરી બ્લાઉઝથી આખા સાડીનો ઉઠાવ આવે.

કોટન બોટમ – કોટન બોટમ એટલે કે, સલવાર, ધોતી, પ્લાઝો, પાયજામા વગેરે. પ્લેન કુર્તા સાથે પ્રિન્ટેડ સલવાર ખૂબ જ શોભે છે. હાલમાં પ્રિન્ટેડ સલવાર, ધોતી, પ્લાઝો વગેરે બધુ જ રેડી મળે છે. તમે તમારી ચોઈસ મુજબ મિક્સ એન્ડ મેચ કરી શકો.અથવા તો માર્કેટમાં જે રેડી પ્રિન્ટેડ ફેબ્રિક મળે છે તેમાંથી તમારી ચોઈસ મુજબ સિવડાવી શકો.કોટન ફેબ્રિકનો ફોલ ફ્લેક્સિબલ હોય છે એટલે કે, કોટન ફેબ્રિકને જે શેપ અથવા સ્ટાઇલિંગ આપો તે બખૂબી નીખરીને આવે છે. તેથી કોટન ફેબ્રિકમાંથી બનેલા સલવાર, ધોતી, પ્લાઝો ખૂબ જ સુંદર લાગે છે. કોટન ફેબ્રિક શરીરને ચોંટતું નથી તેથી કોટન પ્લાઝો કે ધોતી સાથે શોર્ટ ટોપ્સ પહેરી એક સ્ટાઈલિશ લુક આપી શકાય.

દુપટ્ટા/જેકેટ – મોટા ભાગની મહિલાઓ પાસે પ્રિન્ટેડ દુપટ્ટા હોય જ છે. પ્રિન્ટેડ દુપટ્ટા તમારા ડ્રેસને અને ઓવરઓલ લુકને નિખાર આપે છે. કોટન પ્રિન્ટેડ દુપટ્ટા ઓપન રાખીને પહેરીએ ત્યારે તેનો ઉઠાવ વધારે સારો આવે છે. જેમકે, જો તમે પ્લેન બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો હોય તો તેની સાથે મરૂન અને બેજ કલરનો કલમકારી દુપટ્ટો સારો લાગશે. અથવા તો વારલી પ્રિન્ટનો દુપટ્ટો પ્લીટ વાળી ડ્રેપ કરી શકાય. જો તમને દુપટ્ટા ન પહેરવા હોય તો તમે કોટન ફેબ્રિકમાંથી બનાવેલા જેકેટ પહેરી શકો. જેકેટમાં પણ ઘણા વેરિએશન આવે છે.કયા આઉટફિટ સાથે જેકેટ મિક્સ એન્ડ મેચ કરવું છે તે પ્રમાણે જેકેટનું સ્ટાઇલિંગ કરવું પડે. જેમકે, જો તમને ઇન્ડિયન ડ્રેસ સાથે જેકેટ પહેરવું હોય તો શ્રગ સ્ટાઇલ પહેરી શકો અથવા ચાઇનીસ કોલરવાળું સ્લીવલેસ જેકેટ પહેરી શકાય. જેકેટમાં જેટલી ડેલિકેટ ડિઝાઇન હશે તેટલું સુંદર લાગશે.તમારા બોડી ટાઈપ અને હાઈટ મુજબ જેકેટની પ્રિન્ટ પસંદ કરી શકાય. પ્રિન્ટેડ જેકેટ ઇન્ડિયન પ્લેન ડ્રેસ સાથે તો સારા લાગે જ છે પરંતુ પ્રિન્ટેડ જેકેટ ડેનિમ સાથે પણ મિક્સ એન્ડ મેચ કરી શકાય.

એક્સેસરીઝ – એક્સેસરીઝમાં પણ કોટન પ્રિન્ટેડ ફેબ્રિકનું ચલણ વધી ગયું છે. ખાસ કરીને ટોટ બેગ અને સલીંગ બેગમાં. ટોટ બેગમાં કોટન પ્રિન્ટેડ ફેબ્રિકનો વપરાશ થાય છે. કોટન ફેબ્રિક સાથે લેધરનો ઉપયોગ થાય છે જેને લીધે સ્ટાઇલાઇઝડ લુક આવે છે. તમારી ઓવરઓલ પર્સનાલિટી મુજબ કોટન પ્રિન્ટેડ બેગની પસંદગી કરી શકો. હેર ક્લિપ્સ, ચપ્પલ્સ, મોજડી, બેલ્ટ વગેરેમાં પણ કોટન પ્રિન્ટેડ ફેબ્રિકનો ઉપયોગ થાય છે. કોટન પ્રિન્ટેડ ફેબ્રિકનો જે અક્સેસરીઝમાં વપરાશ થયો હોય તે વાપરવાથી એક રૂટિન લુક કરતાં અલગ લુક આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button